સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૩ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ– ર૦ર૩’વિષય ઉપર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત ટેક્ષ કન્સલ્ટન્ટ મુકેશ પટેલે દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ૧લી ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા અંદાજપત્રનું વિશ્લેષણ કર્યું હતું.
મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારતના અમૃત કાળનું અંદાજપત્ર વ્યકિતગત કરદાતાઓ માટે અનેરું પંચામૃત લઇને આવ્યું છે. નાણાં મંત્રીએ અંદાજપત્રમાં કરદાતાઓને સૌથી મોટા પ્રમાણમાં આવકવેરાની રાહત આપી છે. નાણાં મંત્રીએ અંદાજપત્રમાં રૂપિયા ૧પ.પ૦ લાખના વાર્ષિક પગારદાર કરતાદાઓને રૂપિયા પ૦ હજારની રાહત આપી છે. જેથી હવે આ કરદાતાઓને વાર્ષિક રૂપિયા ૧પ લાખની આવક ઉપર રૂપિયા ૧.૯પ લાખની જગ્યાએ રૂપિયા ૧.પ૬ લાખ ટેક્ષ પેટે ભરવાના રહેશે. અંદાજપત્ર મુજબ આ કરદાતાઓના રૂપિયા ૩૯ હજાર બચે છે. આવી રીતે તેમણે કરદાતાને ર૦ ટકાની રાહત આપી છે. અત્યાર સુધીના અંદાજપત્રોમાં ર૦ ટકા સુધીની કરદાતાને રાહત મળી હોય તેવો કોઇ દાખલો નથી.
સિનિયર સિટીઝનોને પણ સુરક્ષિણ રોકાણ અને તેના થકી સારું વ્યાજ મળતું રહે તેવી જોગવાઇ અંદાજપત્રમાં કરાઇ છે. સિનિયર સિટીઝન સેવીંગ સ્કીમને રૂપિયા ૧પ લાખથી વધારીને રૂપિયા ૩૦ લાખ કરી છે. આવી રીતે સિનિયર સિટીઝન દંપતિ કુલ રૂપિયા ૬૦ લાખ સુધીની સેવીંગ સુરક્ષિત મુકી શકે છે. આ ઉપરાંત મહિલાઓ તથા દિકરીઓ માટે રૂપિયા ર લાખ ૭.પ ટકાના વ્યાજદર સાથે સેવીંગમાં મુકી શકે છે. ફિઝીકલ ગોલ્ડને ઇલેકટ્રોનિક ગોલ્ડમાં કન્વર્ટ કરવાની સારી જોગવાઇ અંદાજપત્રમાં કરવામાં આવી છે.
અંદાજપત્રમાં કરાયેલી જોગવાઇ મુજબ રૂપિયા ૭ લાખ સુધીની આવક પર ઇન્કમ ટેક્ષ ભરવાની જરૂર નથી, પરંતુ ૭ લાખની ઉપર આવક ધરાવનારા કરદાતાઓને પછી સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્ષ ભરવાનો રહેશે. રૂપિયા ૭ લાખની ઉપર રૂપિયા ૩ થી ૬ લાખ સુધીની આવક પર કરદાતાને પ ટકા, રૂપિયા ૬ થી ૯ લાખ સુધીની આવક પર ૧૦ ટકા, રૂપિયા ૯ લાખથી ૧ર લાખ સુધીની આવક ઉપર ૧પ ટકા, રૂપિયા ૧ર થી ૧પ લાખ સુધીની આવક ઉપર ર૦ ટકા અને રૂપિયા ૧પ લાખથી વધુની આવક ઉપર ૩૦ ટકા ઇન્કમ ટેક્ષ લાગશે.
એમએસએમઇ સપ્લાયર્સને પેમેન્ટ આપ્યા બાદ જ સંબંધિતોને રકમના ખર્ચ તરીકે ઇન્કમ ટેક્ષમાં બાદ મળશે. આ જોગવાઇને કારણે એમએસએમઇ ઉદ્યોગકારોને સમયસર પેમેન્ટ મેળવવામાં સરળતા થઇ રહેશે. કેન્દ્રિય નાણાં મંત્રીએ રૂપિયા ૧૦ લાખ કરોડ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે અને રેલ્વે માટે રૂપિયા ર લાખ ૪૦ હજાર કરોડ ફાળવ્યાં છે, જેનો સીધો લાભ અર્થતંત્રના વિકાસ માટે થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં હાલ રૂપિયા ૭ કરોડ ઇન્કમ ટેક્ષ ભરાય છે. રૂપિયા ૧૦ લાખથી વધારે આવક બતાવનારા કરદાતાઓની સંખ્યા કુલ ૮૦ લાખ પણ થતી નથી. ભારતની ૧૩૧ કરોડની વસતિમાં કરોડપતિઓની સંખ્યા ૧ લાખ ૩૧ હજાર છે. તેમણે ઓલ્ડ રેજિમ, એકઝીસ્ટીંગ ન્યુ રેજિમ અને પ્રપોઝડ ન્યુ રેજિમ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી ભાવેશ ટેલર, ગૃપ ચેરમેન સીએ અનુજ જરીવાલા તથા ચેમ્બરની ઇન્કમ ટેક્ષ કમિટીના કો–ચેરમેનો અનિલ શાહ અને ધર્મેશ તમાકુવાલા સેશનમાં હાજર રહયાં હતાં. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ સીએ રૂપીન પચ્ચીગરે વકતા મુકેશ પટેલનો પરિચય આપ્યો હતો. ચેમ્બરની ઇન્કમ ટેક્ષ કમિટીના ચેરમેન સીએ પ્રગ્નેશ જગાશેઠે સેશનનું સમગ્ર સંચાલન કર્યું હતું.
ચેમ્બરની ઇન્કમ ટેક્ષ કમિટીના કો–ચેરમેનો અનિલ શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને એડવોકેટ દીપેશ શાકવાલાએ સવાલ – જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. સેશનમાં નિષ્ણાંત ટેક્ષ કન્સલ્ટન્ટ મુકેશ પટેલે ઉદ્યોગકારો, વેપારીઓ અને પ્રોફેશનલ્સને મૂંઝવતા વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.
ચેમ્બરની ઇન્કમ ટેક્ષ કમિટીએ ઉપરોકત સેશનના આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તદુપરાંત આ સેશનના આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સને ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેક્ષ બાર એસોસીએશન, ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્ષ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસીએશન– સુરત, સોસાયટી ફોર ટેક્ષ એનાલિસિસ એન્ડ રિસર્ચ અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.