જિજ્ઞેશ પાટીલના જન્મદિને દિવ્યાંગ દર્દીઓ માટે ૫ વ્હીલચેર, ૨ ટ્રાઈસિકલ અને ૫ વોકર ભેટ આપી
શહેરમાં ત્રણ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા હતા, જેમાં ૨૦૦ થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું
સુરતઃ ‘યુથ ફોર ગુજરાત’ના અધ્યક્ષ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો.ના ઉપપ્રમુખશ્રી જિજ્ઞેશ પાટીલના ૩૭મા જન્મદિનની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરાઈ હતી. શ્રી પાટિલે નવી સિવિલ હોસ્પિટલના દિવ્યાંગ દર્દીઓ માટે ૫ વ્હીલચેર, ૨ ટ્રાઈસિકલ અને ૫ વોકર ભેટ આપી હતી. તેમના જન્મદિને શુભેચ્છકો દ્વારા શહેરમાં ત્રણ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા હતા, જેમાં ૨૦૦ થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
ઉપરાંત, સિવિલના દર્દીઓના પરિવારજનોને ભોજન, નટુગોપાલ ગૌશાળા ખાતે અંગદાન જનજાગૃતિ અભિયાન યોજાયા હતા. શ્રી પાટીલના નિવાસસ્થાને સમાજસેવક ગૌતમ ટેકરીવાલ, યુથ ફોર ગુજરાતની ટીમના સન્ની રાજપૂત, બન્ટી પાટીલ સહિતના સભ્યો, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા, નર્સિંગ એસો.ના સભ્યોએ જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમનાં દીર્ઘાયુની કામના કરી હતી.
નોંધનીય છે કે, સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા જિજ્ઞેશભાઈ દર વર્ષે પોતાના જન્મદિન સહિત પરિવારજનોના જન્મદિનની ઉજવણી સમાજસેવાના ભાવ સાથે ગરીબ અને વંચિત વર્ગના લોકોને સહાયરૂપ બનીને કરે છે. તેઓ વર્ષ દરમિયાન અનેકવિધ બ્લડ કેમ્પ યોજીને રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સહાયરૂપ બને છે. વર્ષ દરમિયાન સિવિલમાં આવતા ગરીબ દર્દીઓને વ્હીલચેર, ઘોડી, દવાઓ સહિતની આરોગ્યલક્ષી જરૂરિયાતો પૂરી પાડે છે.
બિનવારસી દર્દીઓ, નાના બાળદર્દીઓની સેવા સારવારમાં પણ ખૂબ યોગદાન રહ્યું છે. તેમના વડપણ હેઠળની ‘યુથ ફોર ગુજરાત’ની ટીમના સભ્યો છેલ્લા ઘણા વર્ષોથી કેન્સર, હ્રદય જેવા મેજર ઓપરેશનોમાં રક્તદાન કરવા સિવિલ પહોંચી જાય છે. જિજ્ઞેશભાઈ જાતે રક્ત આપી દર્દીને સ્વસ્થ કરવા પ્રયત્નશીલ રહે છે. કોરોનાકાળમાં તેઓ દર્દીઓની સેવામાં સતત વ્યસ્ત રહ્યા હતા.