સુરતમાં કચ્છી ખારેક મહોત્સવ– ર૦ર૪નો શુભારંભ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી તથા પ્રાક્રિત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ– કચ્છના માધ્યમથી અને સુરત બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ શુક્રવાર, તા. ર૮ જૂન, ર૦ર૪ના રોજથી સુરત શહેરમાં નાનપુરા સ્થિત સ્નેહ મિલન ગાર્ડનની સામે આવેલા મહેતા પાર્કમાં એક મહિના સુધી કુદરતી મીઠાશ ધરાવતી કચ્છી ખારેક મહોત્સવ– ર૦ર૪નો શુભારંભ થયો છે. આ મહોત્સવ આગામી તા. ર૮ જુલાઇ, ર૦ર૪ સુધી ચાલુ રહેશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય શ્રી કે.બી. પિપલીયા, રોટરી કલબ ઓફ સુરતના પ્રમુખ રોટેરિયન શ્રી સંદિપ નાણાવટી અને ફિનલેન્ડની ટેમ્પેરી યુનિવર્સિટીના પ્રોફેસર ડો. મારયાના યાઓહોલાની હાજરીમાં આ મહોત્સવની શરૂઆત થઇ હતી.
વરસાદી સીઝનની શરૂઆત થતાની સાથે જ સુરતમાં વિવિધ પ્રકારની ખારેકો મળવાની શરૂઆત થઇ ગઇ છે. ખારેકોની ગુણવત્તા વિશે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા રહેતા હોય છે ત્યારે કચ્છી ખારેક મહોત્સવ– ર૦ર૪માં આરોગ્યપ્રદ ખારેકોનું વેચાણ શરૂ થયું છે. આ મહોત્સવમાં કચ્છી ખારેકની વિવિધ જાતોનું ખેડૂતો સ્વયં વેચાણ કરશે. કચ્છની વિવિધ જાતોની ખારેકો થોડા થોડા દિવસોએ બદલાતી રહેશે. પ્રથમ દિવસે ૧૦ ખેડૂતોએ બનાવેલી વિવિધ જાતોની ખારેકોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમ જેમ જે તે ખેડૂતોનો સ્ટોક પૂર્ણ થતો જશે તેમ તેમ નવા ખેડૂતો પોતાની નવી જાતોની ખારેકોની પ્રસ્તુતિ કરશે.
કચ્છી ખારેક એક એવું સુપર ફ્રુટ છે, જે પાચન તંત્રમાં સુધારો કરે છે અને આંતરડાની તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી છે. ખારેકથી હાડકા અને સાંધાની મજબૂતી વધે છે. ગર્ભવતિ તથા સ્તનપાન કરાવતી માતાઓ માટે આ ખારેક આશીર્વાદરૂપ છે અને એનાથી બાળકોનો માનસિક વિકાસ પણ થાય છે. કચ્છી ખારેકથી કેન્સર સામે રક્ષણ મળે છે, એન્ટી મ્યુટેજેનિક પ્રોપર્ટીના કારણે શરીરમાં શ્વેત કણની અનિયમિતતા કન્ટ્રોલ થાય છે અને કેન્સરની બિમારીથી બચાય છે.
આ ઉપરાંત કચ્છી ખારેકમાં રહેલ રસની તાસીર ઠંડી હોવાથી તે ગેસ અને એસીડિટીને લગતી તકલીફો દૂર કરે છે અને ચયાપચયની પ્રક્રિયાને નિયમિત કરે છે. કચ્છી ખારેકમાં ઇમ્યુન સ્ટીમ્યુનિટી પૂરતા પ્રમાણમાં હોવાથી તે શરીરને મજબૂત બનાવે છે તેમજ રોગ પ્રતિકારક શકિત પ્રદાન કરી બેકટીરિયલ અને વાયરલ ચેપથી થતા રોગો સામે રક્ષણ આપે છે. કચ્છી ખારેક શરીરને અંદરથી મજબૂત કરે છે. કચ્છી ખારેકમાં ખનિજો અને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે, આથી એ સ્ફૂર્તિવર્ધક, સ્વાદિષ્ટ અને સુંદર ટેબલ ફ્રુટ છે.