સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ગુરુવાર, તા. ર૭ જુલાઇ, ર૦ર૩ના રોજ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કેન્દ્રીય MSMEના કેબિનેટ મંત્રી નારાયણ રાણેની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી રાણે સમક્ષ ચેમ્બર ઓફ કોમર્સના વિઝન SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાત ઉપરાંત દેશભરમાંથી એક્ષ્પોર્ટ વધે તે હેતુ આ મિશનને સફળતાની દિશામાં આગળ વધારવા માટે અનુરોધ કર્યો હતો. ખાસ કરીને MSMEનું એકસપોર્ટ વધે તે માટે MSME
મંત્રાલય તરફથી વિશેષ સહયોગ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયાએ કેન્દ્રીય MSMEના કેબિનેટ મંત્રીને SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ની વિગતવાર માહિતી આપી હતી, જેની વિગતો સાંભળીને મંત્રી રાણે પણ ઘણા પ્રભાવિત થયા હતાં અને તેમણે પણ આ મિશન ૮૪ અંગે જુદી જુદી પ્રશ્નોત્તરી કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે MSMEનો વિકાસ જરૂરી છે ત્યારે ભારત સરકારની ચેમ્બરના મિશન ૮૪ને જ્યાં પણ જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે તેમ કેન્દ્રીય મંત્રી રાણેએ જણાવ્યું હતું. ભારતથી MSMEનો નિકાસમાં સૌથી વધુ ફાળો છે ત્યારે ચેમ્બરના મિશન ૮૪ પ્રોજેક્ટની મદદથી MSMEના ડેવલપમેન્ટ માટે ભારત સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસ કરવાની પણ ખાતરી કેન્દ્રીય મંત્રી રાણેએ આપી હતી.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ આગામી ડિસેમ્બર- ૨૦૨૩માં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત આયોજિત થનારા MSME કોન્કલેવ તથા MSME એક્ઝીબીશનમાં મુખ્ય મહેમાન તરીકે પધારવા માટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને આમંત્રણ આપ્યું હતું.