ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ અને જસ્ટજોબ્સ નેટવર્કે ઇન્ડિયા એમ્પ્લોયેબિલિટી રિપોર્ટમાં 10 વર્ષમાં એપ્રેન્ટિસ વધારીને 10 મિલિયન કરવાની જરૂરિયાત વ્યક્ત કરી
આ સ્વપ્ન સાકાર કરવા ભારત માટે 12 મુદ્દાના સુધારાના એજન્ડાની ભલામણ કરી
ભારતમાં રોજગારદક્ષતામાં પરિવર્તનનો પવન ફૂંકનાર અગ્રણી જૂથ ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ અને અગ્રણી શ્રમ બજાર સંશોધન સંસ્થા જસ્ટજોબ્સ નેટવર્કે આજે એક પ્રકારનો વિગતવાર ‘ઇન્ડિયા એમ્પ્લોયેબિલિટી રિપોર્ટ’ પ્રસ્તુત કર્યો છે. રિપોર્ટ ‘રિઇમેજિનિંગ એમ્પ્લોયેબિલિટી ફોર ધ 21સ્ટ-સેન્ચરી – 10 મિલિયન એપ્રેન્ટિસીસ ઇન 10 યર્સ’ ભારતમાં રોજગારદક્ષતાની સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં વિગતવાર જાણકારી આપે છે, શિક્ષણ અને કૌશલ્યમાં રહેલા ફરકનું અવલોકન રજૂ કરે છે તથા એના તાલીમાર્થીઓની સંખ્યા વધારવા ભારત માટે 12-મુદ્દાનો એજન્ડા રજૂ કરે છે.
આ રિપોર્ટમાં શરૂઆતમાં ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ અને જસ્ટજોબ્સ નેટવર્કનું વિશ્લેષણ ભાર મૂકે છે કે, ભારતીય યુવાનો શિક્ષણ દરમિયાન કામની દુનિયાનો ઉચિત પરિચય ધરાવતા નથી. તેમનું શિક્ષણ અને કૌશલ્યો ઉદ્યોગની જરૂરિયાત સાથે પર્યાપ્ત રીતે સુસંગત હોતા નથી. ઉપરાંત કામની દુનિયા બદલાઈ રહી હોવાથી વધુને વધુ કંપનીઓ અગાઉ કામનો થોડો અનુભવ ધરાવતા ઉમેદવારોની ભરતી કરવા આતુર છે.
આ સંદર્ભમાં એપ્રેન્ટિસશિપ્સ આ ફરક દૂર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, દેશની કુશળતાની શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન લાવે છે, યુવા પેઢીની રોજગારદક્ષતામાં વધારો કરે છે તથા ઉચિત તકો શોધવા ઉમેદવારોને અને કંપનીઓને એપ્રેન્ટિસ પૂરાં પાડવા સક્ષમ બનાવે છે.
સ્કિલ ડેવલપમેન્ટ જોબ માટે પહેલું પગથિયું
ગુણવત્તાયુક્ત તાલીમનો લાંબો સમય વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસ તરીકે અનુભવ મેળવવા માટે સમય આપે છે અને તે કૌશલ્યોને અનુરૂપ જોબ માર્કેટની જરૂરિયાતો માટે યોગ્ય હોઈ શકે છે તેમ ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ પ્રો.ડો. અવની ઉમટએ જણાવ્યું હતું.
ટીમલીઝ સર્વિસીસના સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી રિતુપર્ણા ચક્રવર્તીએ કહ્યું હતું કે, “ભારત સૌથી વધુ 371 મિલિયન યુવાનો ધરાવે છે, જેમાંથી 3.5 ટકા યુવાનો દર વર્ષે વર્કફોર્સમાં સામેલ થાય છે. વળી આપણે એવો દેશ છીએ, જ્યાં બેરોજગારી અને રોજગારીનો નીચો દર ચિંતાજનક બાબત છે. ભારતમાં વર્ષ 2009માં બેરોજગારીનો દર 2.3 ટકા હતો, જે વર્ષ 2018માં વધીને 5.8 ટકા થયો હતો અને યુવા બેરોજગારીનો દર 12.9 ટકા છે.
જોગાનુજોગે બેરોજગારોમાં 16 ટકા ગ્રેજ્યુએટ ડિગ્રીધારકો છે અને 14 ટકાથી વધારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિદ્યાર્થીઓ છે. આ તમામ બાબતો કામની દુનિયાની જરૂરિયાતો અને આપણા યુવાનોની જાણકારી વચ્ચે નોંધપાત્ર ફરક હોવાનો સંકેત આપે છે. મોટી સંખ્યામાં આપણા યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, તાલીમ અને રોજગારી પ્રદાન કરવી પ્રચંડ કામગીરી છે.
ઉપરાંત શિક્ષણના પરિણામો કરતાં પુરવઠાના મોરચે વધારે ધ્યાન કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા સાથે ઉમેદવારોનાં સામાજિક-આર્થિક પડકારો રોજગારીની સફરને વધારે પડકારજનક બનાવે છે. એપ્રેન્ટિસશિપ્સ એન્ટરપ્રાઇઝિંગ અને આશાસ્પદ સોલ્યુશન તરીકે વિકસી છે, જે ખરાં અર્થમાં ભારતમાં રોજગારદક્ષતા વધારે છે. જોકે આપણા દેશમાં ફક્ત 500,000 એપ્રેન્ટિસ સાથે આપણે ભાગ્યે જ ખરી સંભવિતતા ધરાવીએ છીએ.”
જસ્ટજોબ્સ નેટવર્કના પ્રેસિડન્ટ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી સબિના દીવાને ઉમેર્યું હતું કે, “ભારતમાં શિક્ષણ, તાલીમ અને રોજગારી વચ્ચેનો ફરક વધી રહ્યો છે. સરકારી યોજનાઓ અને સેવાભાવી, નફાકારક અને સરકારી સંસ્થાઓની જટિલ જાળ વચ્ચે ઔપચારિક તાલીમ 4 ટકાથી ઓછા સ્તરે છે. જોબ માર્કેટની માગ સાથે તાલીમ ધરાવતો પુરવઠો સુસંગત નથી.
આપણી વિશાળ અને વધતી યુવાન વસ્તીને તેમની કામગીરીની સંભવિતતા હાંસલ કરવા સારી રોજગારીઓની જરૂર છે, પણ વ્યવસાયોને બજારોની વધતી અને બદલાતી માગો પૂર્ણ કરવા સજ્જ વર્કફોર્સની જરૂર પણ છે. એપ્રેન્ટિસશિપ્સ આ ફરક દૂર કરવા મદદરૂપ થઈ શકે છે, જે યુવા પેઢી માટે શ્રેષ્ઠ પરિણામો લાવશે તેમજ કંપનીઓ ભરતી કરવાનો ખર્ચ ઘટાડીને, જરૂરિયાત આધારિત કુશળ લોકોની ભરતી કરીને અને વધુ ભરતી કરીને રોકાણ પર સારું વળતર પણ મેળવશે.”
રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે, યુવા બેરોજગાર અને ઓછી રોજગારીના સતત પડકારોનું સમાધાન કરવા એપ્રેન્ટિસની સંખ્યા વધારવાની તાતી જરૂર છે. 21મી સદીના યુગ પછી રોજગારદક્ષતાની પુનઃકલ્પના કરવા અને એપ્રેન્ટિસશિપ્સ વધારવા પાંચ ડિઝાઇન સિદ્ધાંતો પર આધારિત 12-મુદ્દાનો સુધારાલક્ષી એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે, જે આ માટે સક્ષમ બનાવશે – (1) આવકની સાથે શિક્ષણ, (2) કામ કરતાં શિક્ષણ, (3) ફ્લેક્સિબિલિટી સાથે શિક્ષણ, (4) મોડ્યુલારિટી સાથે શિક્ષણ અને (5) મૂલ્ય સાથે શિક્ષણ.
અત્યારે ભારત ફક્ત 500,000 એપ્રેન્ટિસ ધરાવે છે, જે દુનિયાભરના એપ્રિન્ટિસનો 0.11 ટકા હિસ્સો છે. આ સુધારાઓ સાથે આપણે એપ્રિન્ટિસશિપની સ્વીકાર્યતા વધારવાની સાથે યુરોપ, ચીન, જાપાનમાં જે થઈ રહ્યું છે એની નજીક પણ પહોંચીશું – દુનિયાના આ દેશો દાયકાથી વધારે સમયથી એપ્રેન્ટિસશિપમાં પથપ્રદર્શક છે.