અદાણી જૂથમાં રાકાણકારોનો વિશ્વાસ વધ્યો, પાર્ટનર્સે મન મૂકીને રોકાણ કર્યું!
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ₹. 19,000 કરોડથી વધુનું રોકાણ
અદાણી ગ્રૂપ પર રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તાજેતરમાં GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેનું રોકાણ નોંધપાત્ર રીતે વધાર્યું છે. પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઝ અને GQG પાર્ટનર્સે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન સામૂહિક રીતે ₹. 19,000 કરોડથી વધુનું રોકાણ કર્યું હતુ. શેરબજારની સતત ઉથલપાથલ વચ્ચે મન મૂકીને કરાયેલુ આ રોકાણ અદાણી સમૂહની ભાવિ વૃદ્ધિમાં મજબૂત વિશ્વાસ દર્શાવે છે.
રાજીવ જૈનના નેતૃત્વ હેઠળની GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં હિસ્સો વધાર્યો છે. અદાણીની ચાર કંપનીઓમાં તેમણે આશરે ₹. 6,625 કરોડનું મહત્વપૂર્ણ રોકાણ કર્યું છે. જ્યારે અદાણી જૂથના પ્રમોટર્સે ₹. 12,780 કરોડનો સ્ટેક વધાર્યો છે. અદાણી ગ્રીન એનર્જીમાં પ્રમોટર્સે તેમનો હિસ્સો 3.42 ટકા જેટલો વધાર્યો હતો, જે આશરે ₹. 10,310 કરોડના રોકાણ બરાબર છે.
અદાણી પાવરમાં પ્રમોટર હોલ્ડિંગમાં પણ ₹.5,703 કરોડના રોકાણ સાથે 2.25 ટકાનો વધારો થયો છે. વધારાના રોકાણોમાં અદાણી એનર્જી સોલ્યુશન્સમાં ₹. 427 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ₹. 626 કરોડનો સમાવેશ થાય છે. બજારમાં પડકારો હોવા છતાં પાર્ટનર્સ અને ગ્રૂપના પ્રમોટર્સ દ્વારા આ વ્યૂહાત્મક રોકાણો અદાણી ગ્રૂપની વૃદ્ધિની પ્રબળ સંભાવનાઓ દર્શાવે છે.
GQG પાર્ટનર્સે કંપનીએ અદાણી ગ્રીન એનર્જીમાં ₹. 3,390 કરોડનું રોકાણ કર્યું હતું, અને તેનો હિસ્સો 4.16% થી વધારીને 5.28% કર્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સમાં ₹. 1,784 કરોડના રોકાણ સાથે GQGનો હિસ્સો 3.4% થી વધીને 4.7% થયો છે. તેણે અંબુજા સિમેન્ટમાં પણ ₹. 1,077 કરોડનું રોકાણ કર્યું હતું, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં પણ તેના સ્ટેક હોલ્ડિંગમાં વધારો કર્યો હતો.
નોંધનીય છે કે, સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે નવ જુદી જુદી સ્કીમ દ્વારા 6.66 મિલિયન શેર્સ માટે સબસ્ક્રાઇબ કર્યા છે. ક્વોન્ટ સ્મોલ કેપ ફંડે સૌથી વધુ સંખ્યામાં (2.47 મિલિયન) શેર્સ માટે સબ્સ્ક્રાઇબ કર્યું, જ્યારે ક્વોન્ટ ક્વોન્ટામેન્ટલ ફંડ અને ક્વોન્ટ મોમેન્ટમ ફંડે 168,804 શેર્સ માટે સબ્સ્ક્રાઇબ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ફોર્બ્સ ઈન્ડિયાના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં સૌથી વધુ ડોલર ગેઈનર તરીકે ઉભરી આવ્યા હતા. અદાણી પરિવારની કુલ સંપત્તિ વધીને 116 અબજ ડોલર થઈ ગઈ હતી. ગૌતમ અદાણી અને તેમના ભાઈ વિનોદ અદાણી $48 બિલિયનની સંપત્તિના વધારા સાથે ફોર્બ્સ ઈન્ડિયાની યાદીમાં બીજા સ્થાને પહોંચ્યા છે.