સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સોમવાર, તા. ર૮ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી પ્રવીણ કે. લહેરી (IAS) સાથે ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે વિવિધ સૂચનો આપ્યા હતા. સરસાણા ખાતે વિશાળ જગ્યામાં સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સને આ જગ્યા સરકાર તરફથી મંજૂર કરાવવા માટે જે તે સમયના ગુજરાતના ચીફ સેક્રેટરી પ્રવીણ લહેરીએ મહત્વની ભૂમિકા ભજવી હતી, આથી આ મિટીંગમાં ચેમ્બરના ઓફિસ બેરર્સ, ભૂતપૂર્વ પ્રમુખો અને ઉદ્યોગકારોએ સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તેઓનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે પણ ભૂતપૂર્વ પ્રમુખો સાથે તે સમયની વાતો વાગોળી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવા જઇ રહયું છે. આ પ્રોજેકટ અંતર્ગત ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગ સાહસિકો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં રહી બિઝનેસ કરતા ભારતના ૮૪૦૦૦ ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરી રૂપિયા ૮૪૦૦૦ કરોડના દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવશે.
જેના અંતર્ગત ગુજરાત રિજીયન ઉપરાંત સમગ્ર દેશમાંથી એક્ષ્પોર્ટને વધારી ભારતની અર્થ વ્યવસ્થાને મજબૂત કરવામાં આવશે. આ પ્રોજેકટ અંતર્ગત ૮૪૦૦૦ લોકોને રોજગારી મળી રહે અને ખેડૂતોની આવકમાં હજુ વધારો થાય તે માટે પણ પ્રયાસ કરાશે.
ગુજરાતના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી પ્રવીણ કે. લહેરીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાથ ધરાયેલું મિશન ૮૪ ફિઝીબલ છે પણ મુશ્કેલ કામ નથી. આ મિશનને સફળ બનાવવા માટે ચોકકસ સ્ટ્રેટેજી બનાવી તે મુજબ ચાલવું પડશે. ઔદ્યોગિક એકમો માટે કાચા માલની મુશ્કેલી, ટ્રાન્સપોર્ટની મુશ્કેલી ઉભી થાય છે. મુંબઇમાં બિન જરૂરી વેઇટીંગ પિરિયડ લાગે છે, આથી લોજિસ્ટીકની સેવા માટે ચોકકસ સ્ટ્રેટેજી બનાવી એના મુજબ કામ કરવું જોઇએ. એના માટે એક્ષ્પોર્ટને વધારવા સુરતમાં એક્ષ્પોર્ટ ઝોન બનાવવા પડશે અને લોજિસ્ટીકની સુવિધા ઉભી કરવી પડશે.
સુરતમાં ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સિવાયની ઇન્ડસ્ટ્રી માટે જીઆઇડીસીની વિવિધ યોજનાઓનો લાભ લઇને શહેરની બહાર ચારેય બાજુ સારામાં સારા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઉભા કરવા જોઇએ. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઉભા થશે તો આપોઆપ રોકાણ આવશે. ટેક્ષ્ટાઇલ તેમજ ડાયમંડ ક્ષેત્રે સફળ ઉદ્યોગકારોએ હિંમતભેર અને સમજદારીપૂર્વક અન્ય ક્ષેત્રોમાં પણ ઝંપલાવવું જોઇએ. સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ રેડીમેડ ગારમેન્ટ બનાવવું જોઇએ અને તેને એક્ષ્પોર્ટ કરવું જોઇએ. ઉદ્યોગકારોએ નિકાસલક્ષી એકમો સ્થાપવાની જરૂર છે.
વધુમાં તેમણે કહયું હતું કે, સુરતના યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા છે, જેને ધ્યાને લઇને સુરતમાં સ્ટાર્ટ–અપ અને યુનિકોર્નનું એન્વાયરમેન્ટ ઉભું કરવું જોઇએ. વિશ્વકર્મા જેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવું પડશે. લઘુ ઉદ્યોગોને વધુ મજબુત બનાવવા પ્રયાસ કરવો પડશે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધારવા અને તેના વિકાસ માટે પ્રયાસ કરવો પડશે. આ ઉપરાંત રિસાયકલ ટેકનોલોજીને અપનાવી નવી પ્રોડકટ ડેવલપ કરવાની દિશામાં પ્રયાસ કરવો જોઇએ. કવોલિટી ઉત્પાદન માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા તથા ભૂતપૂર્વ પ્રમુખો કમલેશ યાજ્ઞિક, ભરત ગાંધી અને અશોક શાહ તેમજ ગૃપ ચેરમેનો મૃણાલ શુકલ અને ભદ્રેશ શાહ તેમજ અન્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.