‘SITME– સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો– ર૦ર૪’નો ભવ્ય પ્રારંભ
આખા વિશ્વમાં તૈયાર કાપડ ઉપર વેલ્યુ એડિશનની પ્રવૃત્તિ માત્ર સુરતમાં થાય છે
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ર૦, ર૧ અને રર એપ્રિલ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે. આ એકઝીબીશન ત્રણ દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.
શનિવાર, તા. ર૦ એપ્રિલના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે સીટમે એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે ભારતના અધિક ટેક્ષ્ટાઇલ કમિશ્નર શ્રી એસ.પી. વર્મા પધાર્યા હતા અને તેમના વરદ્ હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં લુથરા ગૃપ એલએલપીના ચેરમેન અને CMSMEના પ્રેસિડેન્ટ શ્રી ગિરીશ લુથરા મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું. જ્યારે ગોકુલ ટેક્ષ પ્રિન્ટના શ્રી સુભાષ ધવને અતિથિ વિશેષ તરીકે સમારોહની શોભા વધારી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાની પરિકલ્પના રજૂ કરી છે ત્યારે વિકસિત ગુજરાત બનાવવાનો સંકલ્પ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો છે. એવા સમયે સુરત પણ વિકસિત સુરત બને તે માટે એક ઉદાહરણ પૂરું પાડવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિઝન હાથ ધરી આવા ઔદ્યોગિક પ્રદર્શનો ઉપરાંત સેમિનારો અને કોન્કલેવ સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહયા છે.
સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરિંગનું હબ બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં જ પ્રોડકશન થાય અને અહીંથી આખા વિશ્વમાં એક્ષ્પોર્ટ કરી શકાય તે માટે વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા અભિયાનને સફળ બનાવવા પ્રયાસ થઇ રહયો છે. કસબ અને જરી એ સુરતની જૂની ઓળખ છે ત્યારે આખા વિશ્વમાં તૈયાર કાપડ ઉપર વેલ્યુ એડિશનની પ્રવૃત્તિ માત્ર સુરતમાં થાય છે. સુરતમાં આશરે અઢી લાખ એમ્બ્રોઇડરી મશીનરી છે, જેના થકી બે લાખ લોકોને રોજગારી મળે છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ટેક્ષ્ટાઇલમાં સુરત બ્રાન્ડ બની રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કન્વેન્શન પ્રિન્ટિંગ ઓછું થશે અને ડિજિટલ પ્રિન્ટિંગ વધશે, જેમાં પાણીનો વપરાશ ઘટે છે અને તેનાથી પર્યાવરણનું સંવર્ધન થાય છે. સુરત, ગુજરાત અને ભારતથી એક્ષ્પોર્ટને વધારવા માટે ફાસ્ટ ડિલિવરી, બેસ્ટ કવોલિટી અને કમિટમેન્ટ સાથે કામ કરવાની આપણી જવાબદારી છે. વર્ષ ર૦ર૭ સુધીમાં એક ટ્રિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ કરવા માટે બધા ઉદ્યોગકારોએ ધ્યાન રાખવું પડશે. અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરી થકી જ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઉભી કરશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.