
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારના કેમિકલ મંત્રાલય દ્વારા જુલાઇ– ર૦ર૩થી MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સ PTA અને MEG ઉપર QCO ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓકટોબર– ર૦ર૩થી પોલિએસ્ટર યાર્નના જેટલા પણ FDY, POY, IDY અને PSF છે, એના ઉપર પણ QCO ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો. QCO ઓર્ડર લાગુ થયા બાદ ફરજિયાતપણે જેની પાસે BISનું સર્ટિફિકેશન હોય એ જ ભારતમાં આ મટિરિયલ્સ વેચી શકે એ પ્રકારનો આ ઓર્ડર હતો. એના કારણે ભારતમાં MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સની આયાત સંપૂર્ણપણે બંધ થઇ ગઇ હતી. જેના કારણે ઘણા સ્પેશ્યાલિટી યાર્નની અછત ભારતમાં વર્તાતી હતી. ખાસ કરીને સ્પેશ્યલ લાઇફ સ્ટાઇલ ફેબ્રિકનું ઉત્પાદન નહીંવત જેવું થઇ ગયું હતું.
આ પરિસ્થિતિને નિવારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફિઆસ્વી, ફોગવા, CITI (નવી દિલ્હી), CII સહિત ભારતભરના ટેક્ષ્ટાઇલ્સ એસોસીએશનો દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કેમિકલ મંત્રાલય, ટેક્ષ્ટાઇલ મંત્રાલય, એમએસએમઇ મંત્રાલય અને નીતિ આયોગમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ સંગઠનો દ્વારા મિટીંગો કરવામાં આવી હતી.
દરમ્યાન ગતરોજ તા. ૧ર નવેમ્બર, ર૦રપના રોજ ભારત સરકાર દ્વારા MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સ MEG અને PTA તથા POY (Polyester Partially Oriented Yarn), FDY (Polyester Continuous Filament – Fully Drawn Yarn), IDY (Polyester Industrial Yarn), PSF (Polyester Staple Fibre) ના તમામ QCO ઓર્ડરને હટાવી દેવામાં આવ્યા હતા, જેને કારણે હવે ભારતમાં ટેક્ષ્ટાઇલના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને ઉદ્યોગકારો એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકનું ઉત્પાદન કરી ભારતથી એક્ષ્પોર્ટ વધારશે.
હવે ઉદ્યોગ સાહસિકો વિશ્વના દરેક ખૂણેથી MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સ લાવી સુરતમાં અને ભારતમાં જ ફિનિશ્ડ ગુડ બનાવી શકશે. MMF ટેક્ષ્ટાઇલ્સનું આખા દેશમાં થતા કુલ ઉત્પાદનમાંથી ૬૦ ટકા ઉત્પાદન માત્ર સુરતમાં થાય છે, ત્યારે સુરતના ટેક્ષ્ટાઇલ્સના ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ જ મોટી રાહત QCO ઓર્ડર નાબૂદ થવાથી થઇ છે, આથી ચેમ્બરના હોદ્દેદારો તથા વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ ભારત સરકારનો આભાર માન્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીની રાહબરી હેઠળ ચેમ્બરના ઉપ પ્રમુખ તેમજ ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્ મંત્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી તથા ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરતભાઇ ગાંધી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ ચેમ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ કમિટીના ચેરમેન આશીષ ગુજરાતી અને ચેમ્બરની ટેક્ષ્ટાઇલ નીટિંગ કમિટીના એડવાઇઝર બ્રિજેશ ગોંડલિયા સાથે મળીને નવી દિલ્હી ખાતે રજૂઆતોનો દૌર શરૂ કર્યો હતો. આ તમામની મહેનત રંગ લાવી છે અને સતત રજૂઆતોને પરિણામે ભારત સરકારે ગતરોજ MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સ પરથી QCO ને નાબૂદ કર્યો હતો.



