બિઝનેસસુરત

સુરતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા સુરત ખાતે સેન્ટર ઓફ એકસલન્સ સ્થાપિત કરવા માટે ચેમ્બરની પહેલ શરૂ

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ATIRA અને ગાંધીનગર ખાતે ગીફટ સિટીમાં સ્થપાયેલા AI સેન્ટર ઓફ એકસલન્સની મુલાકાત લઇ સેન્ટર ઓફ એકસલન્સની વર્લ્ડ કલાસ સુવિધાઓ વિષે માહિતી મેળવી

સુરત : છેલ્લા ૮પ વર્ષથી દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસાર્થે કાર્યરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ સુરતના ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે સુરત ખાતે સેન્ટર ઓફ એકસલન્સ સ્થાપિત કરવાની પહેલ શરૂ કરી છે. આ દિશામાં અત્યંત મહત્વપૂર્ણ પગલાં તરીકે ચેમ્બરના પ્રમુખ  નિખિલ મદ્રાસીના માર્ગદર્શનમાં ચેમ્બરના ઉપ પ્રમુખ  અશોક જીરાવાલા, માનદ્‌ મંત્રી  બિજલ જરીવાલા, પૂર્વ માનદ્‌ મંત્રી  નિરવ માંડલેવાલા તથા સેક્રેટરીઓ  પૌલિક દેસાઇ અને શ્રી થોમસ જે. ઇ. સહિતના પ્રતિનિધિ મંડળે સોમવાર, તા. ૧૬ જૂન ર૦રપના રોજ ગાંધીનગર અને અમદાવાદ ખાતેના બે જુદા જુદા સેન્ટર ઓફ એકસલન્સની મુલાકાત લીધી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે સૌપ્રથમ અમદાવાદ સ્થિત ATIRA (અમદાવાદ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસીએશન)ની મુલાકાત લઈ ત્યાંની વર્લ્ડ કલાસ ટેક્ષ્ટાઇલ રિસર્ચ, ટેસ્ટીંગ અને ઇનોવેશનની સુવિધાઓ વિષે વિસ્તૃત જાણકારી મેળવી હતી. ટેક્ષ્ટાઇલના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આ દેશની પ્રથમ સંસ્થા છે, જ્યાં ટેક્ષ્ટાઇલના કમ્પોઝીટ મટિરિયલ અને જીયો ફેબ્રિક પર ફોકસ કરવામાં આવે છે. અહીં કમ્પોઝીટ યુનિટ રિસર્ચ કરે છે અને સ્ટાન્ડર્ડ બનાવી પ્રોડકશનને અપગ્રેડ કરવાની દિશામાં કામ કરે છે. નવી ટેકનોલોજી ડેવલપ કરવાની સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ફોકસ કરે છે અને સાથે સાથે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને જરૂરી ટેકનોલોજીની માહિતી આપે છે.

અમદાવાદ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસીએશન ટેકનિકલ ટેક્ષ્ટાઇ પર ફોકસ કરે છે. આ સેન્ટર ડિફેન્સ ક્ષેત્રે સ્પેસમાં ઉપયોગમાં લેવાતું મટિરિયલ, સબમરીનમાં વપરાતું મટિરિયલ, કન્સ્ટ્રકશન માટેનું મટિરિયલ, વંદે ભારત ટ્રેન માટેનું કમ્પોઝીટ મટિરિયલ માટે કવોલિટી સેટઅપ પણ કરીને આપે છે. ટેકનિકલ ટેક્ષ્ટાઇલ માટેના નવા રિસર્ચ અહીં થાય છે અને આ સેન્ટર ઇસરોની સાથે રહીને કામ કરે છે. ATIRA દ્વારા અપાતી ટેકનિકલ ટ્રેઇનીંગ, કન્સલ્ટિંગ અને સ્ટાન્ડર્ડ અપગ્રેડેશન સેવાઓથી ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ અત્યંત પ્રભાવિત થયું હતું. ખાસ કરીને સુરતની ટેક્ષ્ટાઇલ ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ એવા કેટલાક મોડયુલ્સ અને ટેકનોલોજી કોમ્પોનન્ટ્‌સ વિષે ચેમ્બરના પ્રતિનિધિ મંડળે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગીફટ સિટીમાં સ્થપાયેલા એઆઇ સેન્ટર ઓફ એકસલન્સ ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના ગાઢ સહયોગથી કેવી રીતે હ્યુમન કેપિટલ તૈયાર થાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો, આથી સુરતમાં સેન્ટર ઓફ એકસલન્સ જેવું કેમ્પસ ઉભું કરવા માટે જરૂરી માળખાકીય યોજના તથા ટેકનિકલ માર્ગદર્શન મેળવવા માટે ગીફટ સિટીના એઆઇ સેન્ટર ઓફ એકસલન્સની મુલાકાત ખૂબ જ ઉપયોગી સાબિત થઇ હતી. આ સેન્ટર ગવર્નમેન્ટ–ઇન્ડસ્ટ્રી–એકેડેમિયા એવા ત્રિકોણ સંકલન દ્વારા સ્ટાર્ટ–અપ, એસએમઇ ઇનોવેશન, સ્કીલ બિલ્ડીંગ, સંશોધન અને ગવર્નન્સ વિભાગોમાં સહકાર આપતા ઇકો સિસ્ટમ તરીકે કાર્ય કરે છે.

આ મુલાકાત સંદર્ભે ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દૃઢપણે નિર્ધાર કરવામાં આવ્યો છે કે સુરત જેવા ઝડપી વિકાસશીલ અને ઉદ્યોગોના શહેરમાં સેન્ટર ઓફ એકસલન્સ જેવી સુવિધા ઊભી કરીને સ્થાનિક ઉદ્યોગકારો, નવા ઉદ્યોગો શરૂ કરનારા સ્ટાર્ટ–અપ્સ, ટેકનિકલ પ્રોફેશનલ્સ અને યુવા ઉદ્યોગસાહસિકો માટે એક વિશ્વસ્તરીય સંશોધન તથા તાલીમના કેન્દ્ર તરીકે સુરતનો વિકાસ કરી શકાય, જેના થકી વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપી શકાય તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button