ગાંધીધામઃ રાજ્યમાંથી વધુને વધુ ઇન્ટરનેશનલ અમ્પાયર રજૂ કરવાના ઇરાદા સાથે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે 21 અને 22મી સપ્ટેમ્બરે હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે અમ્પાયર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્ટરનેશનલ રેફરી મંગેશ મોપકર દ્વારા આ સેમિનારનું સંચાલન કરવામાં આવ્યું હતું. બ્લૂ બેજ અમ્પાયર મોપકર નાગપુરની બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી છે. તેમણે 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં ફરજ બજાવી હતી. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ) દ્વારા તેમને આ સેમિનારનું સંચાલન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભાવનગરના દીપક સરવૈયાએ તેમના સહાયકની ભૂમિકા ભજવી હતી. દીપક સરવૈયા પણ ઇન્ટરનેશનલ અમ્પાયર અને બ્લૂ બેજ ધારક અમ્પાયર છે.
રાજ્યભરમાંથી 15 અમ્પાયરે તેમાં ભાગ લીધો હતો જેમાં 2024ના ઓક્ટોબરમાં ઇન્ટરનેશનલ અમ્પાયરની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોનો પણ સમાવેશ થતો હતો. આ પરીક્ષા ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ) દ્વારા હાથ ધરાનારી છે.
ઇન્ટરનેશનલ અમ્પાયર મોપકરે જણાવ્યું હતું કે “આઇટીટીએફની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોને આ સેમિનારનો લાભ થશે. આ ઉપરાંત સ્ટેટ અને ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટના અમ્પાયર્સને પણ તેનો લાભ થશે. તથા તેમનું ટેકનિકલ જ્ઞાન વધશે.”