રાષ્ટ્રપ્રેમના રંગમા રંગાયું સુરત: ‘Y’ જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં સ્વદેશી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો : કેન્દ્રીય જળ શક્તિમંત્રી

સુરત: સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરી પીપલોદના ‘Y’ જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું.
તિરંગાયાત્રાનો શુભારંભ ગગનભેદી શંખનાદથી કરવામાં આવ્યો હતો.
રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ-ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘તિરંગા પદયાત્રા’ને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા.
વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા, સાથો સાથ મંત્રી અને મહાનુભાવો જોડાયા હતા અને તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું. સુરત મનપાના ફાયર વિભાગના ૨૫૦ જવાનોએ ૧૨૦૦ મીટર લાંબો તિરંગો લહેરાવ્યો હતો.
આ પ્રસંગે જળશક્તિમંત્રી સી. આર. પાટીલે કહ્યું કે, કલ્પના પણ ન કરી શકાય એટલી મોટી સંખ્યામાં સુરતીઓ તિરંગા યાત્રામાં ઉમટ્યા છે, ત્યારે સુરતમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ રહી છે. સ્વતંત્રતા અપાવવામાં માટે અનેક વીરોએ પોતાના લોહીની આહુતિ આપી હતી. સ્વતંત્રતાના કારણે ધ્વજ લહેરાવી શકીએ છીએ ત્યારે શહિદો અને તેમની પરિવારજનોને યાદ કરવા જોઈએ. આઝાદી પછી ભારત દેશ કેવો હોય તેની કલ્પનાને સાકાર કરવાનું કાર્ય દેશના વડાપ્રધાન કરી રહ્યા છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતાની લડાઈ લડતી વખતે સત્યાગ્રહ કર્યો હતો. એવી જ રીતે સ્વચ્છતાનો પણ આગ્રહ સેવ્યો હતો. દેશના વડાપ્રધાને વિકસિત ભારતની કલ્પના કરી છે. ભારતને નુકશાન પહોંચાડવા માટે દુશ્મનોએ ઘણા પ્રયત્નો કર્યા પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દુશ્મનો સામે બદલો લેવા ભારતીય સેનાએ પહેલા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક, ત્યારબાદ એર સ્ટ્રાઈક કરી અને ત્રીજું ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ પાર પાડ્યું હતું.
ઓપરેશન સિંદૂરથી ભારતની લશ્કરી તાકાત અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની વડાપ્રધાનની નીતિનો ફરી એકવાર દુનિયાને પરિચય થયો છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂર માટે ૩૦ મિનિટનો સમય આપ્યો હતો, પણ ભારતીય સેનાના જવાનોએ માત્ર ૨૩ મિનિટમાં જ પાર પાડ્યું. આ ઓપરેશન સિંદૂરની વિશેષતા એ હતી કે, ભારતીય સેનાએ સ્વદેશી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં સુરત શહેરથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી દેશમાં કશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દેશના હર ઘર તિરંગા થકી કરોડો ઘરો ઉપર તિરંગો શાનથી લહેરાય છે. તિરંગા અભિયાન માત્ર રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કરવાનું જ નહીં, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા લેવાનું પણ અભિયાન બની રહેશે.
સેનાના જવાનો અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે, જવાનોએ દેશની સીમાઓની સુરક્ષિત રાખવા રાત-દિવસ એક કર્યા છે. પહેલગામ આતંકી હુમલા સામે દેશની સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે તેની ગૂંજ સમગ્ર વિશ્વમાં ગુંજી છે. પ્રત્યેક ભારતીયને ગર્વ થાય એવો ભારતીય સેનાએ હુમલામાં દેશની નારીઓના ઉજડેલા સિંદૂરનો જવાબ ઓપરેશન સિંદૂરથી આપ્યો છે.
યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
તિરંગા યાત્રામાં સૌ પ્રથમવાર વિન્ટેજ કાર પ્રદર્શિત કરવામાં આવી હતી. સાથે સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો. પોલીસના આઠ પ્લાટુન, ૧૦૦ ઈ-બાઈક તેમજ સીઆઈએસએફના જવાનો પણ હાજર રહ્યા હતા. યાત્રાના રૂટ પર સ્કલ્પચર સ્ટેજ પર અલગ-અલગ સાંસ્કૃતિત થીમ પર વિવિધ રાજ્યોની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. તિરંગા યાત્રામાં પોલીસ-શાળા બેન્ડ, ટેબ્લો, કાર્નિવલ લાઈટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
તિરંગાયાત્રામાં સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય મનુ પટેલ, સંદીપ દેસાઈ, પૂર્ણેશ મોદી, વિનોદ મોરડિયા, અરવિંદ રાણા, કાંતિ બલર, સંગીતા પાટિલ, મેયર દક્ષેશ માવાણી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના અધિકારી-કર્મચારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, વિશાળ સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.