સુરત

૧.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ 

કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે

 સુરત જિલ્લાના કામરેજ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.૧.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, નવા એસ.ટી. બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે. વર્ષ ૨૦૨૨ માં કામરેજના જૂના બસ સ્ટોપને નવીનીકરણ આપવાનું કાર્ય શરૂ કરાયું હતું, અને એ જ જગ્યાએ વિશાળ, અનેકવિધ સુવિધાયુક્ત અદ્યતન બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે.

મંત્રીએ કહ્યું કે, અગાઉ સુરતના પ્રવેશદ્વાર સમાન કામરેજ અને ચાર રસ્તા ખૂબ અસ્વચ્છ હતા. જેને સ્વચ્છ રાખવા માટેનું કાર્ય શરૂ કરી દીધું છે, હવે કામરેજ સ્વચ્છ અને સુઘડ બનવા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં શહેરીકરણ અને વિકાસનો વ્યાપ વધતા કામરેજની કાયાપલટ થઈ છે. નાનકડું ગામડું ગણાતું કામરેજ આજે સંપૂર્ણ પરિવર્તિત થઈને વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધ્યું છે.

નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે

રાજ્ય સરકાર દ્વારા કામરેજ વિધાનસભા વિસ્તારમાં ૩૦૦ બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે, જે માટે હોસ્પિટલ નિર્માણની દિશામાં ઝડપભેર મંજૂરી, નિર્માણ અને અનુદાનની કામગીરી થઈ રહી છે એમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, GSRTC-સુરતના વિભાગીય નિયામક પી.વી.ગુર્જર, પ્રાંત અધિકારી વી.કે. પીપળીયા, મામલતદાર આર.એસ.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંતભાઈ પટેલ, કામરેજ પી.આઈ. જાડેજા, વિભાગીય યાંત્રિક ઈજનેર આર.કે.ભામરે, વિભાગીય સિક્યુરિટી ઓફિસર એલ.આર.ટંડેલ, વિભાગીય એકાઉન્ટ ઓફિસર એ.કે.લેઉવા સહિત સુરત ST વિભાગના અધિકારી-કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button