રાંદેર ઝોનમાં CRC કક્ષાના કલા ઉત્સવની ઉજવણી
રાંદેર ઝોનમાં CRC કક્ષાના કલા ઉત્સવની ઉજવણી
ભારત સરકાર અને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના માર્ગદર્શન અન્વયે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત રાંદેર ઝોનના સી.આર.સી. ૦૧ અને ૦૩ ના સી.આર.સી. કો.ઑર્ડિનેટરશ્રી ડોનિકા ટેલર તથા અમિતકુમાર ટેલરના સંયુક્ત આયોજન હેઠળ રાંદેર ઝોનમાં સી.આર.સી. કક્ષાના “કલા મહોત્સવ”નું આયોજન નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા ક્રમાંક : 159, ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં સી.આર.સી. કક્ષાની ચિત્ર સ્પર્ધા, બાળકવિ સંમેલન, સંગીત વાદન અને ગાયન, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, દેશભક્તિ ગીતનું ગાન, તિરંગાની રચનાનો ઇતિહાસ અને પ્રદર્શન, આર્ટ અને ક્રાફટ દ્વારા તિરંગો બનાવવો જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ 17 જેટલી શાળાઓના 140 થી વધુ બાળકોએ ભાગ લીધેલ હતો.
આવેલ તમામ બાળકો, શિક્ષકો અને આચાર્યશ્રીઓને આયોજકો તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે અનુક્રમે ૩૦૦/-, ૨૦૦/- અને ૧૦૦/-નું રોકડ ઈનામ આપવામાં આવ્યું તથા આયોજકો દ્વારા આ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે રાંદેર વિસ્તારના કોર્પોરેટર શ્રી કૃણાલભાઈ સેલર તથા રાંદેર ઝોનના નિરીક્ષકશ્રી રાગિણીબેન દલાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમના ઉદઘોષક તરીકે શ્રી નીનાબેન દેસાઈની કામગીરી પ્રશંસનીય રહી.
સમગ્ર શિક્ષા સુરત કોર્પોરેશનના ઝોન-1 ના યુ.આર.સી. કો – ઓર્ડિનેટર શ્રી રમેશભાઈ પટેલ તથા એડિશનલ પ્રો. કો. ઓર્ડિનેટર અને શાસનાધિકારીશ્રી વિમલભાઈ દેસાઈ દ્વારા આયોજકોને સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ જહેમત ઉઠાવનાર શાળા ક્રમાંક 159ના શાળા પરિવારના આભાર અને વિજેતા વિદ્યાર્થીઓને આગળના સ્તરની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.