સુરત

ફેમિલી ડોકટર બધાના છે પણ હવે ફેમિલી ખેડૂત શોધવા ઉદ્યોગકારો અને વ્યવસાયિકોને ગુજરાતના રાજ્યપાલએ હાંકલ કરી

ગુજરાતમાં ૯ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી ત્યારે આ મીશનને યુદ્ધસ્તરે વધારીશું :  આચાર્ય દેવવ્રતજી

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, ર૬ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ  કલાકે SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી સાથે સંવાદ યોજાયો હતો. જેમાં  રાજ્યપાલ તેમજ નેચરોપથી એક્ષ્પર્ટ  આચાર્ય દેવવ્રતજીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વ્યવસાયિકોને પ્રાકૃતિક જીવનની આવશ્યકતા, પ્રકૃતિ છે તો જીવન છે, આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવનની સંકલ્પના તથા ઉદ્યોગ – ધંધા અને પ્રાકૃતિક જીવનનું સંતુલન વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિકને ડિસ્ટર્બ કરીશું તો એ પણ આપણને ડિસ્ટર્બ કરશે. એટલે જ પ્રકૃતિ સાથે તાલમેલ સાધી પ્રકૃતિની જાળવણી કરવી એ આપણી ફરજ છે, આથી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની સાથે પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક જીવનને પણ લોકભોગ્ય બનાવવા પ્રયાસ કરવાનો છે. ભારત વિશ્વમાં અત્યારે સૌથી પ્રગતિશિલ દેશ ચોકકસપણે છે પણ સાથે સાથે તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવું તે પણ આપણા સૌની જવાબદારી છે.

ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સારા અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક ખેતી, ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ૯ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે આ અભિયાનમાં જોડીને પ્રાકૃતિક ખેતી તરફ તેઓને વાળવામાં આવ્યા છે ત્યારે તેઓના ઉત્પાદનને ખરીદવા માટે ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે, ત્યારે ઉદ્યોગો અને પ્રાકૃતિક જીવનનું સંતુલન સાધવા અને આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવન જીવવા સંકલ્પબદ્ધ થવા ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ હરિયાણામાં પોતાના ફાર્મ– ગુરુકુલ–કુરુક્ષેત્રમાં રાસાયણિક ખેતીને કારણે જે શારીરિક અને માનસિક નુકસાન થયું હતું તે અંગેનો અનુભવ સૌની સમક્ષ વ્યકત કર્યો હતો. રાસાયણિક દવાઓ–ખાતરની ઝેરી અસરની ગંભીરતા સમજીને તેમણે રાસાયણિક કૃષિને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. તેઓ છેલ્લા નવ વર્ષથી કુરુક્ષેત્ર ફાર્મમાં પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં મબલખ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. અને એટલે જ તેઓ અન્ય તમામ લોકો પણ કલ્યાણકારી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે પરિશ્રમ કરી રહ્યા છે.

ગુજરાતના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે આવેલી જાગૃતિની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ૯ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. માસ્ટર ટ્રેઇનરો દ્વારા પ્રતિ મહિને રાજ્યના ૩.પ૦ લાખથી ૪ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે. આવનારા બે વર્ષમાં ગુજરાતને યુરિયા, ડી.એ.પી., રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે તેમ કહી સર્વેને પ્રાકૃતિક ખેતી સાથે પ્રાકૃતિક જીવન જીવવાની હાંકલ કરી હતી.

એક – એક વ્યકિતમાં અનેક લોકોનું ભવિષ્ય બની ચૂકયું છે અને એ સમાજની પુંજી છે. આથી તમારા સ્વરૂપ અને પ્રતિભાને સમજો. ખાનપાનની અને દિનચર્યાની સમજ ન હોવાને કારણે અનાવશ્યક વજન શરીર ઉપર વધી રહયું છે. જેને કારણે હાર્ટએટેક, ડાયાબિટીસ, કીડની ફેલ્યોર અને પેનક્રિયાજ ખરાબ થઇ રહયા છે. ખેતરોમાં રાસાયણિક ખતોના ઉપયોગને કારણે અનાજમાં, ફળોમાં, પશુઓના દુધમાં અને માતાઓના દુધમાં પણ ઝેર જઇ રહયું છે. આપણા શરીરમાં ઝેર જઇ રહયું છે અને પછી ડોકટર ચક્રવ્યુહ ચાલે છે. હાલ આ પ્રોજેકટ વિશ્વભરમમાં ચાલી રહયો છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આગામી પ વર્ષમાં પ્રાકૃતિક ખેતીમાં લોકોના સ્વાસ્થને બચાવવાનું મીશન ચલાવવામાં આવશે. ગુજરાતમાં ૯ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સાથે જોડી દીધા છે અને મીશનને યુદ્ધસ્તરે વધારીશું. ફેમિલી ડોકટર બધાના છે પણ હવે ફેમિલી ખેડૂત શોધો પછી ફેમિલી ડોકટરની ઓછી જરૂર પડશે. તેમણે યુવા પેઢીને અને બાળકોને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી બચાવવા સૌને હાંકલ કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા અને ગૃપ ચેરમેન બિજલ જરીવાલા, ઉદ્યોગપતિ તેમજ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, પૂર્વ પ્રમુખો અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button