
સુરત: સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ-2025) ના ભાગરૂપે ONGC હજીરા કોલોનીના રહેવાસીઓએ ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે આજે વહેલી સવારે ‘આઓ પૈદલ ચલે’ થીમ પર વોકેથોન યોજી હતી. જેમાં ONGC કર્મચારીઓ, તમામ પર્યાવરણ પ્રેમી પરિવારજનો ઊર્જા કાર્યક્ષમતા, સ્વચ્છ ઉર્જા અપનાવવા અને પર્યાવરણનું રક્ષણ કરે એવા સંસાધનોના વપરાશના હેતુ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ હેતુને લોકો સુધી પહોંચાડવા માટે સૌ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પગપાળા ચાલ્યા હતા. જેમાં હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે નૉન-રિન્યુએબલ એનર્જી સોર્સીસને બચાવીને રિન્યુએબલ એનર્જીના ઉપયોગના પ્રોત્સાહન આપીને પ્રદૂષણ ઘટાડવાનો સંદેશ આપ્યો હતો.
વોકેથોનના માધ્યમથી આજે નાના પગલાઓ આવતીકાલને સ્વચ્છ, હરિયાળી તરફ દોરી શકે છે એવો સૌએ એકસૂરે મત વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, પર્યાવરણ સુરક્ષા તેમજ પુન:પ્રાપ્ય ઉર્જાના ઉપયોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા.