તા.૮મી મે: વિશ્વ થેલેસેમિયા દિવસ : ૮૦૦ થેલેસેમિયા પીડિતો માટે નવી સિવિલ સુરત બની જીવનની શ્વાસ
સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષમાં ૫૦થી વધુ થેલેસેમિયા દર્દીઓની સ્પ્લેનેક્ટોમી સર્જરી નિઃશુલ્ક કરાય

૮મી મેના રોજ ઉજવાતા “વિશ્વ થેલેસેમિયા દિવસ”ની ઉજવણી માત્ર તહેવાર નથી, પણ તે એક જાગૃતિ અભિયાન છે જે જીવન બચાવનારી માહિતી લોકો સુધી પહોંચાડે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ આજે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી સામે મજબૂત લડત આપી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ૮૦૦ થેલેસેમિયા દર્દીઓ નોંધાયેલા છે. જેમાથી દર મહિને સરેરાશ ૨૦૦ વધુ દર્દીઓ નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે આવે છે. દર્દીઓના જીવનમાં ગુણવત્તાવાળો ફેરફાર લાવવા માટે અહીં દરેક દર્દીને સમયસર રક્ત, લેબ ટેસ્ટ અને સર્જરીનું માર્ગદર્શન મળે છે.
નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. જિગીષા પોટોડીયાએ જણાવ્યુ કે, “હિમોગ્લોબિનના ચાર મુખ્ય ચેન – આલ્ફા, બીટા, ડેલ્ટા અને ગામા હોય છે. જો તેમાંની કોઈ એક ચેન અયોગ્ય રીતે કાર્ય કરે છે તો થેલેસેમિયા જેવી બીમારી ઉદભવે છે. ભારતમાં ખાસ કરીને બીટા થેલેસેમિયાનું પ્રમાણ વધુ છે. દરેકને પોતાની લગ્નકુંડળી તપાસાવતી વખતે થેલેસેમિયાની તપાસ પણ જરૂર કરાવવી જોઈએ જેથી આગળના પેઢી માટે આરોગ્યવંતું જીવન સુનિશ્ચિત થઈ શકે.”
ડો. પોટોડીયાએ ઉમેર્યું કે, “દર વર્ષે ૧૦ થી ૧૫ હજાર નવા થેલેસેમિયાગ્રસ્ત બાળકો ભારતમાં જન્મે છે. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આ બીમારીનું પ્રમાણ વધુ છે. થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવાનો આ દિવસ ખૂબ મહત્વનો છે. આ વર્ષે થેલેસેમિયા દિવસની થીમ છે: ‘ટુગેધર ફોર થેલેસેમિયા – યુનાઈટ કોમ્યુનિટી, પાયોરોટાઈઝ પેશન્ટ’.” જેનો મતલબ થાય છે કે, ચાલો થેલેસેમિયા માટે દરેક સમુદાયના લોકોને ભેગા કરી જાગૃત કરીએ અને દર્દીની સુખાકારીને પ્રાધાન્ય આપીએ
નવી સિવિલ હોસ્પિટલના બાળવિભાગના સહ પ્રાધ્યાપિકા ડો.કિર્તી મહેતાએ માહિતી આપી કે, “અત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં કુલ ૮૦૦ થી વધુ થેલેસેમિયા પીડિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમાં ૨૨૯ જેટલા બાળકોને નિયમિત રીતે બ્લડ ટ્રાન્સફ્યુઝન, દવાઓ અને જરૂરી ચકાસણીઓ કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ૫૦ થેલેસેમિયા પીડીત દર્દીની સ્પ્લેનેક્ટોમી સર્જરી પણ નિશુલ્ક કરવામાં આવી છે.”
સિવિલની નિશુલ્ક સારવારથી મોટો સહારો મળ્યો: દિવ્યાંશની માતા સિંઘુ પુષ્પા કુસવાલ
યુપીના વતની અને હાલ પલસાણા તાલુકાના ગંગાધરા ગામમાં વસવાટ કરતા દીકરા દિવ્યાંશ સાથે સારવાર માટે આવેલા સિંઘુ પુષ્પા કુસવાલે કહ્યું કે, “દર ૨૦ દિવસે અમારા દીકરાને સારવાર માટે લઈ આવીએ છીએ. નવી સિવિલમાં દર્દી માટે નિશુલ્ક બ્લડ, દવા અને તમામ ચકાસણીઓ ઉપલબ્ધ છે. અહીંની સેવા અને ડોક્ટરોના સાથથી અમારું ભાર ઓછું થયું છે.”
સત્ય એ છે કે, થેલેસેમિયા માત્ર દર્દીની નહીં પણ સમગ્ર કુટુંબની યાતના છે. આવા સમયમાં નવી સિવિલ હોસ્પિટલ સુરત આશાની કિરણ સમાન સાબિત થાય છે. ડોક્ટરોની સેવા, સરકારે આપેલી નિશુલ્ક સારવાર અને સંવેદનશીલ અભિગમ થકી થેલેસેમિયાથી પીડીત દર્દીઓને નવું જીવન મળ્યું છે
થેલેસેમિયા શું છે?
થેલેસેમિયા એક અનુક્રમણિક રક્તરોગ છે જેમાં શરીર પૂરતી માત્રામાં હેમોગ્લોબિન (લોહીનું લાલ પિગ્મેન્ટ) બનાવી શકતું નથી. પરિણામે દર્દીને વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. જો બંને પિતૃ પક્ષમાંથી “થેલેસેમિયા જીન” મળે તો બાળક “થેલેસેમિયા મેજર” સાથે જન્મે છે, જે ગંભીર સ્થિતિ છે.