એલ.પી. સવાણી એકેડમીમાં સીબીએસઇ નૅશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025 નો સમાપન સમારોહ યોજાયો

સુરત : સીબીએસઇ નૅશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025 નો ભવ્ય સમાપન સમારોહ 8 ઓક્ટોબર 2025 ના રોજ એલ.પી. સવાણી એકેડમી, સુરત ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ પાંચ દિવસ ચાલેલા રોમાંચક અને પ્રતિસ્પર્ધાત્મક ટૂર્નામેન્ટનું સફળ સમાપન હતું, જેમાં ભારતભર તેમજ ગલ્ફ દેશોના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી કાર્યક્રમની ગૌરવવૃદ્ધિ થઈ. તેમણે વિજેતા ખેલાડીઓને ચંદ્રક અને ટ્રોફી આપી સન્માનિત કર્યા તથા વિદ્યાર્થીઓને રમતગમતમાં અનુશાસન, મહેનત અને ઉત્કૃષ્ટતા તરફ આગળ વધવા માટે પ્રેરક સંદેશ આપ્યો. કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના સભ્યો અમિત ચોકસી અને પુરવેશ જરીવાલા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને ખેલાડીઓને શુભેચ્છા આપી.
એલ.પી. સવાણી ગ્રૂપના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર સવાણી, અને ડિરેક્ટર પૂર્વી સવાણીની ઉપસ્થિતિએ સમારોહને વધુ ભવ્ય બનાવ્યો. તેમણે તમામ ખેલાડીઓ અને માર્ગદર્શકોને અભિનંદન પાઠવ્યા. પ્રિન્સિપલ ડૉ. મૌતોષી શર્માએ પોતાના આભારવિદાય ભાષણમાં તમામ મહાનુભાવોને, CBSE અધિકારીઓને, GSTTA અને TTFI ના રેફરી અને અમ્પાયર ટીમને, કોચેસ અને વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
કાર્યક્રમનું સમાપન ધ્વજ વિધિ સાથે અને CBSE ઑબ્ઝર્વર તથા દ્રોણાચાર્ય એવોર્ડી શ્રી સંદીપ ગુપ્તાને ધ્વજ હસ્તાંતરણ સાથે થયું. આ રીતે CBSE નૅશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025નું સફળ સમાપન થયું જે એલ.પી. સવાણી એકેડમી માટે ગૌરવપૂર્ણ અને યાદગાર પળ બની રહી.