સુરતના ઉદ્યોગ સાહસિકોએ નવા બિઝનેસમાં ડિફેન્સ ટેકનોલોજીનો સમાવેશ કરવો જોઈએ : ડો. સુધિર મિશ્રા
વિશ્વના તમામ દેશોને હવે સુરક્ષિત થવા માટે મિસાઇલ્સ, ડ્રોન, સ્પેસ અને વેપન્સ સિસ્ટમની જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે સુરતે, દેશને ઇકોનોમિકલી સ્ટ્રોન્ગ કરવા માટે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં પાર્ટીસિપેટ કરવું પડશે : નિવૃત્ત બ્રિગેડિયર બી.એસ. મહેતા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગ રૂપે મંગળવાર, તા. રપ જુલાઇ ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીઆરડીઓના ભૂતપૂર્વ ડાયરેકટર જનરલ તેમજ બ્રહ્મોસના ભૂતપૂર્વ સીઇઓ એન્ડ એમડી ડો. સુધિર મિશ્રા ઉપસ્થિત રહયા હતા. જ્યારે નિવૃત્ત બ્રિગેડિયર તેમજ મહર્ષિ યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર બી.એસ. મહેતાએ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. બંને મહાનુભાવોએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટેકનોલોજી અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં સુરતના ઉદ્યોગ સાહસિકોને રહેલી બિઝનેસની વિપુલ તકો વિષે માર્ગદર્શન આપ્યું હતું.
ડો. સુધિર મિશ્રાએ જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકો જે ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવે છે તેમાં બેસ્ટ કરે છે. ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સુરતના ઉદ્યોગ સાહસિકોએ કાઠું કાઢયું છે ત્યારે તેમણે તેઓને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવા માટે સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડિફેન્સ ટેકનોલોજી માટે કેટલાક ઇકવીપમેન્ટ અન્ય દેશોમાંથી ખરીદવામાં આવી રહયા છે, આથી અન્ય દેશો પરથી નિર્ભરતા ઘટાડવાની જરૂર છે અને જે ઇકવીપમેન્ટ બહારથી ખરીદાય છે તેનું ઉત્પાદન આપણા દેશમાં કરવાની જરૂર છે. જેથી કરીને સુરતના ઉદ્યોગ સાહસિકોએ નવા બિઝનેસમાં ડિફેન્સ ટેકનોલોજીનો પણ સમાવેશ કરવો જોઈએ. આ ઉદ્યોગ સાહસિકો ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે ફિનીશ્ડ ગુડ્ઝ એટલે સેમી કન્ડકટર બનાવી શકે છે.
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિફેન્સ માટે ફ્રાન્સની સાથે રૂપિયા ૮૦ હજાર કરોડની ડીલ સાઇન કરી છે ત્યારે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં સુરતના ઉદ્યોગ સાહસિકો પોતાનું યોગદાન આપશે અને ફ્રાન્સની સાથે સાઇન કરાયેલી ડીલના ૧૦ ટકા ઉત્પાદન કરશે તો પણ રૂપિયા ૮ હજાર કરોડનો બિઝનેસ તેઓ કરી શકશે. તેમણે કહયું કે, કોઇપણ મેગા પ્રોજેકટની સાથે મોટર સેપરેટ તેમજ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ જેવી નાની નાની ટેકનોલોજી પણ ડેવલપ થાય છે. ડિફેન્સની સાથે અન્ય ટેકનોલોજી સિવિલમાં પણ ડેવલપ થાય છે ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકોને આ દિશામાં ઘણી તકો રહેલી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી પાસે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસની વિપુલ તકો છે તથા યુવા ઉદ્યોગ સાહસિકો પણ છે ત્યારે અભાવ માત્ર નોલેજનો છે અને આ તમામ પ્રકારનું નોલેજ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન પૂરું પાડશે. સુરતના ઉદ્યોગ સાહસિકોએ એપ્રોચ કરવાની જરૂર છે, તેઓ ડીઆરડીઓ પાસેથી ટેકનોલોજી લઇ શકે છે અને તેને આધારે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે ફ્રેશ ગુડ્સ બનાવી શકાય છે. ડિફેન્સ આર્મ્સની લાઇફ ૩૦થી ૪૦ વર્ષ હોય છે અને ત્યારબાદ તેને સ્પેરપાર્ટ્સથી મેઇન્ટેન કરવાનું હોય છે, જે જરૂરિયાત અન્ય દેશોને સુરતના ઉદ્યોગ સાહસિકો પૂરી પાડી શકે તેમ છે.
તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે થઇ રહેલા યુદ્ધને ટાંકતા જણાવ્યું હતું કે, હવે બંદુક અને ટેન્કથી યુદ્ધ કરવાનો જમાનો ગયો. હવે દરેક સોલ્જરને સાયબર સોલ્જર થવું પડશે. સૈનિકોને નોલેજ બેઇઝડ સોલ્જર બનાવવા પડશે, આથી યુવા પેઢીને કોમ્પ્યુટર સાયન્સ, હાર્ડવેર અને સાયબર ટેકનોલોજીમાં એક્ષ્પર્ટ થવાની જરૂર છે. દેશના સુરક્ષિત ભવિષ્ય માટે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રોન્ગ થવું ખૂબ જ જરૂરી છે. તેમણે બ્રહ્મોસ મિસાઇલ તેમજ આજના યુગમાં તેની જરૂરિયાત અને તેના મહત્વ વિષે વિસ્તૃત સમજણ પણ આપી હતી.
નિવૃત્ત બ્રિગેડિયર બી.એસ. મહેતાએ જણાવ્યું હતું કે, Spirit to give એ સુરતીઓથી શીખ્યો છું. સુરતના ઉદ્યોગકારો નાની – નાની તકને ઝડપી લે છે. સુરતીઓની Spirit of co-operation ઘણી સારી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધે આખા વિશ્વને હચમચાવી દીધું છે. ગુજરાત એ ઇકોનોમિકલી સ્ટ્રોન્ગ છે, આથી તેના નોલેજ અને એકસપિરિયન્સનો ઉપયોગ કરવાની જરૂર છે. વિશ્વના તમામ દેશોને હવે સુરક્ષિત થવા માટે મિસાઇલ્સ, ડ્રોન, સ્પેસ અને વેપન્સ સિસ્ટમની જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે સુરતે, દેશને ઇકોનોમિકલી સ્ટ્રોન્ગ કરવા માટે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં પાર્ટીસિપેટ કરવું પડશે.
હવે આતંકીઓ જમીનને બદલે સમુદ્રિ માર્ગે દેશમાં હુમલાઓ કરે છે અને ગુજરાતમાં ઘણો મોટો દરિયાઇ પટ્ટો છે. હવે બ્રહ્મોસ મિસાઇલનો જમીન ઉપરાંત પ્લેનથી, શીપમાંથી અને પાણીમાંથી પણ ઉપયોગ કરી શકાય છે. વધુમાં તેમણે કહયું કે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના વિઝન SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને કારણે બિઝનેસમાં એક્ષ્પોર્ટની ઘણી તકો ઉભી થશે અને તેના માટે સુરતના ઉદ્યોગ સાહસિકોએ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવું પડશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો. માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું અને ડો. સુધિર મિશ્રાનો પરિચય પણ આપ્યો હતો. માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે નિવૃત્ત બ્રિગેડિયર બી.એસ. મહેતાનો પરિચય આપ્યો હતો. ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય તેમજ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી કાનજીભાઇ ભાલાળાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવા માગતા ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના બંને મહાનુભાવોએ જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.