સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શનિવાર, તા. ર૭ મે, ર૦ર૩ ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘બિઝનેસ નેટવર્કીંગ મિટીંગ અને ચેટ જીપીટી’વિષે જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત ટેકનોલોજી ટ્રેઇનર કોમલકુમાર શાહે બિઝનેસમાં ચેટજીપીટી ટુલના ઉપયોગ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર દ્વારા વિમેન આંત્રપ્રિન્યોર સેલ થકી મહિલા સાહસિકોને બિઝનેસમાં આગળ વધવા માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જેના અંતર્ગત આ સેલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલા સાહસિકોનું એકબીજા સાથે સંકલન મજબુત થાય તેમજ બિઝનેસમાં નેટવર્કીંગ વધે તે હેતુથી બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગો સમયાંતરે યોજાય છે. જેના ભાગ રૂપે આ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સાહસિકોએ પોતપોતાના બિઝનેસ સંબંધિત ૩૦ – ૩૦ સેકન્ડનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
કોમલકુમાર શાહે જણાવ્યું હતું કે, ચેટ જીપીટી એ જનરેટીવ પ્રિ–ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર ઓપન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વિકસિત આવા જ એક ડીપ મશીન લર્નિંગ આધારિત ચેટ બોટ, તમે પૂછેલા પ્રશ્નોના લગભગ સચોટ જવાબો આપે છે. આ ચેટ બોટ ગૂગલની જેમ લોકોના પ્રશ્નોના જવાબ આપવા માટે ઘણી બધી લીંક પ્રદાન કરતું નથી, પરંતુ ચેટ બોટ વિવિધ પ્રશ્નોના જવાબો આપે છે. જો કે, સપ્ટેમ્બર ર૦ર૧ પહેલાની માહિતી સાથેના જ જવાબો તે આપે છે. આ ટૂલની મદદથી વિવિધ ભાષામાં કન્ટેન્ટ મેળવી શકાય છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત આ ચેટ બોટ પુછવામાં આવેલા પ્રશ્નોના લગભગ સચોટ જવાબો આપે છે. જો કે, કેટલીક વખત તેના દ્વારા આપવામાં આવેલા જવાબોમાં સંદર્ભનો અભાવ હોય છે. આથી ચારથી પાંચ વખત સવાબ પુછયા બાદ મેળવેલા કન્ટેન્ટને એકસાથે ચેટ બોટમાં પુછીને સંક્ષિપ્તમાં તેનો જવાબ મેળવી શકાય છે. પરંતુ આ ચેટ બોટ તબીબી અને કાયદાકીય સૂચન આપતું નથી. કોમલકુમાર શાહે બિઝનેસમાં ચેટ જીપીટીનો ઉપયોગ કઇ રીતે કરી શકાય ? તેની પ્રેકટીકલી ડેમોન્સ્ટ્રેશન થકી મહિલા સાહસિકોને સમજણ આપી હતી.
મહિલા સાહસિકો ચેટ જીપીટીમાં પોતાના બિઝનેસ સંબંધિત વિસ્તૃત માહિતી મેળવી શકે છે. વેબસાઇટ ઉપર મુકવામાં આવતી બિઝનેસ સંબંધિત વિસ્તૃત માહિતી પ૦૦ શબ્દોમાં અને એ જ માહિતીને ટુંકાવીને ૧૦૦ તથા પ૦ શબ્દોમાં પણ ચેટ જીપીટી કેટલાક સેકન્ડમાં જ બનાવી આપે છે. ચેટ જીપીટીની સામે ગૂગલે પણ bard.google.com ટૂલ વિકસિત કરી દીધું છે. જ્યારે માઇક્રોસોફ્ટે પણ ઓપન બીંગ ટુલ વિકસિત કર્યું છે અને તેમાં પણ એઆઇનો ઉપયોગ કર્યો છે. ચેટ જીપીટીનો ઉપયોગ કોર્પોરેટથી લઈને અન્ય ઘણા ક્ષેત્રોમાં મોટા પાયે થઇ રહયો છે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા અને માનદ્ મંત્રી ભાવેશ ટેલર ઉપસ્થિત રહયા હતા. ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સમગ્ર સત્રનું સંચાલન કર્યું હતું. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ કાર્યક્રમની રૂપરેખા સાથે સેલની પ્રવૃત્તિઓ વિષે માહિતી આપી હતી. સભ્ય અમાનત કાગઝીએ વકતાનો પરિચય આપ્યો હતો. નિષ્ણાત વકતાએ મહિલા સાહસિકોના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા. વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સત્રનું સમાપન થયું હતું.