ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શંખનાદ સ્પર્ધા અને નવચંડી હવન

સુરત : ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિ અને આરોગ્યલક્ષી પરંપરાને પ્રોત્સાહિત કરવા માટે “શંખનાદ સ્પર્ધા” તથા “નવચંડી હવન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શંખનાદ સ્પર્ધામાં ભાગ લીધો અને પોતાના સ્વર-સામર્થ્ય તથા એકાગ્રતાનું પ્રદર્શન કર્યું. શંખનાદથી વાતાવરણ પવિત્ર બનવા સાથે આરોગ્યલક્ષી અનેક લાભો મળે છે, જેમ કે ફેફસાં મજબૂત થાય છે, શ્વાસપ્રક્રિયા સુધરે છે, રક્તચાપ નિયંત્રિત રહે છે તથા થાઇરોઇડ, હૃદયરોગ, દમા અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં મદદરૂપ થાય છે.
દુર્ગા અષ્ટમીના પાવન દિવસે સપ્ટેમ્બર માસમાં જન્મેલા વિદ્યાર્થીઓએ નવચંડી હવન કરી માતા દુર્ગાની આરાધના કરી. આ પૂજન-હવન દ્વારા સમગ્ર સ્કૂલમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનો પ્રસારમાં અનુભવાયો.
શાળાના ચેરમેન રામજીભાઈ માંગુકિયા, વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી તેમજ પ્રિન્સિપલ તૃષાર પરમાર અને ડો વિરલ નાણાવટી એ સમગ્ર શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થી, વાલીગણ અને શિક્ષકગણને દુર્ગાષ્ટમીના પાવન અવસરે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે જણાવ્યું કે દુર્ગાષ્ટમીનો આ પર્વ સદાય સત્ય પર અડગ રહેવા, સદાચાર અને ધર્મના માર્ગે આગળ વધવા તથા દુર્ગણો ઉપર સદ્ગુણોની વિજયયાત્રાનું પ્રતિક છે. આ શુભ પર્વે માતા દુર્ગાના આશીર્વાદથી સમગ્ર શાળા પરિવારને આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને નવી ઊર્જા પ્રાપ્ત થાય તેવી તેઓએ પ્રાર્થના વ્યક્ત કરી.
ટ્રસ્ટીગણે આ અવસરે આશા વ્યક્ત કરી કે દરેક વિદ્યાર્થી શિક્ષણ સાથે સાથે નૈતિક મૂલ્યોને જીવનમાં ઉતારીને એક સારા નાગરિક તરીકે વિકસે અને શાળા, પરિવાર તથા સમાજનું નામ ગૌરવપૂર્વક ઊંચું કરે.