નવી દિલ્હી ખાતે નવી એમએસએમઇ ઉદ્યોગનીતિ મુદ્દે ચર્ચા – વિચારણા કરવા હેતુ મળેલી બેઠકમાં ચેમ્બરે વિવિધ રજૂઆતો કરી
કોળસાની અછતને ધ્યાને લઇને એમએસએમઇ એકમો ધરાવતા ઉદ્યોગકારોને કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ નાંખવા માટે પ્રોત્સાહન મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ એમએસએમઇ સોલાર પોલિસી બનાવવામાં આવે : ચેમ્બર
સુરત. ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય દ્વારા તા. ર૭ એપ્રિલ, ર૦રર ના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી એમએસએમઇ ઉદ્યોગનીતિ મુદ્દે ચર્ચા – વિચારણા કરવા માટે દેશના મોટા ભાગના ઔદ્યોગિક એસોસીએશનો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના કેબીનેટ મંત્રી નારાયણ રાણેની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં એમએસએમઇ રાજ્ય કક્ષાના મંત્રી ભાનુપ્રસાદ વર્મા, એમએસએમઇ સેક્રેટરી બી.બી. સ્વેન તથા એમએસએમઇ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
આ બેઠકમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી ચેમ્બરની ગર્વમેન્ટ સ્કીમ્સ કમિટીના ચેરમેન સીએ રાજીવ કપાસિયાવાલા અને ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર દ્વારા આવનારી નવી પોલિસીમાં MSE-CDP સ્કીમને સરળ બનાવી વધુમાં વધુ માઇક્રો કલસ્ટર આ સ્કીમનો લાભ લઇ શકે તેવી રજૂઆત કરી હતી. સાથે જ CGTMSE સ્કીમમાં કો લેટરલ ફ્રી લોનની લિમિટ રૂપિયા ર કરોડથી વધારીને રૂપિયા પ કરોડ સુધી લઇ જવાની માંગ કરવામાં આવી હતી. CGTMSE સ્કીમમાં લોન માટે ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવતી અરજીઓનું સીધું સંચાલન એમએસએમઇ મંત્રાલય દ્વારા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
CGTMSE લોનની કોસ્ટમાં ઘટાડો કરવામાં આવે, મહિલા ઉદ્યોગ સાહસિકોને CGTMSE લોનની કોસ્ટમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવે, ક્રેડીટ લીન્ક કેપીટલ સબસિડી સ્કીમને પુનઃ ચાલુ કરવામાં આવે તથા તેમાં સબસિડીની રકમ રૂપિયા ૧પ લાખથી વધારી રૂપિયા રપ લાખ કરવાની રજૂઆત ચેમ્બરે કરી હતી. ભારતભરમાં બધી જગ્યાએ લાગુ પણ માત્ર સુરતમાં ઘણા લાંબા સમયથી જે સ્કીમનો લાભ બંધ છે એવી PMEGP સ્કીમનો લાભ સુરતના ઉદ્યોગકારોને મળી રહે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી. તદુપરાંત એમએસએમઇ માટે એનપીએની લિમિટ ૯૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોળસાની અછતને ધ્યાને લઇને એમએસએમઇ એકમો ધરાવતા ઉદ્યોગકારોને કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ નાંખવા માટે પ્રોત્સાહન મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ એમએસએમઇ સોલાર પોલિસી બનાવવામાં આવે તેવી પણ ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા જુદા–જુદા એસોસીએશનો દ્વારા પણ ઘણી માંગણીઓ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ટ્રેડ્સ પ્લેટફોર્મની ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્લેટફોર્મ ઉપર રૂપિયા પ૦૦ કરોડથી વધારાનું ટર્નઓવર ધરાવતા એકમોને જ બીલ ડિસ્કાઉન્ટ માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાની જોગવાઇ છે. આથી રૂપિયા રપ૦ કરોડથી વધારાનું ટર્નઓવર ધરાવતા એકમો પણ ટ્રેડ્સ પ્લેટફોર્મ ઉપર ફરજિયાત રજિસ્ટ્રેશન કરી શકે તેવી જોગવાઇ કરવા અનુરોધ કરાયો હતો.
જીએસટી ઇન્વોઇસ સીધું ટ્રેડ્સ પ્લેટફોર્મ ઉપર લોડ થઇ જાય તે માટે વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ પ્રોડકટ ખરીદનાર દ્વારા ઇન્વોઇસને વેલીડેટ કરવાની પ્રક્રિયામાં ઓનલાઇન જનરેટ થયેલા ઇન્વોઇસ અંગે સાત દિવસના સમયગાળા દરમ્યાન જો ખરીદનાર દ્વારા કોઇ વાંધો લેવામાં નહીં આવે તો બીલને ખરીદનારે સ્વીકાર્યું છે તેવી જોગવાઇ કાયદામાં લાવવા માટે માંગણી કરવામાં આવી હતી.
કેબીનેટ મંત્રી નારાયણ રાણેએ ચેમ્બર તથા વિવિધ એસોસીએશનો દ્વારા કરવામાં આવેલી ઉપરોકત રજૂઆતો અંગે સકારાત્મક અભિગમ દાખવ્યો હતો. ઉદ્યોગકારોની વિવિધ માંગણીઓને ધ્યાને લઇને નવી પોલિસી ફાયનલ કરવામાં આવશે તેવું આશ્વાસન તેમણે વિવિધ ઔદ્યોગિક સંગઠનોને આપ્યું હતું.