બિઝનેસસુરત

સરસાણા ખાતે ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪નો શુભારંભ થયો

ભારત સરકાર દ્વારા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારતની અર્થવ્યવસ્થા ર૦ ટકા ફાળો આપે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે.

‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૧૦મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે યોજાયો હતો. જેમાં ઉદ્‌ઘાટક તરીકે ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન બળવંત પટેલ પધાર્યા હતા અને તેમના હસ્તે એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. નેશનલ કો–ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશનના રિજીયોનલ ડાયરેકટર સંજય કુમાર, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો–ઓપરેટીવ લિમિટેડના ડાયરેકટર ભાવેશ રાદડીયા, યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ્‌સના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર મનહર સાસપરા, બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રદિપ અગ્રવાલે સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થામાં એગ્રીકલ્ચર ક્ષેત્રનો હિસ્સો ૧પ ટકા છે, જે વર્ષ ૧૯૯૦–૯૧માં ૩પ ટકા હતો. છેલ્લા ઘણા વર્ષોથી ભારતનો એગ્રીકલ્ચર ક્ષેત્રનો વિકાસ વાર્ષિક ૪ ટકા જેટલો છે, જ્યારે વૈશ્વિક સ્તરે એગ્રીકલ્ચર ક્ષેત્રનો વાર્ષિક વિકાસ દર માઈનસ ૪ ટકા છે. ઘણી ખેતપેદાશમાં ભારત વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે. જેમ કે, કેળાં, ચણા, આદુ, લીંબુ, કેરી જેવા ઉત્પાદનોમાં ભારત પ્રથમ ક્રમાંકે આવે છે. જ્યારે શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં અને કાંદા, લસણ, ટામેટાં, ચોખા તથા શેરડીના ઉત્પાદનની સાથે જ વિશ્વમાં ખાતરના ઉપયોગમાં પણ ભારત બીજા નંબરે છે. આ સ્થિતીમાં એક અચરજ પામે તેવા આંકડા એ પણ છે કે, ભારતમાં પ્રતિ હેક્‌ટર ઊપજ વિશ્વમાં થતી પ્રતિ હેક્‌ટર ઊપજ કરતાં ઘણી ઓછી છે. જો ભારતની ખેતી કરવાની પદ્ધતિમાં બદલ કરવામાં આવે તો ઉત્પાદન વધી શકે છે.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારત વિશાળ પ્રમાણમાં વિકસિત થઈ રહયું છે. ભારતમાં આ ક્ષેત્ર ૧પ ટકાનો વિકાસ દર ધરાવે છે. એક અંદાજ મુજબ, આગામી બે વર્ષમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ૯૦ લાખ નવા રોજગાર નિર્માણ થવાની સંભાવના છે. ભારત હાલમાં વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતી અર્થવ્યવસ્થા છે. ભારત સરકાર દ્વારા વર્ષ– ર૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ મૂકાઈ છે. વિકસિત રાષ્ટ્ર એટલે નાગરિકની માથાદીઠ આવક રર હજાર યુ.એસ. ડોલર પ્રતિ વર્ષ થાય તેવી સંભાવના છે, જે આજની આવક કરતાં ૯ ગણી વધુ રહેશે. આવક વધશે એટલે ભારતીયોનું કન્ઝમ્પ્શન વધશે. એક અંદાજ મુજબ, જેટલા આહારનું હાલમાં સેવન થાય છે તેના કરતા ૪ ગણું કન્ઝમ્પ્શન આગામી ર૦ વર્ષોમાં વધશે. એટલે જ ભારત સરકાર દ્વારા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારતની અર્થવ્યવસ્થા ર૦ ટકા ફાળો આપે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં તે ૮ ટકા છે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહયું હતું કે, અમારા આ અગાઉના એક્‌ઝીબીશનનો અનુભવ એવો રહયો છે કે તેમાં ભાગ લેનાર કંપનીઓને એટલું સારું બ્રાન્ડીંગ પ્રાપ્ત થાય છે કે જેને કારણે તેમણે ગ્રાહક શોધવા માટે જવું નથી પડતું પરંતુ ગ્રાહક તેમને શોધતો આવે છે.

સમારોહના ઉદ્‌ઘાટક ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન બળવંત પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં શેરડી એ ખેડૂતો માટે આર્થિક વિકાસનો પાયો બની છે. ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે ત્યારે માનનીય વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહયા છે. દેશના વિકાસમાં કૃષિ અને કૃષિકારોનું અનન્ય યોગદાન રહયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતને વિશ્વ સમક્ષ ફૂડ બાસ્કેટ તરીકે રજૂ કરવા વડાપ્રધાને ખેડૂતોને હાંકલ કરી છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલું આ પ્રદર્શન કૃષી ક્ષેત્ર તેમજ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટે ઉજળી તકો ઉભી કરશે. એટલું જ નહીં પણ આ ક્ષેત્રે ઝંપલાવનારા ઉદ્યોગ સાહસિકો માટે પણ આ પ્રદર્શન સારું પ્લેટફોર્મ બની રહેશે.

નેશનલ કો–ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશનના રિજિયોનલ ડિરેકટર સંજય કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનો પ્રદેશ સર્વ બાબતો જેમ કે, ઔદ્યોગિક, પ્રોસેસિંગ અને એગ્રીકલ્ચરથી સંપન્ન છે. આપણે ટ્રિપલ સી એટલે કો–ઓપરેટીવ, કોર્પોરેટ અને કોલાબોરેશનથી દેશના હરણફાળ વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ. ભારત સરકાર દ્વારા એગ્રીકલ્ચરના ઉત્પાદનનો સંગ્રહ કરવા માટે યોજનાઓ વિશે કાર્ય થઈ રહયું છે.

ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો–ઓપરેટિવ લિમિટેડના ડાયરેક્‌ટર ભાવેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય સમાજે આધુનિકતાને સ્વીકારવા સાથે પોતાની સામાજિક વ્યવસ્થામાં અનેક ફેરફાર કર્યા છે. ભારતે નેનો ટેકનોલોજીથી યુરિયામાં સંશોધન કરીને ડ્રોન થકી યુરિયાને લિકિ્‌વડ ફોર્મેટમાં ખેતરમાં નાંખવાનો પાયલેટ પ્રોજેક્‌ટ સાકાર કર્યો. એક દશક પહેલા ૬પ ટકા યુરિયા આયાત કરવામાં આવી રહયું હતું, જ્યારે હાલમાં ભારતથી ર૦ ટકા યુરિયાનું એક્ષ્પોર્ટ થઇ રહયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે પરંપરાગત ખેતી, પશુપાલન અને સહકારીતાથી કૃષિ ક્ષેત્રે વિકાસ સાધવાનો છે.

યુરો ઈન્ડિયા ફૂડ્‌સના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મનહર સાસપરાએ જણાવ્યું હતું કે, ‘સુરત સિલ્ક સિટી, ડાયમંડ સિટી અને ક્લીન સિટી તો બન્યું જ છે પણ આગામી સમયમાં સુરત ફૂડ સિટી બનશે તે નિશ્ચિત છે. સુરતમાં બિઝનેસ કરતાં શહેરીજનો પ્રતિસ્પર્ધી તરીકે નહીં પણ સહાયક તરીકે વર્તે છે, જે સુરતની આગવી વિશેષતા દર્શાવે છે. તેમણે આંત્રપ્રિન્યોર્સને સલાહ આપતાં જણાવ્યું હતું કે, પોતાની કંપનીને બ્રાન્ડ બનાવો, બ્રાન્ડની વેલ્યુ હોય છે.’

બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રદિપ અગ્રવાલે જણાવ્યું હતું કે, ૧૦ ફેબ્રુઆરીને ‘વર્લ્ડ પલ્સેસ ડે’ તરીકે ઉજવાય છે. ભારતમાં પલ્સેસની જરૂરિયાતમાંથી ૪૦ ટકા પલ્સેસની આપણે આયાત કરીએ છીએ. જેના કારણે પલ્સેસના ભાવમાં વૃદ્ધિ જોવા મળે છે. જો દક્ષિણ ગુજરાતમાં પલ્સેસ ખેતી પર પણ ભાર મૂકવામાં આવે તો ઉત્પાદનને સારો એવો ભાવ મળી શકે છે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સમારોહનું સંચાલન કર્યું હતું. ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે.બી. પીપલીયાએ એકઝીબીશન વિશે માહિતી આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તેમજ સાર ઇન્ફ્રાકોનના ચેરમેન ભરત ગાંધીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ સમારોહમાં ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, પૂર્વ પ્રમુખો, ઉદ્યોગકારો અને વેપારીઓ સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button