
સુરતમાં પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને શહેરને ઈ-મોબિલિટીમાં દેશભરમાં અગ્રણી શહેર બનાવવા સુરત મહાનગરપાલિકાએ દેશની પ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’ તૈયાર કરી છે. આ પોલિસીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. સાથોસાથ સુરતના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા.૧૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂા.૨૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરીને મંત્રીએ સુરતવાસીઓને કુલ રૂા.૧૬૩ કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.
વિશેષત: સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં સ્થાન અપાવનાર સુરતના ૬૦૦૦ સમર્પિત સફાઈકર્મીઓને બિરદાવવા અને તેમના આર્થિક, સામાજિક કલ્યાણ માટે વેલ્ફેર ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઈનડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે આયોજિત સમારોહમાં સુરતને સ્વચ્છ બનાવવાની સિદ્ધિમાં મહત્વપૂર્ણ અંગ સમાન સ્વચ્છતાદૂતોને અભિનંદન પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે, સુરતને ‘ખૂબસુરત’ બનાવવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. સુરતને સ્વચ્છતા સહિત અનેક ક્ષેત્રોમાં છેલ્લા બે વર્ષમાં ૨૦ જેટલા એવોર્ડ મળ્યા છે. સુરત શહેર જનહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
‘ગ્રીન વ્હીકલ પોલિસી’ નિર્માણ કરનાર સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા બની છે એટલું જ નહીં, આવનારા ૫૦ વર્ષમાં થનાર વસ્તીવધારો, શહેરીકરણને ધ્યાને લઈ પાણી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાનું અત્યારથી જ ભવિષ્યલક્ષી આયોજન કર્યું છે એમ જણાવી મનપાના સત્તાધીશો, અધિકારીઓ અને સમગ્ર મનપા તંત્રને પાટીલે અભિનંદન આપ્યા હતા. આ વેળાએ પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે લાઈવ ઇન કોન્સર્ટ દ્વારા સુમધુર ગીતોથી સુરતવાસીઓને ડોલાવ્યા હતા.
સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫ શું છે?
ભારતમાં પહેલીવાર શહેર સ્તરે સુરત મહાનગરપાલિકાએ નવતર પોલિસી લાગુ કરી છે. જેનો ઉદ્દેશ શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવું, ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન, બાયો-ફ્યુઅલ અને ઇથેનોલ આધારિત વાહનોને પ્રોત્સાહન આપવું અને ગ્લોબલ વોર્મિંગ સામે પગલાં ભરવા માટે સ્વચ્છ ઊર્જા તરફ લોકોને દોરી જવાનો છે.
ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને રૂ. ૩ હજારથી રૂ.એક લાખ સુધીનો સીધો ફાયદો મળશે, વાહનના પ્રકાર અને કિંમત અનુસાર વાહન વેરામાં પાંચ વર્ષ માટે રાહત, પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ અને પાલિકા સંચાલિત પાર્કિંગમાં 10% જગ્યા ગ્રીન વાહનો માટે આરક્ષિત રહેશે. ઇ-ઓટો રિક્ષા માટે વિશેષ પ્રોત્સાહન અપાશે. ભવિષ્યમાં RTOમાં માત્ર ઇ-ઓટો રિક્ષાની નોંધણી કરવામાં આવશે, તેમજ હાઇડ્રોજન બસ દોડાવવાનું આયોજન છે,
આ પોલિસી હેઠળ શહેરમાં ૪૫૦ થી વધુ ચાર્જિંગ સ્ટેશન PPP મોડલ હેઠળ બનાવાશે ગ્રીન વ્હીકલ સેલની રચના થશે, જેમાં ટેકનિકલ અને ગવર્નિંગ કમિટીઓ હશે. ગ્રીન વ્હીકલ પોર્ટલ દ્વારા નાગરિકોને માહિતી મળશે. મ્યુનિસિપલ ફંડ, ગ્રીન બોન્ડ અને CSR દ્વારા નાણાંકીય સહાય મળશે.