
સુરત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ તેમણે આપી હતી.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૯૬ અભ્યાસક્રમોના ૧૭,૩૭૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૮૧ પી.એચ.ડી. તથા ૪ એમ.ફિલ. ને પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.
સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું કે, વિશ્વશાંતિને હણનારા કંઈ કેટલાય આતંકીઓ પણ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે, છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો છે. એટલે જ શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છે.
રાજયપાલશ્રીએ વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે, વાદળ વર્ષારૂપે વરસીને જેમ ધરતીની તરસ છીપાવે છે તે જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ: ના આપણા સંસ્કૃતિ ભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ. દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના સંતાનોને રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનાવવાની રાજયપાલશ્રીએ હિમાયત કરી હતી.
ગુજરાતની ભૂમિ બહુરત્ના છે એમ જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતની ધરતી સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતી, વીર નર્મદ જેવા મહાન પુરૂષોની ભૂમિ છે. દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ધરતીના સંતાન છે. ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ સાકાર કરવા માટે પરિશ્રમ કરનાર વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જનહિતની યોજનાઓનો લાભ લઈ દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. ભારત ૧૧મા ક્રમેથી આગળ વધી પાંચમા ક્રમની વિશ્વની સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ બન્યો છે.
વિદ્યાર્થીઓને ટકોર કરતાં તેમણે કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજ્યપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સુવર્ણપદક મેળવનારા વિદ્યાર્થીઓની ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.