બિઝનેસ

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘જીએસટીની કલમ ૭૩ અને ૭૪’ વિષય પર વેબિનાર યોજાયો

એડવોકેટ એન્ડ ઈન્સોલ્વેન્સી પ્રોફેશનલના ડો.અવિનાશ પોદ્દારે જીએસટીની કલમ ૭૩ અને ૭૪ વિશે ઉદ્યોગ સાહસિકોને માહિતગાર કર્યા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર સાંજે ૦૪:૦૦, સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘જીએસટીની કલમ ૭૩ અને ૭૪’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં એડવોકેટ એન્ડ ઈન્સોલ્વેન્સી પ્રોફેશનલના  ડો.અવિનાશ પોદ્દારે જીએસટીની કલમ ૭૩ અને ૭૪ વિશે ઉદ્યોગ સાહસિકોને માહિતગાર કર્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એક્ટના બે નિર્ણાયક વિભાગો એટલે કલમ ૭૩ અને ૭૪. GST અધિનિયમની કલમ ૭૩ એવા કિસ્સાઓમાં અમલી બને છે, જ્યારે કરદાતા કર ચૂકવવામાં નિષ્ફળ ગયા હોય અથવા તેણે ટૂંકી ચૂકવણી કરી હોય અથવા વધુ ઈનપુટ ક્રેડિટ લે છે તો જીએસટી વિભાગના અધિકારીઓ તેમના વિરૂદ્ધ કલમ ૭૩ હેઠળ કાર્યવાહી કરે છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘GST કાયદાની કલમ ૭૪ કરચોરી, છેતરપિંડી અથવા કરચોરી કરવાના ઉદ્દેશ્ય સાથે તથ્યોની ઇરાદાપૂર્વક ખોટી રજૂઆતને લગતી પરિસ્થિતિઓ સંદર્ભે છે. GST કાયદાની કલમ ૭૩ અને ૭૪ કર પ્રણાલીની અખંડિતતા જાળવવામાં મહત્ત્વપૂર્ણ છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે દરેક કરદાતા રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં નિષ્પક્ષ અને પ્રમાણિકપણે યોગદાન આપે.’

એડવોકેટ એન્ડ ઈન્સોલ્વેન્સી પ્રોફેશનલના શ્રી ડો.અવિનાશ પોદ્દારે જણાવ્યું હતું કે, ‘અગાઉ કલમ ૭૩ હેઠળ શો-કોઝ નોટિસ સમય મર્યાદામાં આપવી જરૂરી હતી, નોટિસ મળ્યા બાદ એજ્યુડિકેડીંગ બેથી પાંચ વર્ષમાં પણ કરતા હતા. ત્યારે વધુ દંડ ચૂકવવાનો રહેતો હતો. સર્વિસ ટેક્સમાં ઈશ્યુઅન્સ ઓફ શો કોઝની સમય મર્યાદા હતી, પરંતુ જીએસટીમાં એજ્યુડિકેશન ઓફ શો કોઝની સમયમર્યાદા છે. જે કલમ ૭૩માં વાર્ષિક રિટર્નની ચૂકવણી કર્યાના ત્રણ વર્ષ સુધીની છે. જ્યારે કલમ ૭૪માં વાર્ષિક રિટર્નની ચૂકવણી કર્યાના પાંચ વર્ષ સુધીની છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કલમ ૭૩ની અંદર વાર્ષિક રિટર્ન ચૂકવવાના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અગાઉ ત્રણ મહિનાની શો-કોઝ નોટિસ આપવાની હોય છે, જ્યારે કલમ ૭૪ની અંદર વાર્ષિક રિટર્ન ચૂકવવાના પાંચ વર્ષ પૂર્ણ થવાના પહેલા ૬ મહિનાની નોટિસ આપવાની હોય છે. શો-કોઝ નોટિસ આપવાની સાથે જ ડીઆરસી-01 ઈલેક્ટ્રોનિકલી અપલોડ કરવાની હોય છે. શો-કોઝ નોટિસ મળ્યા બાદ કરદાતા ચિંતીત થઈ જાય છે. શો-કોઝ નોટિસ મળ્યા સી.એ. દ્વારા તેનો અભ્યાસ કર્યા બાદ યોગ્ય ટેક્નિકલ ઓબ્જિકેશન ઉઠાવવો જોઈએ.’

ચેમ્બર ઓફ કોમર્સના ગ્રૃપ ચેરમેન શ્રી સી.એ. હાર્દિક શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને આભાર વિધી કરી હતી. ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન શ્રી સી.એ. હિતેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તેમજ વક્તાનો પરિચય આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button