ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉચકવાના ચાર્જમાં રૂ. 20નો વધારો કરવાનો નિર્ણય લેવાયો
ઈંધણના ભાવમાં સતત જંગી વધારાને કારણે કામદારોને નુકસાન થઈ રહ્યું છે જેના કારણે યુનિયને પાર્સલ ઉચકવાના ચાર્જમાં પ્રતિ પાર્સલ 20 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
સુરત ડિસ્ટ્રિક્ટ ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણના ભાવમાં ભારે વધારો થયો છે તદુપરાંત 99% ટ્રાન્સપોર્ટઓ શહેરથી દૂર કડોદરા અને બારડોલી રોડ પર ખસી ગયા છે.
જેના કારણે જૂની દરોમાં પાર્સલ ઉચકવાનું કામ કરવું શક્ય નથી, તેથી ગુરુવારે યુનિયનના હોદ્દેદારોની બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે પાર્સલ ઉચકવાની દરોમાં પાર્સલ દીઠ રૂ. 20નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બાબતે અમે ફોસ્ટા અને વિવિધ માર્કેટના મેનેજમેન્ટ તથા કમિટીઓને પત્ર પાઠવીને દરોમાં વધારવાની માંગણી કરીશું. ભાવ વધારો સ્વીકાર ન કરનારી માર્કેટમાં સ્વૈચ્છિક હડતાળનો માર્ગ અપનાવવામાં આવશે.
આ બેઠકમાં યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, પ્રવક્તા શાન ખાન, દેવપ્રકાશ પાંડે, ગિરજાશંકર પાંડે, પવન તિવારી, ડબ્બુ શુક્લા, પરશુરામ શુક્લા, વિમલ પાંડે અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.