નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલ ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એ.એમ. નાયક રૂરલ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ તથા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.
અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, દૂરંદેશી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને સ્કિલ કેપિટલ – કૌશલ્ય હબ બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. આ દિશામાં દક્ષિણ ગુજરાતના યુવાનોને આગળ વધારવામાં આ સંસ્થા નિર્ણાયક ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન આપણી યુવાશક્તિ આર્ટિફિશિય ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઈન, મશીન લર્નિંગ જેવી વૈશ્વિક ટેકનોલોજીમાં પાછળ ન રહી જાય તેની તકેદારી રાખી રહ્યા છે.
રાજ્યના યુવાનો રોજગાર વાંચ્છુ નહિ, પરંતુ રોજગાર દાતા તરીકે વિકાસ પામે તેવો ગુજરાત સરકારનો ધ્યેય છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, યુવા પેઢી ટેકનોલોજી અને અધ્યતન સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે ગુજરાતમાં સ્કીલ ડેવલેપમેન્ટ યુનિવર્સીટી કાર્યરત કરી છે. આ યુનિવર્સીટીમાં વોકેશનલ તાલી મ ઉપરાંત ડ્રોન, એ.આઇ. સહિત અધ્યતન ટેકનોલોજીના વિવિધ કોર્સનો સમાવેશ કરાયો છે.
એટલું જ નહિ, સરકારે ૫૫૮ જેટલી આઇ.ટી.આઇ.માં ૫૪ જેટલા નવા કોર્ષ શરૂ કરાવીને અનેક યુવાનોને કાર્યકુશળ બનાવ્યા છે. આવા વિવિધ કોર્સમાં તાલીમ મેળવીને રાજ્યના લાખો યુવાનોએ રોજગારી મેળવી છે.
મુખ્યમંત્રીએ વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરના તેના પ્રયાસોના ઉલ્લેખમાં કહ્યું કે, આ પ્રશિક્ષણ કેન્દ્રએ શાળા છોડી દેનારા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા છે. અનેક સમુદાયોના દિકરા-દિકરીઓના વિકાસમાં ભાગીદાર બનવા માટે સમગ્ર ઇન્સ્ટીટ્યુટને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન અને પદ્મવિભૂષણ એ.એમ.નાયકે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ગરીબોની સેવા કરી તેઓને વિકાસની ધારામાં લાવવું મારા દાદા અને પિતાનું સ્વપ્ન હતું. જેઓના સંસ્કારના કારણે આજે આ કાર્યોને હું આગળ વધાવી રહ્યો છું. આ ઇન્સ્ટિટ્યુટની સ્થાપનાથી વંચિત ગરીબોને રહેવાની વ્યવસ્થા સાથે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળે છે. અમારી તમામ ઇન્સ્ટિટ્યુટમાં ઉચ્ચ કોટિની સુવિધાઓ આપવામાં આવે છે. અમારી સાથે ૪૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે.
વધુમાં એ.એમ.નાયકે ભવિષ્યમાં પોતાના સેન્ટરમાં આયોજનમાં લેવામાં આવનાર નવા પ્રકલ્પો વિશે પણ મુખ્યમંત્રીશ્રી સહિત સર્વને અવગત કર્યા હતા. તેમણે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્ન પુરૂ કરવા ઇન્સ્ટ્રક્ટર, ટીચર, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા તમામ પાસાંઓ ઉચ્ચ ગુણવત્તાના હોવા જરૂરી છે એમ પણ જણાવ્યુ હતું.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે એ.એમ. નાયક રૂરલ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ તથા અનિલ નાયક ટેકનિકલ સેન્ટરની તકતી અનાવરણ કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનુભાવોએ ઇન્સ્ટિટ્યુટના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશો પાઠવ્યો હતો.
કાર્યક્રમમાં નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી રૂચા નાણાવટીએ સ્વાગત પ્રવચન તેમજ જિગ્નેશ નાયકે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધનંજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, આર.સી.પટેલ, નરેશભાઇ પટેલ, જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારીઓ, લાર્સન એન્ડ ટુબ્રોના ફાઉન્ડર ચેરમેન, નાયક ચેરિટેબલ ટ્રસ્ટ, નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટ્રીઓ/ વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર વિશે
ગુજરાતમાં અધવચ્ચેથી શાળા છોડનારા વિદ્યાર્થીઓ માટે સમર્પિત પ્રથમ ઉદ્યોગિક તાલીમ કેન્દ્ર તરીકે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. આ કેન્દ્રનો ઉદ્દેશ શાળા પૂર્ણ ન કરનારા યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ સુવિધા પૂરી પાડે છે. અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરએ 6,000થી વધુ શાળા છોડનારા વિદ્યાર્થીઓને તાલીમ આપીને તેમને વિવિધ ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે આવશ્યક કૌશલ્ય પૂરું પાડયું છે.
આ કેન્દ્ર એવા યુવાનો માટે આશાનું કિરણ બની રહ્યું છે. આ ટ્રેનિંગ સેન્ટરનો મુખ્ય ખાસિયત એ છે કે, થોડા જ મહિનાઓમાં આ યુવાનો કુશળ ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, ટેકનિકિયન, ઓફિસ સહાયક અને ટેઇલર બનીને પોતાના અને પોતાના પરિવારોની આર્થિક સ્થિતિમાં યોગદાન આપવા માટે તૈયાર થઇ જાય છે.
અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આપવામાં આવતી તાલીમ સંપૂર્ણપણે મફત છે. જેથી નબળી આર્થિક પરિસ્થિતિ વિદ્યાર્થીના શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં અવરોધ રૂપ ન બને. મફત કોર્સની સુવિધા સાથે આ સેન્ટર વિદ્યાર્થીઓ માટે વસવાટની સુવિધા પણ પૂરી પાડે છે અને મુસાફરીના ખર્ચને આવરી લેવા માટે ભથ્થાં પણ આપે છે.
આ સર્વસમાવેશક પ્રણાલી દ્વારા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર 78%થી વધુ પ્લેસમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવા શક્ય બન્યું છે. જે સીધા સમાજના વિકાસમાં યોગદાન આપે છે અને શાળા છોડનારા યુવાનોમાં બેરોજગારી ઘટાડે છે.
હાલની વાત કરીએ તો, સમયની સાથે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓની સંખ્યા 400 થી વધીને 1500 પ્રતિ વર્ષ થઈ ગઈ છે. જે કુશળ કામદારની વધતી માંગને અને શાળા છોડનારા વિદ્યાર્થીઓ પર સેન્ટરનો વિશિષ્ટ ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવા સ્થાપિત સેન્ટરમાં વિદ્યાર્થીઓ માટે બે વધુ વસવાટની સુવિધાઓ અને સ્ટાફ માટે નિર્ધારિત વસવાટની સુવિધાનો સમાવેશ થશે. જે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરને દર વર્ષે 3,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે સક્ષમ બનાવશે.