સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણી સમિતિના અધ્યક્ષ આશીષ ગુજરાતી અખબારી યાદીમાં જણાવે છે કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૩–ર૪ માટેના ઉપ પ્રમુખ પદ માટે કુલ ૧૩ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.
જેમાં ડો. બંદના ભટ્ટાચાર્ય, ભદ્રેશ એફ. શાહ, ભાવેશ એમ. ટેલર, દીપકકુમાર આર. શેઠવાલા, સીએ હાર્દિક પી. શાહ, જનક આર. પચ્ચીગર, મનિષ આર. કાપડીયા, મિતિષ એસ. મોદી, મૃણાલ વી. શુકલ, નિખિલ કે. મદ્રાસી, નીતિનકુમાર ટી. ભરૂચા, પરેશ એમ. લાઠીયા અને વિજયકુમાર કે. મેવાવાલાનો સમાવેશ થાય છે.
દરમ્યાન તા. ર૧ એપ્રિલ ર૦ર૩ સુધીમાં ૧૩ પૈકી ૧ર ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી, આથી વિજયકુમાર કે. મેવાવાલાને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૩–ર૪ના ઉપ પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ ના પ્રમુખ તરીકે રમેશ એન. વઘાસિયા સામે કોઇ ઉમેદવારે દાવેદારી નહીં નોંધાવતા તેઓ બિનહરીફ ચૂંટાયા હતા, આથી ચૂંટણી સમિતિના અધ્યક્ષ આશીષ ગુજરાતીએ ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાની જાહેરાત કરી હતી. ચેમ્બરના ઓફિસ બેરર્સ તથા ચૂંટણી સમિતિના સભ્યો તેમજ અન્ય સભ્યોએ બિનહરીફ જાહેર થયેલા પ્રમુખ અને ઉપ પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.