સુરત

સુરત સહિત સમગ્ર ભારતને ચાઇનાનો વિકલ્પ બનવા વિશાળ તક. ટેકનીકલ ટેક્ષ્ટાઇલ, એમએમએફ ટેક્ષ્ટાઇલ અને વોટરજેટ ટેક્ષ્ટાઇલ જ આગળનું ભવિષ્ય : આશિષ ગુજરાતી

ડેનિમ ઇન્ડસ્ટ્રીમાં એરજેટ લૂમ્સ થકી હાઇએસ્ટ પ્રોડકશન લઇ શકાય છે. એક લૂમ્સ ઉપર દરરોજ ૭૦૦ થી ૮૦૦ મીટર પ્રોડકશન લઇ શકાય છે : જી.એસ. કુલકર્ણી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા ‘ટેક્ષ્ટાઇલ વીક’ના ભાગરૂપે બુધવાર, તા. ર૭ એપ્રિલ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘શટલલેસ લૂમ્સમાંથી બનતા નવા ફેબ્રિકસ’ વિષય ઉપર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ ‘વોટરજેટ વિવિંગ’ વિશે સંબોધન કર્યું હતું. અલ્ટ્રા ડેનિમના જીએમ જી. એસ. કુલકર્ણીએ ‘ડેનિમ અને એરજેટ વિવિંગ’ વિશે માહિતી આપી હતી. જ્યારે પિનાકોલના એ.એસ.એમ. કિશોર કુકડીયાએ ‘રેપિયર વિવિંગ’ વિશે ઉદ્યોગકારોને વિસ્તૃત જાણકારી આપી હતી.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સિન્થેટીક ટેક્ષ્ટાઇલ સુરતની સ્ટ્રેન્થ છે. સુરતમાં દરરોજ ઓછામાં ઓછી દસ હજાર નવી ડિઝાઇનો બને છે. નેચરલ યાર્ન વોટરજેટ લૂમ્સ પર ચાલતા નથી. જ્યારે પોલિએસ્ટર, નાયલોન, પોલિએસ્ટર સ્પન અને પોલિએસ્ટર સ્ટેપલ યાર્ન વોટરજેટ લૂમ્સ પર ચાલે છે. સુરતમાં હાલ ૬૦ હજાર જેટલા વોટરજેટ લૂમ્સ છે અને આગામી પાંચ વર્ષમાં વધુ ૧.ર૦ લાખ વોટરજેટ લૂમ્સ આવશે. આથી વોટરજેટ લૂમ્સની સંખ્યા ૧.૮૦ લાખ સુધી પહોંચી જશે. જ્યારે ચાઇનામાં હાલ ૮ લાખ વોટરજેટ લૂમ્સ ચાલી રહયા છે.

સુરતમાં વોટરજેટ લૂમ્સ ઉપર વેસ્ટર્ન લેડીઝ ગારમેન્ટ ફેબ્રિકસ બને છે. જ્યારે આ લૂમ્સ ઉપર બનેલા ફેબ્રિકમાંથી બેડશીટ, શાવરકર્ટન, પડદા, પીલો કવર્સ, હોસ્પિટલ કર્ટન, અમ્બ્રેલા અને રેઇનકોટ વિગેરે દેશ તથા વિદેશોમાં વેચાઇ રહયા છે. વોટરજેટ લૂમ્સ માટે ૮૦ ટકા પાણી રિસાયકલ કરી શકાય છે. ટેકનીકલ ટેક્ષ્ટાઇલ, એમએમએફ ટેક્ષ્ટાઇલ અને વોટરજેટ ટેક્ષ્ટાઇલ જ આગળનું ભવિષ્ય છે. સમગ્ર વિશ્વ હવે ચાઇનાનો વિકલ્પ શોધી રહયું છે ત્યારે સુરત સહિત સમગ્ર ભારત માટે ગ્લોબલી માર્કેટને કેપ્ચર કરવા માટે વિશાળ તક ઉભી થઇ છે.

અલ્ટ્રા ડેનિમના જીએમ જી. એસ. કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ડેનીમના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં અમદાવાદ અને સુરત અનુક્રમે પહેલા અને બીજા ક્રમાંકે છે. ડેનીમ કપડું ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પોપ્યુલર છે. પહેલા યુરોપિયન દેશોમાં તેનું વધારે ઉત્પાદન થતું હતું પણ હવે ભારત, બાંગ્લાદેશ અને ચાઇના ડેનીમનું હબ બની ગયા છે. અલ્ટ્રા ડેનિમ કંપની પણ ૬૦ થી ૬પ ટકા ડેનીમનું એકસપોર્ટ કરે છે. ડેનીમ ઇન્ડસ્ટ્રી કોટન બેઇઝ હોય છે. પરંતુ નોર્મલ પોલિએસ્ટર, ફિલામેન્ટ, લાયકરા વેસ્ટમાં ચાલે છે.

ડેનિમ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ એરજેટ લૂમ્સ ચાલે છે. એરજેટ લૂમ્સ થકી હાઇએસ્ટ પ્રોડકશન લઇ શકાય છે. એક લૂમ્સ ઉપર દરરોજ ૭૦૦ થી ૮૦૦ મીટર પ્રોડકશન લઇ શકાય છે. ઓછી વીજળીની વપરાય છે અને અવાજ પણ ઓછો આવે છે. કારીગરોની જરૂરિયાત પણ ઓછી પડે છે. એક કારીગર સરળતાથી આઠ મશીન ઓપરેટ કરી શકે છે. મિકેનિકલ બ્રેકડાઉન ઓછો આવે છે અને વધારે વર્કીંગ એફિશીયન્સીની સાથે સકસેસ રેશિયો ૯પ ટકા આવે છે. તેમણે શેડીંગ મિકેનિઝમ, વેફટ ઇન્સર્શન મિકેનિઝમ અને એર નોઝલ્સ વિશે ઉદ્યોગકારોને વિસ્તૃત સમજણ આપી હતી.

કિશોર કુકડીયાએ રેપિયર અને એરજેટ લૂમ્સમાં ડેવલપ થયેલી નવી ટેકનોલોજી વિશે ઉદ્યોગકારોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૭પ૦ આરપીએમવાળી રેપિયર મશીન એપેરલ્સથી લઇને ટેકનીકલ ટેક્ષ્ટાઇલ માટેનું સોલ્યુશન આપે છે. આ મશીનમાં જુદા–જુદા ફિચર્સ ડેવલપ કરવામાં આવ્યા છે. લોઅર પ્રેશર પર ચાલતી હોવાથી યાર્ન વ્યવસ્થિત પાસ થાય છે. નવા ઇનોવેશન તરીકે આ મશીનમાં સ્લે સ્ટ્રોક વધાર્યો છે. આથી લોડ બેકસાઇડ ઉપર વધારે જતો હોવાથી પ્રેકટીકલી સ્પીડ વધારે લઇ શકાય છે. પ્રીવેન્ડરમાં નવું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. સાથે જ સેટીંગથી વેસ્ટેજને મિનીમાઇઝ કરી શકાય છે. આ મશીન સેન્સર બેઇઝ છે અને કલાયમેટ મોનિટર કરી શકાય છે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ્લ શાહે સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું અને અંતે ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button