સુરત

સુરતના અઠવાલાઇન્સ સ્થિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૨૪x૭ વોર રૂમ શરૂ કરાયો

કંટ્રોલ રૂમમાં હોટલાઈન, વાયરલેસ સહિત સેટેલાઇટ ફોન કાર્યરત

સુરત: ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત-પાકિસ્તાન સરહદે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે સુરત શહેરના અઠવાલાઇન્સ સ્થિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના નેજા હેઠળ ૨૪x૭ વોર રૂમ શરૂ કરાયો છે. કંટ્રોલ રૂમમાં હોટલાઈન, વાયરલેસ સહિત સેટેલાઇટ ફોન તેમજ જનરેટર, ટોર્ચ લાઈટ, પાવર સપ્લાયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત ડિઝાસ્ટર શાખાના નાયબ મામલતદાર સાજીદ મેરૂજયએ વોર રૂમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, નાગરિક સંરક્ષણને લગતી ૧૨ પ્રકારની સેવાઓ માટે વિવિધ વિભાગના અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવશે. સાથે સાથે BSNL, જિયો, વોડાફોન અને એરટેલ સહિતની ટેલી કમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડરના નેટવર્કનું પણ મોનિટરિંગ કરાશે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ માટે પોલીસ કમિશનર સીધી રીતે જાડાયેલા રહેશે. ફાયરની સ્થિતિમાં આગને કાબુમાં લેવા માટે વિસ્તાર વાઈઝ અધિકારીઓને જવાબદારી સોંપાશે. તેમજ રેસ્ક્યુ અને શોધખોળ, બચાવ-રાહત કામગીરી માટે પણ અધિકારીઓને જવાબદારી સોંપાશે.

વધુમાં મેરૂજયએ કહ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશન સેવા (સાલવેજ સર્વિસીસ) મિલકતની સંભાળ, કાટમાળ હટાવવો, પુરવઠા સેવા સહિતની સેવાઓનું આયોજન અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સેટેલાઈટ ફોન પણ કાર્યરત છે. ૧૨ જેટલી સેવાઓ માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોચી વળવા તમામ સવલતોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કંટ્રોલ રૂમ ખાતે સુરત જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ફોન નંબર ૦૨૬૧ – ૨૬૬૩૨૦૦, ૨૬૬૩૬૦૦, ડિઝાસ્ટર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ તેમજ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર – ૦૨૬૧ – ૨૨૪૧૩૦૧, ૨, ૩ અને સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૬૧ – ૨૬૫૧૮૪૦ પર સંપર્ક કરી શકશે. હાલ સુરત શહેર સહિત જિલ્લામાં પરિસ્થિતિ શાંત અને સલામત છે.

નાગરિક સંરક્ષણની ૧૨ સેવાઓ:

(૧) મુખ્ય મથક સેવા
(૨) વોર્ડન સેવા
(૩) અગ્નિ શામક સેવા
(૪) આકસ્મિક સેવા
(૫) સંદેશા વ્યવહાર સેવા
(૬) બચાવ સેવા
(૭) તાલીમ સેવા
(૮) કલ્યાણ સેવા
(૯) ડેપો અને વાહન વ્યવહાર સેવા
(૧૦) મડદા નિકાલ સેવા
(૧૧) પુરવઠા સેવા અને
(૧૨) મિલકત બચાવ સેવા
ઉપરોક્ત તમામ પ્રકારની સેવાઓનું કંટ્રોલ રૂમ ખાતેથી ૨૪x૭ કલાક નિરીક્ષણ થઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button