‘સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫’ નિમિત્તે સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

સુરતઃ ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય સમાન કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણ થયા છે, જે સંદર્ભે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે LongLiveDemocracy થીમ પર સિટીલાઈટના સાયન્સ સેન્ટરના સભાગૃહમાં સાંસદશ્રી મુકેશભાઇ દલાલની અધ્યક્ષતામાં ‘સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, ઈતિહાસના પાનાઓમાં વર્ષ ૨૫ જૂન-૧૯૭૫નો દિવસ ‘કાળો અધ્યાય’ તરીકે યાદ રાખવામાં આવે છે. તે સમયે તત્કાલીન વડાપ્રધાન દ્વારા ૨૫મી જૂને સમગ્ર દેશમાં કટોકટી ઘોષિત કરવામાં આવી હતી. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ(MISA)ના કાયદા હેઠળ ટ્રાયલ વિના લોકોની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાતા હતા. નાગરિકોના હક્કો અને મીડિયા-પ્રેસની સ્વતંત્રતા રાતોરાત છીનવી લેવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન કેન્દ્ર સરકારે ૨૫મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે, જેથી લોકોને એ ઘટનાની યાદ રહે અને લોકશાહીના મૂલ્યોનું રક્ષણ થાય.
દલાલે ઉમેર્યું હતું કે, “સવિધાનનું ઉલ્લંઘન કરી તે સમયગાળામાં હજારો લોકોને જેલમાં નાંખી અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવામાં આવી હતી. આવા સમયમાં પણ રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ, નેતાઓએ લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે સતત સંઘર્ષ કર્યો હતો. એવા લોકશાહીના રક્ષકો-યોદ્ધાઓના યોગદાનને યાદ રાખવા માટે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.
વધુમાં સાંસદએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, અને ભારતીય નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાનો, સંગઠન બનાવવાનો, મુક્ત અવરજવર કરવાનો તેમજ સમાનતા, ધર્મ અને શિક્ષણ સંબંધિત હક્કો ભારતીય સંવિધાન દ્વારા મળેલા છે. આ હક્કો નાગરિકોને સશક્ત બનાવે છે એમ જણાવી ‘વિકસિત ભારત’ના વિઝન સાથે જોડાઈને આપણે બંધારણના મૂલ્યોનું જતન કરવા અને ભૂલોથી શીખ લઈ આગળ વધવા આ દિવસે શીખ લઈએ એવો સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે VNSGU ના પ્રોફેસર અને વકતા પરેશ જોશીએ દેશમાં ૧૯૫૭માં લાગેલી કટોકટી વિશે જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ઈ.સ. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ અને ઈ.સ. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુદ્ધને કારણે દેશમાં કટોકટી ઘોષિત કરાઈ હતી, જે રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર કારણોને આધારે યોગ્ય હતી. પરંતુ ઈ.સ. ૧૯૭૫માં આવી કોઈ યુદ્ધ પરિસ્થિતિ ન હોવા છતાં કટોકટી લાગુ કરાઇ હતી.આ વેળાએ ઉપસ્થિત સૌએ ગાંધીનગર ટાઉન હોલથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત સંવિધાન હત્યા દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી, પ્રવિણભાઇ ઘોઘારી, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, પ્રબુદ્ધ નાગરિકો, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.