સુરત
ભુતકાળમાં કચરાના ઢગલાંનું સ્થાન પાણીની પરબે લીધું
સ્વચ્છ સુરત, સુંદર સુરતની પરિકલ્પનાને કાઝીના મેદાનના યુવાનોએ ચરિતાર્થ કરી બતાવ્યું
સુરતની ખુબસૂરતીને ચાર ચાંદ લગાડવા માટે નાગરિકોએ પણ પ્રજાધર્મ નિભાવવો જોઈએ. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કાઝીના મેદાનના રહીશોએ પુરી પાડી છે. વર્ષોથી જ્યાં કચરાપેટીનું સ્પોટ બન્યું હતું તે સ્થળે પાણીના પરબ બનાવીને લોકોની તૃષા સંતોષવાનું કામ કર્યું છે જેને તમામ રહીશોએ ઉમળકાભેર આવકાર્યું છે.
સ્વચ્છતા એ અડધું ઈમાન છે પરંતુ સૌથી વધુ ગંદકી મુસ્લિમ વિસ્તારોમાં જ જોવા મળે છે. હઝરત ખ્વાજા દાના સાહેબ રોડ પર આવેલી ઉર્દુ-મરાઠી નગર પ્રાથમિક શાળાની બહાર મેઈન રોડને લોકોએ કચરા પેટી બનાવી દીધી હતી. કન્ટેઈનર મુક્ત સુરત થયા બાદ પણ આ સ્પોટને કચરા પેટી તરીકે ઉપયોગ કરતાં રહીશો તેમજ બહારના ગંદકીકર્તાઓએ સ્થાનિક લોકોનું જીવન દુષ્કર કરી નાંખ્યું હતું. આવી સ્થિતિમાં કાઝીના મેદાનના સક્રીય યુવાઓ પૈકી સૈયદ ઈમરાન બુખારી, અયાઝ મુન્શી, ફારૂક ચાહવાલા, મુસદ્દીક કાનુન્ગો, આરીફભાઈ, સૈયદ હુસૈન, મોહસીન ખાન તેમજ સલમાન ઉર્ફે જબાએ બીડું ઉપાડ્યું હતું અને કચરાપેટીના સ્થાને પાણીની પરબનું નિર્માણ કરીને સ્વચ્છ સુરત માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે.
મુસ્લિમોની બહુમતી ધરાવતા વિસ્તારનો કોઈએક ખુણે કચરાપેટીનું સ્પોટ બનેલું હોવાથી મુસ્લિમ વિસ્તારોમાં બરકત ઉઠી ગઈ છે તેમ કેટલાંક આલિમોનું માનવું છે પરંતુ મુસ્લિમોને સુધારવા નેક્સ્ટ ટુ ઈમપોસિબલ હોવાથી વહીવટીતંત્ર પણ તોબા પોકારી ચુક્યું છે.
આવા સંજોગોમાં કાઝીનાં મેદાનના યુવકોની મહેનત રંગ લાવી છે. ગઈકાલે આ પરબનું ભાજપના કોર્પોરેટર બ્રિજેશ ઉનડકટે લોકાર્પણ કર્યું હતું અને આ પ્રસંગે તેમણે મોહલ્લાના યુવાનોની ભરપૂર પ્રશંસા કરી હતી તેમજ દરેક વિસ્તારના યુવાઓને આગળ આવવા અપીલ પણ કરી હતી. આ પ્રસંગે સુરતના સિનિયર જર્નાલિસ્ટ ફયસલભાઈ બકીલીએ કાર્યક્રમનું હોસ્ટિંગ સભાળ્યું હતું.
ઉલ્લેખનીય છેકે એક સમયે આ રોડ ગંદકીને કારણે બદનામ હતું હવે લોકોની તૃષા સંતાડવાનું સ્પોટ બની ગયું હોવાથી હઝરત ખ્વાજા દાના સાહેબની દરગાહે માથું ટેકવવા આવતા અકીદતમંદો પણ દિલથી દુવા કરી રહ્યાં છે અને યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.