નિમિષાબેન પારેખનું આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત‘ભાવ- ધ એક્સપ્રેશન સમિટ-2024’માં પેનલિસ્ટ તરીકે સન્માન
નિમિષાબેન પારેખે ખ્યાતનામ ગુરુ શ્રી શ્રી રવિશંકર સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના આશીર્વચન લીધા
સુરતઃ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચરના નેજા હેઠળ ‘ભાવ- ધ એક્સપ્રેશન સમિટ-2024’નું બેંગ્લુરુ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 26-27-28, જાન્યુઆરીના રોજ યોજાયેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી 100થી વધુ વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમા આર્ટ ઓફ લીવિંગના લોકલ કો–ઓડિનેટર અને હેપ્પીનેસ કોર્સના ટીચર જલ્પા ઠક્કર દ્વારા આ કો–ઓડિનેશન કરાયું હતું. સુરતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહેંદી આર્ટિસ્ટ શ્રી નિમિષા પારેખને પણ આ કાર્યક્રમમાં પેનલિસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સૌ પ્રથમવાર આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં મહેંદી આર્ટને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું અને તેમાં સુરતના નિમિષાબેન પારેખને તેનું પ્રતિનિધિત્વ કરવાનું બહુમાન પ્રાપ્ત થયુ છે. કાર્યક્રમના મોર્ડરેટર અને જાણીતા કથ્થક આર્ટિસ્ટ શ્રી સુનીલભાઈ સુંકારાએ આ પ્રસંગે નિમિષાબેન પારેખનું બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમાં 800-1000 જેટલા લોકો હાજર હતા અને 15000 કરતા પણ વધુ લોકો આ કાર્યક્રમને લાઇવ નિહાળી રહ્યા હતા. જેમા નિમિષાબેનનું સન્માન કરવામાં આવ્યું અને તેમની સાથે મહેંદી આર્ટ, તેનું મહત્ત્વ અને તેમણે આ આર્ટમાં કરેલા ઇનોવેશનને લઇને વન-ટુ-વન ઇન્ટરેક્શન કરવામાં આવ્યું હતું.
નિમિષાબેન પારેખે આ ક્ષેત્રમાં આગળ વધવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ત્યારબાદ, તેમણે આ આર્ટમાં ભારતના કલ્ચર અને આર્ટને વણવાનું, તેને વાચા આપવાનું શરૂ કર્યું. તેમા અવનવા ઇનોવેશન્સ કર્યા. તેમણે શરૂઆત મહેંદીમાં વાર્લી આર્ટ સાથે કરી. વાર્લીને સૌપ્રથમવાર મહેંદીના ફોર્મમાં રજૂ કરવાનો શ્રેય પણ તેમને જ જાય છે. આ ઉપરાંત, તેમણે કેન્વાસ પર મહેંદી દ્વારા ડ્રોઇંગની એક નવી શરૂઆત કરી છે, જેની ખૂબ જ ચર્ચાઓ પણ થઈ છે અને લોકોએ તેને આવકારી પણ છે. એટલું જ નહીં, હાલમાં જ થયેલા અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે તેમણે અયોધ્યાની થીમ પર ઇનોવેટિવ મહેંદી કળાનું પ્રદર્શન કર્યું હતું.
મહેંદીના આ ક્ષેત્રમાં નિમિષાબેન પારેખના ઇનોવેશન, તેમની કળાને ધ્યાનમાં લઇને જ તેમને આ ખ્યાતનામ પ્રોગ્રામમાં પેનલિસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં અનેક લોકોને તેમણે આ ક્ષેત્રમાં આગળ વધી પોતાનું કરિયર બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડી છે.
આ પ્રસંગે નિમિષાબેન પારેખે ખ્યાતનામ ગુરુ શ્રી શ્રી રવિશંકર સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના આશીર્વચન લીધા હતા.