સુરત
શહેરના જુદા જુદા વિસ્તારમાં 6 લોકોએ જીવન ટુંકાવ્યા
ગૃહકલેશ, લોનની ભરપાઈ અને બીમારી સહિતના કારણો આપઘાત કરવા સુધી લઈ ગયા
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આત્મહત્યાના બનાવમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક જ દિવસમાં જુદા જુદા વિસ્તારોમાં છ વ્યક્તિઓએ આત્મહત્યા કરી લીધી હતી.
નવાગામ ડિંડોલી ગાયત્રી નગર ની બાજુમાં દિપક નગરમાં રહેતા રંગીલાદેવી વિદ્યાનંદ રાય (ઉં.વ.૨૪)એ ગઈકાલે પોતાના ઘરમાં છતના પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ડીંડોલી પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રંગીલા દેવીના છ વર્ષ પહેલા વિદ્યાનંદ રાય સાથે લગ્ન થયા હતા. લગ્ન થકી તેને ત્રણ બાળકો છે ગઈકાલે બપોરે રંગીલા દેવીનો તેના પતિ વિદ્યાનંદ સાથે બીજો રૂમ રાખવા બાબતે ઝગડો થયો હતો. જેથી તેણીને લાગી આવતા પગલું ભરી લીધું હતું.
બીજા બનાવમાં અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ નજીક અભિષેક ટાઉનશીપમાં રહેતા અને નોકરી કરતા 31 વર્ષીય દિનેશ ધીરાભાઈ સોલંકી એ ગઈકાલે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે અમરોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દિનેશ સોલંકી એ અગાઉ ૧૦ હજારની લોન લીધી હતી. હાલ દિનેશ કામ ધંધો કરતો ન હોય લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી હતી જેથી લોનના હપ્તા ના ટેન્શન માં તેણે પગલું ભરી લીધું.
ત્રીજા બનાવમાં સચિન કણદે ભીખાભાઈ ગજેરા ના મકાનમાં રહેતી ૪૦ વર્ષીય ભાવનાબેન ભાવેશભાઈ વઘાસિયાએ ગઈકાલે છેલ્લા પાંચ વર્ષથી માથું દુખવાની બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ચોથા બનાવમાં રામનગર લિંબાયત ખાતે પ્રકાશ મગન ચૌધરી પત્ની દિપાલીબેન સહિતના પરિવાર સાથે રહે છે અગમ્ય કારણોસર દિપાલીબેનને તેમના માતા ના ઘરે બાથરૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કરી અગનપિછોડી ઓઢી લઈ જીવન લીલા સંકેલી લીધી હતી. લિંબાયત પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંચમાં બનાવમાં કાંતારેશ્વર સોસાયટી લલિતા ચોકડી 29 વર્ષીય મેહુલ દેવરાજ દેવગણીયા (ઉં. વ.27)એ કોઈ અગમ્ય કારણોસર જહાંગીર પુરા કનાદ ફાટક પાસે નહેર ઉપર ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.
જ્યારે આખરી બનાવમાં પાંડેસરા ગોવાલક રોડ હરિઓમ નગર માં રહેતા ૨૨ વર્ષીય રવિ દેવેન્દ્ર પટેલે ભાડાની રૂમ નો દરવાજો અંદર થી બંધ કરી અગમ્ય કારણોસર છતમાં લગાડેલા સીલીંગ ફેનની ઉપર લોખંડના બ્લુ કલરની લુંઘી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.