સુરતહેલ્થ

સુરત શહેરમાં વિવિધ બ્લડ બેન્કમાં વર્ષે ૧ લાખથી વધુ રક્તદાતાઓનું સ્વૈચ્છિક રક્તદાન

સૌ રંગથી ચડિયાતો એક જ રંગ, રક્તનો લાલરંગ : બ્લડ બેન્ક ઈન્ચાર્જ ડો.જિતેન્દ્ર પટેલ

સુરતઃ આજે ૧લી ઓક્ટોબર એટલે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ. ટ્રાન્સફ્યુઝન મેડિસિનના પિતા પ્રો.જય ગોપાલ જોલીના જન્મ દિવસે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. જેમણે ભારતમાં સ્વૈચ્છિક રક્તદાન ચળવળની પહેલ કરી હતી. ભારતમાં
૧લી ઓક્ટોબર, ૧૯૭૫ના રોજ ઈન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઈમ્યુનોહેમેટોલોજી દ્વારા સૌ પ્રથમ વખત સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવ્યો હતો.ત્યારે ડાયમંડ સિટી, સિલ્ક સિટી, ઓર્ગન ડોનર સિટી સાથે હવે સ્વૈચ્છિક રક્તદાનમાં સુરત
શહેર અગ્રેસર બની રહ્યું છે.

રક્તદાન એવું દાન છે જેના માટે કોઈ સમય મુહૂર્ત, તિથિ, વાર, ચોઘડિયા જોવાતા નથી. રક્તદાતાની મહામૂલી સેવા થકી જ કોઈકની જિંદગી બચાવી શકાય છે. માનવ લોહીનો કોઈ વિકલ્પ નથી. તમામ ટ્રાન્સફ્યુઝનમાં માત્ર ડોનરના લોહીનો જ ઉપયોગ થાય છે.
ત્યારે રક્તદાતાઓના સહયોગથી નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા અનેક દર્દીઓના રક્તની જરૂરીયાત પૂરી થઈ રહી છે.

સૌ રંગથી ચડિયાતો એક જ રંગ, રક્તનો લાલરંગ.. એમ જણાવતા નવી સિવિલ હોસ્પિટલના બ્લડ બેન્ક સેન્ટર ઈન્ચાર્જ ડો.જિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ફાધર ઓફ ટ્રાન્સફયુઝન મેડિસિનના પ્રો. જે.જી.જોલીના જન્મદિવસે 'રાષ્ટ્રીય સ્વેચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. રક્ત આપણાં શરીરમાં વહેતાં અમૃત સમાન છે. માનવરક્ત માત્ર માનવશરીરમાં જ ઉત્પન્ન થઈ શકે છે, એટલે જ માનવીને અસામાન્ય સંજોગોમાં જ્યારે રક્તની તાતી જરૂરિયાત પડે છે, ત્યારે રક્તદાન પર આધાર રાખવો પડે છે.

છેલ્લા એક વર્ષમાં નવી સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ ૨૨૬ રક્તદાન કેમ્પ યોજી કુલ
૯,૮૫૦થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું છે. જેમાં ૮૫ ટકા વોલન્ટીયર રક્તદાન થયું છે. એકત્ર કરાયેલ રક્તમાંથી ૧૫,૨૮૧ કોમ્પોનન્ટ દર્દીઓને ટ્રાન્સફયુઝ કરવામાં આવ્યું હતું. દાન કરાયેલ રક્તના પ્રત્યેક યુનિટનો ઉપયોગ કેન્સર, સર્જરી, ઈજાના દર્દીઓ, બર્નમાં પ્રવાહીબદલવા તથા અન્ય સારવાર માટે રક્તદાન ઉપયોગી થાય છે.

મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના બ્લડ બેન્કના કો-ઓર્ડીનેટરના જણાવ્યા અનુસાર અમે છેલ્લા નવ મહિનામાં શહેરમાં વિવિધ સંસ્થાઓ સાથે મળીને ૧૦૯ રક્તદાન કેમ્પ યોજી કુલ ૮,૨૫૦થી વધુ રક્ત એકત્ર કર્યું છે, એકત્ર કરાયેલ લોહીમાંથી વિવિધ ઘટકો છૂટા
પાડીને દર્દીની જરૂરિયાત મુજબ તેજ ઘટક ૧૧,૧૯૨ કોમ્પોનન્ટ ટ્રાન્સફયુઝ કરવામાં આવ્યું હતું. એક જ રક્તદાતાના બ્લડમાંથી ત્રણ-ચાર લોકોની જિંદગી બચાવી શકીએ છીએ. રક્તદાતાઓમાં ૩૦ વર્ષથી નીચેની વયના કુલ ૩,૧૬૪ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ

વર્ષે ફર્સ્ટ ટાઈમ ડોનેટ કર્યું હોય એવા ૭,૩૧૦ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને
માનવતા મહેકાવી છે.

નોંધનીય છે કે, સુરત શહેરમાં વિવિધ બ્લડબેન્કમાં વર્ષે એક લાખથી વધુ રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈ રહ્યા છે, જ્યારે ધાર્મિક મહોત્સવ, વાર તહેવાર, તિથી, જન્મ દિવસે વિવિધ સંસ્થાઓ અને બ્લડ બેન્ક દ્વારા
શહેરમાં રક્તદાન કેમ્પ અને રક્તદાન અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિ નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરે તો જ તબીબી સારવારમાં માનવરક્તની જરૂરિયાત પૂરી થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button