શહેર પોલીસ અને સચિન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી દ્વારા રક્તદાન શિબીરનું આયોજન
2250 પ્લોટ હોલ્ડર ઉદ્યોગકારો અને કામદારો અને પોલીસ કર્મીઓ રક્તદાન શિબીરમાં ભાગ લેશે

સુરત : થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને વારંવાર રક્તની જરૂર પડતી રહે છે, ત્યારે આવા સંજોગોને ધ્યાને રાખી શહેર પોલીસ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જીવનદાન મળી રહે તેવાં પ્રયાસો કરી મોટાપાયે રક્તદાન એકત્ર કરાવે છે. આજે સચિન જીઆઈડીસીના રોડ નં. 3 ખાતે ડીજીવીસીએલ સબ ડિવીઝનની કચેરીના બાજુના પ્લોટમાં ૨૮/૦૮/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે 9થી સાંજે 5 વાગ્યા દરમિયાન સેવાયજ્ઞ ચાલશે જેમાં શહેર પોલીસ કમિશનર ગેહલોત પણ ઉપસ્થિત રહેશે.
સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના સેક્રેટરી મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી અને શહેર પોલીસની આગેવાનીમાં સચિન જીઆઈડીસીના રોડ નં.3 ખાતે મેઘા રક્તદાન શિબીરનું આયોજન કરાશે. જેમાં ઉદ્યોગકાર શાસકો, ઉદ્યોગકાર અગ્રણીઓ, કામદારો અને પોલીસ જવાનો થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કરશે અને કરાવશે.
આ પ્રસંગે સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના પ્રમુખ નીલેશ ગામી, ઉપપ્રમુખ ભીખુભાઈ નાકરાણી, નોટીફાઈડ ચેરમેન મિતુલ મહેતા તથા સેક્રેટરી મયૂર ગોળવાલાએ કાર્યક્રમની પૂર્વસંધ્યાએ આયોજિત થનારા કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાં હાજર કર્મચારીઓને તેમણે જરૂરી સૂચનો પણ કર્યા હતાં. આ સમય દરમિયાન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ઘનશ્યામસિંહ અને તેમની ટીમે પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ ઉદ્યોગકાર શાસકો સાથે જરૂરી વાર્તાલાપ કરી હતી.
નોટીફાઈડ ચેરમેન મિતુલ મહેતાએ જણાવ્યું હતું કે કુદરતે આપેલું અમૂલ્ય જીવન જ્યારે રક્તની અછતના ખોરવાઈ રહ્યું હોય ત્યારે આપણે રક્તદાન કરી કોઈ બાળકના જીવનને બચાવવું જ જોઈએ. રક્તદાન મહાદાન છે, રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી, જેથી થેલેસેમિયા પીડિત નાના બાળકો સારું જીવન જીવે એ એમનો હક્ક છે, જેમાં આપણે સૌએ મદદરૂપ થઈ તેમના જીવનને નવી રાહ ચિંધવા માટે રક્તદાન કરવાનું છે.
આપણું રક્તદાન જીવન જીવવા માંગતાં બાળકનું જીવન બચાવી લેશે
સચિન જીઆઈડીસીના આંગણે નાના બાળકોના જીવનને બચાવવા માટેનો સુંદર સેવાયજ્ઞ શહેર પોલીસ દ્વારા થવાનો છે, ત્યારે અમે સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના ઉદ્યોગકાર શાસકો, અગ્રણીઓ તન-મન-રક્તથી શહેર પોલીસ સાથે છીએ. આ રક્તદાન શિબીરથી નિઃચિંતપણે જીવન જીવવા માંગતા બાળકોના જીવનને બચાવવામાં મોટી મદદ મળશે.આવા પ્રયત્નો દ્વારા સમાજમાં સચ્ચાઈ અને માનવતા માટેની ભાવના વધારી શકાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક લોકોને પણ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ. રક્તદાન એ જીવનદાન છે અને આવા સામાજિક કાર્યોમાં સહભાગી થવું દરેક નાગરિકનું ફરજ બની જાય છે. શહેર પોલીસ કમિશનર, ઉદ્યોગપતિઓ, કામદારો અને પોલીસ કર્મચારીઓની સહભાગિતા આ કાર્યને વધુ સાર્થક બનાવે છે. આખરે, આપણા નાના યોગદાનથી કોઈનું જીવન બચાવી શકાય છે, એ કરતાં મોટું બીજું શું હોઈ શકે?
– કેયૂર પટેલ, ઉદ્યોગકાર શાસક, મેક્સોન ઈન્ડિયા પ્રા.લીમીટેડ