સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૩૦ જૂન, ર૦ર૩ ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે SGCCI વિદ્યાદીપ સ્કીલ એકવીઝીશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના નેશનલ હેડ (સ્ટેટ એન્ગેજમેન્ટ) મયંક ભટનાગર ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, એક સર્વે મુજબ ગુજરાતમાં વર્ષ ર૦રર સુધીમાં સેમી સ્કીલ્ડમાં ૬,પ૧,૩૬પ કર્મચારી અને મીની સ્કીલ્ડમાં ૪,પ૭, ૧૭૪ કર્મચારીઓ મળી કુલ ૧૦,૬૭,૦૦૦ કર્મચારીઓની વિવિધ ક્ષેત્રે જરૂરિયાત છે. જેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ ૧,૯પ,૦૦૦ અને ત્યારબાદ સુરતમાં ૧,૮૮,૦૦૦ કર્મચારીઓની જરૂરિયાત છે.
ઇન્ડસ્ટ્રીને કયા પ્રકારના શિક્ષણની જરૂરિયાત છે તેને સમજવાનો ચેમ્બરે પ્રયત્ન કર્યો અને વિદ્યાદીપ સ્કીલ એકવીઝીશન સેન્ટર સાથે સંલગ્ન થયા છે. ઉદ્યોગો માટે સ્કીલ્ડ કર્મચારીઓની જરૂરિયાત છે, જેને પૂર્ણ કરવા માટે SGCCI વિદ્યાદીપ સ્કીલ એકવીઝીશન સેન્ટર શરૂ કરવામાં આવી રહયું છે. અહીં વિદ્યાર્થીઓને ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષના ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે જુદા–જુદા સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અહીંથી ઓન સ્પોર્ટ ઇન્ડસ્ટ્રીમાં રિકુ્રટમેન્ટ મળશે.
મયંક ભટનાગરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ દેશના જુદા–જુદા રાજ્યોમાં જઇને સ્કીલીંગ એનાલિસિસ કરે છે અને કૌશલ્ય વિકાસની જરૂરિયાતો સમજે છે, પરંતુ ગુજરાતમાં જે યુનિકનેસ અને કલ્ચર જોવા મળે છે એ આખા દેશમાં બીજે કશે જ જોવા મળતા નથી. સુરતમાં જુદા–જુદા સ્કીલની જરૂરિયાત દેખાઇ આવે છે અને એના માટે સેન્ટર બનાવવાની જરૂરિયાત લાગે છે. જો કે, આ દિશામાં SGCCI વિદ્યાદીપ સ્કીલ એકવીઝીશન સેન્ટર કૌશલ્ય વિકાસમાં ખૂબ જ મહત્વનું પ્રદાન કરશે.
ચેમ્બર ઓફ કોમર્સના ચુંટાયેલા પ્રમુખ રમેશ વઘાસિયાએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચુંટાયેલા ઉપ પ્રમુખ વિજય મેવાવાલા અને માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા તથા વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ જયંતિ પટેલ અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમના ગુજરાતના હેડ રાકેશ કુમાર સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. માનદ્ મંત્રી ભાવેશ ટેલરે સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું. ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વિદ્યાદીપ યુનિવર્સિટીના કે.ડી. પંચાલે આ સેન્ટર વિષે માહિતી આપી હતી.