સુરતઃ આગામી ૨૧મી જુન દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી ઉત્સાહભેર થાય તેવા આશયથી સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોગદિનની ઉજવણી કરવામાં આવશે.
૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જિલ્લા કલેકટરશ્રીએ યોગદિનની ઉજવણી શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. યોગદિનમાં મોટી સંખ્યામાં લોકોની સહભાગીતા વધે તે માટે આગોતરા પ્રચાર-પ્રસાર કરવા જે તે અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લાના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક, હેરીટેજ સ્થળોએ યોગ દિવસની ઉજવણી યાદગાર બની રહે તે પ્રકારનું આયોજન કરવાની હિમાયત કરી હતી. જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષા, પોલીસ હેડકવાર્ટર, સબ જેલકક્ષાએ યોગ દિવસનું સુચારૂ રૂપે આયોજન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, એન.જી.ઓ. અને લોકો સ્વૈચ્છિક રીતે યોગદિનની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાય તે માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં તા.૧૬ થી ૨૦ જૂન દરમિયાન શહેર-જિલ્લામાંના મુખ્ય સ્થળોએ યોગ શિબિરોનું આયોજન કરવા કલેકટરશ્રીએ સુચના આપી હતી.
આ બેઠકમાં દ.ગુ.વીજ કંપનીના મેનેજીગ ડીરેકટરશ્રી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામતલદારશ્રીઓ, ચીફ ઓફિસરો, યોગ બોર્ડના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.