સુરતના ડિંડોલી ખાતે ઉમિયા માતાજીના મંદિરને ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ડિંડોલી દ્વારા તા.૧૭ થી ૨૦ માર્ચ દરમિયાન આયોજિત ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવમાં પ્રથમ દિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ઉમિયા માતાજીના મંદિરમાં ઉમિયા માના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ મા ઉમિયાના ચરણોમાં શીશ ઝૂકાવી સમગ્ર રાજ્ય-દેશના નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારીની મંગલ કામના કરી હતી.
શક્તિ ઉપાસનાને ઉજાગર કરતા ઉમિયા માતા મંદિરને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. આ દશમા વાર્ષિક પાટોત્સવને દશાબ્દિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ મહોત્સવના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, દશાબ્દિ મહોત્સવ એ ઉમાપુરમના ભવ્ય ભૂતકાળને વાગોળવાનો, દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવ્ય સંકલ્પ કરવાનો ઉત્સવ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સંસ્થાએ સર્વ સમાજ અને વર્ગો માટે વિવિધ સેવાકાર્યો, ધર્મકાર્યો થકી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકારની ‘સૌના સાથ અને સૌના વિકાસ’ની ભાવના પાટીદાર સમાજ મૂર્તિમંત કરી રહ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પાટીદાર સમાજ જમીનમાં પાટુ મારી પાણી કાઢનારો અને સૌને સાથે રાખીને આગળ વધનારો સમાજ છે. પરિશ્રમથી અર્જિત કરેલી લક્ષ્મી સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાની ભાવના પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓની રહી છે. આ સમાજ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેમ જણાવી પાટીદાર સમાજ સૌને સાથે રાખીને વધુ આગળ વધે તેવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાનશ્રીના ‘એક પેડ મા કે નામ’ અને ‘કેચ ધ રેઈન’ જેવા જનજાગૃતિના પર્યાવરણલક્ષી અભિયાનોને સૌ પોતાનો સહજ સ્વભાવ બનાવે, સ્વભાવમાં સહજ રીતે વણી લે એવો અનુરોધ કરતા તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા-ઉછેરવા તેમજ વરસાદી પાણીનું ટીપે ટીપું ભૂગર્ભમાં ઉતારી જળસંચયના ઉમદા કાર્યમાં સહભાગી બનવા સૌ નાગરિકો સામૂહિક યોગદાન આપે. ઉપરાંત, સ્વચ્છ અને સુંદર સુરતની સ્વચ્છતાની કાયમી જાળવણી કરવા, ટ્રાફિક નિયમોનું પાલન કરી આદર્શ નાગરિક બનવા આહ્વાન કર્યું હતું.