સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૧ માર્ચ ર૦ર૩ ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટિનમ હોલમાં ‘એસબીસી બિઝનેસ નેટવર્કીંગ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કી–નોટ સ્પીકર તરીકે લુથરા ગૃપના ચેરમેન ગિરિશ લુથરાએ લાયઝન થુ્ર નેટવર્કિંગ વિષે તથા નિષ્ણાંત વકતાઓ તરીકે વાપી–વલસાડના બીએનઆઇ (બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ)ના એકઝીકયુટીવ ડાયરેકટર આયુષ બંસલે પાવર ઓફ નેટવર્કિંગ વિષે, મર્જ ટેકનોલોજીસના ડાયરેકટર મનોજ અત્રીએ ટેકનોલોજી ઇન નેટવર્કિંગ ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વિષે, સંગિની ગૃપના મેનેજિંગ ડાયરેકટર આદર્શ પટેલે રિલેશનશિપ ઇન નેટવર્કિંગ અને આરસીઆઇ ઇન્સ્ટીટયુટના ઓનર રવિ છાવછરીયાએ પ્રોફેશનલ એપ્રોચ ટુ નેટવર્કિંગ વિષે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આજની દુનિયામાં એવું કહેવાય છે કે તમારું નેટવર્ક એ તમારી નેટવર્થ છે. નેટવર્કીંગના ઘણા ફાયદા છે. બિઝનેસમાં વ્યવસાયિકો વિચારોનું આદાન–પ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ પર આવે છે. આ પ્રવૃત્તિને કારણે તેઓનો એકબીજા પ્રત્યે આત્મવિશ્વાસ મજબુત થાય છે. સાથે જ એકબીજાના વ્યવસાયોને જાણવાની તક મળે છે અને પરસ્પર વ્યવહારના નવા રસ્તાઓ મળે છે. એસજીસીસીઆઈ બિઝનેસ કનેકટ એ ચેમ્બરના ૧૦પ૦૦ થી વધુ સભ્યોને વ્યવસાયિક રીતે જોડવાનું કામ કરે છે અને અંદરોઅંદર એકબીજાને બિઝનેસ અપાવવા માટે કામ કરે છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન એસબીસીના ૧પ૦ જેટલા સભ્યોએ એકબીજાને આશરે રૂપિયા ર૦ કરોડથી વધુનો બિઝનેસ અપાવ્યો હતો.
કી–નોટ સ્પીકર ગિરિશ લુથરાએ જણાવ્યું હતું કે, નેટવર્કીંગનો પ્રથમ નિયમ કનેકટ થવાનો છે. ઉદ્યોગ સાહસિકોએ સૌપ્રથમ પોતાને પોતાના બિઝનેસની સાથે કનેકટ કરવાનું છે. બિઝનેસમાં યોગ્ય વ્યકિતને ઓળખવાની સમજ કેળવવાની હોય છે અને આ સમજ કેળવવા માટે એકબીજાની સાથે કનેકટ થવાનું હોય છે. તેમણે ગર્વમેન્ટ લાયઝનીંગ વિષે ચર્ચા કરી હતી. નેટવર્કીંગનો બીજો નિયમ એટલે ટુવે (બંને તરફથી) વિષે જાણકારી આપી હતી. નેટવર્કીંગ માટે બંને તરફથી જોડાવવા માટે બેલેન્સીંગ એપ્રોચ રાખવો પડે છે. પ્રોફેશન, ફેમિલી, સોસાયટી અને લર્નીંગ માટે બેલેન્સ બનાવી રાખવું પડે છે.
સુરતમાં પર્સનલી કામ કરવાનું શીખવા મળે છે, પરંતુ અત્યારનો સમય પોતાની સાથે આખી ટીમને કનેકટ કરવાનો છે. નોલેજને સતત અપગ્રેડ કરતા રહેવાનો છે. તેમણે કહયું કે, સ્કૂલ–કોલેજમાં કોઇ ખાસને મેળવવા માટે જે ધગશથી કામ કરતા હતા તેને જીવનમાં કન્ટીન્યુ કરવાનું છે. બિઝનેસમાં ગ્રાહકોની સાથે સતત સંર્પકમાં રહેવું પડશે. બિઝનેસ નેટવર્કીંગમાં સમસ્યાઓ તો આવશે પણ યોગ્ય સ્ટ્રેટેજી અપનાવીને સમયસર એમાંથી બહાર નીકળવાનું રહેશે.
વકતા આયુષ બંસલે જણાવ્યું હતું કે, નેટવર્કીંગ એ ઓફિસની અંદરનું જીવન નથી એના માટે તમારે ઓફિસની બહાર નીકળવું પડશે. દિવસમાં કોઇને મળો છો તો તમારી ઓળખાણનો નાનો ડ્રાફટ બનાવીને એને વોટ્સએપ કરી દો, જેથી કરીને એને તમે યાદ રહી શકો. ડ્રાફટમાં પોતાના બિઝનેસની માર્કેટીંગ કરવાની નથી. બિઝનેસ નેટવર્કીંગમાં ગ્રાહકો પાસેથી બિઝનેસ મેળવવા માટે ધીરજ રાખવી પડશે. તેમણે કહયું કે, કયારેક જીવનમાં જે બાબત રૂપિયાથી નહીં થાય એ પ્રેમથી અને નેટવર્કીંગથી થઇ જાય છે.
વકતા મનોજ અત્રીએ જણાવ્યું હતું કે, નેટવર્કીંગની જુદી–જુદી વ્યાખ્યા છે. ફિઝીકલી વન ટુ વન નેટવર્કીંગની સાથે હવે કોમ્પ્યુટર નેટવર્કીંગ પણ જરૂરી બન્યું છે. ટેકનોલોજીને કારણે બિઝનેસ નેટવર્કીંગ હવે સોશિયલ મિડિયાના પ્લેટફોર્મથી પણ કરી શકાય છે. માર્કેટીંગ માટે ડેટાનો ઉપયોગ કરી શકાય છે. જો કે, ટેકનોલોજીની સાથે ટ્રેડિશનલ બિઝનેસને પણ સાથે લઇને ચાલવું પડશે. નેટવર્ક કયારેય પણ એક દિવસમાં કે એક મુલાકાતથી નથી બનતું એના માટે ગ્રાહકોની સાથે સતત સંપર્ક જાળવી રાખવો પડે છે. બિઝનેસમાં ગ્રોસ અને નેટ મળે છે ત્યારે નેટવર્કને વધારવા માટે એટલે કે ‘નેટ’ મેળવવા માટે ‘વર્ક’ કરવું જ પડશે. નેટવર્કીંગ માટે કોમ્યુનિકેશન સૌથી વધારે જરૂરી છે.
વકતા આદર્શ પટેલે જણાવ્યું હતું કે, બિઝનેસનું પ્લેટફોર્મ એક પ્રકારનો વિશ્વાસ કેળવી આપે છે પણ આગળ ગ્રોથ કરવા માટે વ્યકિતગત પ્રયાસ કરવો પડે છે. બીટુબીમાં લોકોને લાંબાગાળા માટે સપ્લાયર્સ જોતા હોય છે. ટેકનોલોજી એ બિઝનેસમાં સમયસર અપડેટીંગ કરાવે છે. કયારેક ગ્રાહકોની ફરિયાદો કારણે પ્રોડકટમાં સુધારો કરવાની તક મળે છે અને તેઓની સાથે વધુ કનેકટ થવાનો આધાર મળે છે. ટેકનોલોજીથી લીડ જનરેટ થાય છે પણ બિઝનેસ નેટવર્કીંગ માટે ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન તો પર્સનલી કરવા પડે છે.
વકતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે, બિઝનેસ નેટવર્કીંગમાં સરળ રહેવાની સાથે સાથે સમજદાર રહેવાની પણ જરૂર છે. નેટવર્કીંગ કોની સાથે કરવામાં આવી રહી છે તે બાબત પણ બિઝનેસના ગ્રોથ માટે ઘણી મહત્વની સાબિત થાય છે. આમ તો એજ્યુકેશન સર્વોપરી છે પણ નેટવર્કીંગ માટે સખત મહેનત કરવાની જરૂર હોય છે. બિઝનેસમાં ઉદ્યોગ સાહસિકો જ્યારે ૧૦૦ ટકા એફર્ટસ લગાવીને પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધે તો એ ચોકકસ સફળ થાય છે. ઘણા નોકરિયાતોએ વિવિધ ઉદ્યોગોમાં સાહસ કર્યું છે. બિઝનેસ નેટવર્કીંગમાં આજની યુવા પેઢીને આવકારવી જોઇએ. યુવાઓ એ ટેકનોલોજી તથા અન્ય બાબતોમાં ઘણા સારા સાબિત થઇ રહયાં છે. નેટવર્કીંગ માત્ર બિઝનેસ આપવા કે લેવા માટે નહીં પણ ટીમમાં નવા લોકોનો સમાવેશ કરી આખી ટીમને વિકસિત કરવા માટે પણ કરવું જોઇએ.
ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ નેટવર્કીંગ વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંકોચ છોડીને પોતાની વાત રજૂ કરવી અને પ્રેઝન્ટેશન સારી રીતે આપવું એ સારા નેટવર્કની સ્ટાઇલ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસબીસી થકી નેટવર્કીંગ માટે જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તે સમગ્ર દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે વર્ષ ર૦૧૮માં મારી ફાઉન્ડર ચેરમેનશિપમાં એસબીસીની શરૂઆત થઇ હતી અને અત્યાર સુધીમાં રૂપિયા ૪પ કરોડથી વધુનો બિઝનેસ સભ્યોએ અંદરોઅંદર એકબીજાને અપાવ્યો છે. કોન્કલેવ દરમ્યાન એસબીસી કમિટીના રપ જેટલા સભ્યોએ સ્ટોલ લગાવીને તેઓની પ્રોડકટ પ્રદર્શિત કરી હતી. આ કોન્કલેવમાં ૪૦૦ થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. તેમણે એસબીસીના વિઝન વિષે જણાવ્યું હતું કે, To become the most preferred Business enhancement platform for the members.
ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા ઉપસ્થિત રહયાં હતાં. એસબીસીના ચેરમેન એડવોકેટ પરેશ પારેખે એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ વિષે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ એ ચેમ્બર ઓફ કોમર્સનું એવું ફોરમ છે કે જ્યાં તેના સભ્યો દર પંદર દિવસે મિટીંગ કરી પ્રમોટ અને સપોર્ટની ભાવનાથી એકબીજાના ધંધાના વિકાસમાં સહભાગી બને છે.
એસબીસીના એડવાઇઝર તપન જરીવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કોન્કલેવના કો–ઓર્ડિનેટર સ્નેહા જરીવાલાએ કોન્કલેવમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. એસબીસી કમિટીના કો–ચેરમેન યોગેશ દરજી તથા સભ્યો હેમાલી શાહ, જૈમીન શેઠ, પિન્કી દેસાઇ અને ચાંદની દલાલે વકતાઓનો પરિચય આપ્યો હતો. આઇડીએફસી બેંકના સુરતના બ્રાંચ મેનેજર ગૌરવ સ્વામીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
એસબીસીના સભ્યો વિશાલ શાહ અને ડો. મનશાલી તિવારીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કોન્કલેવના આયોજન માટે ચેમ્બરની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સવાલ–જવાબ સેશનમાં વકતાઓએ બિઝનેસ નેટવર્કીંગ સંબંધિત વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું.