ગાંધીધામ, 25 સપ્ટેમ્બરઃ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ભાવનગરના યુવાન ખેલાડીઓએ કચ્છની આકરી ગરમીમાં સખત મહેનત કરીને બુધવારે ત્રીજા દિવસે ત્રણ ટીમ ટ્રોફી જીતી લીધી હતી જ્યારે સુરતની ટીમને ફાળે બે ટ્રોફી આવી હતી. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાયેલી છે.
સ્ટેટ ટેબલ ટેનિસ કેલેન્ડરમાં સૌથી વધુ પોઇન્ટ અપાવનારી આ ટુર્નામેન્ટ જોડાક શિપિંગ પ્રા. લિ. દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે અને તેના સહ સ્પોન્સર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા એસોસિયેટ્સ સ્પોન્સર કિરણ ફાઉન્ડેશન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રહેશે. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અન કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનનો સહયોગ સાંપડેલો છે.
ભાવનગર જુનિયર બોયઝની બીજી ક્રમાંકિત ટીમે ત્રીજા ક્રમની સુરતની ટીમને આસાનીથી પરાસ્ત કરી દીધી હતી જેમાં ધ્યેય જાની રમી રહ્યો હતો.
ભાવનગરની જ બીજી ક્રમાંકિત જુનિયર ગર્લ્સની ટીમની આગેવાની રિયા જયસ્વાલે લીધી હતી જે ટીમે આશ્ચર્યજનક રીતે ફાઇનલમાં પ્રવેશેલી બિનક્રમાંકિત નવસારીની ટીમને 3-1થી હરાવીને અંડર-19 કેટેગરીમાં ક્લીન સ્વિપ કર્યો હતો.
સબ જુનિયર ગર્લ્સની ફાઇનલમાં પણ બીજો ક્રમાંક ધરાવતી ભાવનગરની ટીમે ચાર્મી ત્રિવેદીની આગેવાનીમાં મોખરાના ક્રમની સુરત સામે એક ગેમથી પાછળ રહેવા છતાં અંતે 3-1થી વિજય હાંસલ કરીને ત્રીજી ટ્રોફી જીતી હતી.
મેન્સ ફાઇનલમાં ચોથા ક્રમની સુરતની ટીમે બીજા ક્રમના વડોદરા સામે 3-0થી અને વિમેન્સ ફાઇનલમાં ચેમ્પિયન અને મોખરાનો ક્રમ ધરાવતા સુરતે ભાવનગરને 3-1થી હરાવીને ટાઇટલ જાળવી રાખ્યું હતું. આમ તેણે બે ટ્રોફી જીતી હતી.
વડોદરાના ખેલાડીઓને સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો કેમ કે તેણે મોખરાના ક્રમની અમદાવાદની ટીમ સામે સબ જુનિયર બોયઝ ટાઇટલ જીતવા માટે આકરી મહેનત કરીને અમદાવાદને 3-2થી હરાવ્યું હતું. આમ ટીમ ચેમ્પિયનશિપમાં આ તેનું એક માત્ર ટાઇટલ રહ્યું હતું.
સ્થાનિક ખેલાડી રેહાંશ સિઘવી (કચ્છ)એ હોપ્સ બોયઝ (અંડર-9) ટાઇટલ જીત્યું હતું જ્યાં તેણે સુરતના પ્રણવ કેલાને 3-1થી હરાવ્યો હતો તો સુરતની પ્રિશા પારેખે આણંદની યાના પારેખને 3-0થી હરાવીને પ્સ ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું.
ટેબલ ટેનિસને પાયાના સ્તરેથી પ્રમોટ કરવાની જીએસટીટીએની પહેલના ભાગરૂપે આ વખતે અંડર-9 બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો.
જીએસટીટીએ દ્વારા યોજાયેલા ટીમ ચેમ્પિયનશિપ એવોર્ડ સમારંભમાં મુકેશ કુમાર (રિજનલ મેનેજર, સ્ટેટ બેંક, ગાંધીધામ), હર્ષ ગુપ્તા (ડાયરેક્ટર, કિરણ ગ્રૂપ), તેજાભાઈ કાંગડ (ડાયરેક્ટર, નીલકંઠ ગ્રૂપ), મહેશ તિર્થાણી (સેક્રેટરી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ), શ્રીમતિ પલ્લવી બારિયા (ડેપ્યુટી કલેક્ટર, ગીર સોમનાથ), નરેશ બુલચંદાની (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, કેડીટીટીએ), શ્રીહરિ પિલ્લાઈ (સેક્રેટરી, જીએસટીટીએ), રૂજુલ પટેલ (ખજાનચી, જીએસટીટીએ), પથિક મહેતા (ચેરમેન, સિલેક્શન કમિટિ, જીએસટીટીએ), શ્રી મનીષ હિંગોરાણી (સેક્રેટરી, કેડીટીટીએ), શ્રી પ્રશાંત બુચ (સ્થાપક સદસ્ય), રાજીવ સિંઘ (સ્થાપક સદસ્ય, કેડીટીટીએ) ઉપસ્થિત રહ્યા હતા.