એજ્યુકેશન

ઓલપાડના અણીતા સ્થિત વિદ્યાદીપ જુનિયર કોલેજ ખાતે જિલ્લા કક્ષાના ‘ત્રિ-દિવસીય બાળવૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪’ને ખૂલ્લું મૂકતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

સુરત જિલ્લાની વિવિધ શાળાઓના ૪૧૦થી વધુ બાળકોએ ગણિત-વિજ્ઞાનની ૨૦૫ કૃતિઓ રજૂ કરી

સુરત: GCERT-ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરત, જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રા.શિક્ષણાધિકારીની કચેરી-સુરત, શાસનાધિકારીની કચેરી-સુરત તથા વિદ્યાદીપ જુનિયર કોલેજ-અણીતાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના ત્રિ-દિવસીય બાળવૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪ને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. ‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ની થીમ પર તા.૨૮ થી ૩૦ નવે. દરમિયાન આયોજિત આ પ્રદર્શનમાં સુરત જિલ્લાની વિવિધ શાળાઓના ૪૧૦થી વધુ બાળકો ભાગ લઈ રહ્યા છે.

આ પ્રસંગે મુકેશભાઈ પટેલે આજના ભૂલકાઓને કાલનું ઉજ્જવળ ભાવિ ગણાવી ભારતના મિસાઈલમેન ડો.અબ્દુલ કલામને યાદ કરતા કહ્યું હતું કે, વિજ્ઞાન પ્રદર્શન એ બાળકોમાં રહેલી સુષુપ્‍ત શક્તિઓ, કળા, પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્‍ઠ માધ્‍યમ છે, તેમજ માનવજીવનમાં આવતા પડકારો સામે વિજ્ઞાન મદદરૂપ થઈ શકે તે માટે દિશાનિર્દેશ કરે છે.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ વિકસે તથા બાળકોમાં સંશોધન વૃત્તિ જાગે, ગણિત પ્રત્યે રસ ઉત્પન્ન થાય એવા આશયથી શાળાઓમાં દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનો યોજવા રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ પ્રોત્સાહન આપે છે. વિજ્ઞાનનું શિક્ષણ શાળામાં જ મળે છે, અને વૈજ્ઞાનિકનો જન્મ પણ શાળામાં જ થાય છે. વિજ્ઞાન-ટેક્નોલોજી જીવનનો પાયો છે, અને સમાજની ઉન્નતિ વૈજ્ઞાનિક પ્રયોગો થકી સંભવ બને છે.

મંત્રીએ ગ્લોબલ વોર્મિંગની અસરને રોકવા પર્યાવરણની જાળવણી સહિત દરેક સેકટરમાં વેસ્ટ મેનેજમેન્ટનું સુચારૂ આયોજન કરવું પડશે એમ જણાવી ઉમેર્યું કે, ભવિષ્યમાં આપણે ગ્રીન હાઈડ્રોજ, ગ્રીન એનર્જી સાથે આગામી સમયમાં કાર્બન ઉત્સર્જનને નેટ-ઝીરો કરવાનું તેમજ રીન્યુએબલ એનર્જી અપનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, ત્રિ-દિવસીય વિજ્ઞાન પ્રદર્શનમાં ‘સસ્ટેનેબલ ફ્યુચર’ વિષય આધારિત ફૂડ હેલ્થ એન્ડ હાઈજીન, પરિવહન, સંચાર, પ્રાકૃતિક ખેતી, મેથેમેટિક મોડેલ એન્ડ કોમ્પ્યુટેશનલ થીંકીંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર ૨૦૫ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરાઈ હતી. વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મંત્રીએ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા અને આવનારા દિવસોમાં બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગવું યોગદાન આપી દેશના વિકાસમાં ભાગીદાર બને એવી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે જિ.પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, નગર પાલિકા શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, જિ.પ્રા. શિક્ષણાધિકારી જયેશ પટેલ, વિદ્યાદિપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ પટેલ, આચાર્ય સંજયભાઈ, VC વિપુલભાઈ, આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button