
સુરતઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે.
વર્તમાન સમયમાં મેદસ્વિતા ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. પરિણામે શરીર અનેક બીમારીઓનું ઘર બને છે. વડાપ્રધાનશ્રીર શરૂ કરેલી ‘ઓબેસિટી મુક્તિ’ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિ સ્વસ્થ, ચુસ્ત-દુરસ્ત બને તે જરૂરી છે.
મેદસ્વિતાએ એવી સ્વાસ્થ્ય સ્થિતિ છે જ્યાં શરીરમાં ચરબીનો સંગ્રહ વધી જાય છે. સામાન્ય રીતે બોડી માસ ઈન્ડેક્સ ૩૦ કે તેથી વધુ (BMI) ≥ 30 હોય તો તે મોટાપાનું સૂચક છે. જેના કારણે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેટલાક કેન્સર જેવા ગંભીર આરોગ્ય જોખમો વધી શકે છે.
મેદસ્વિતાનું કારણ
મેદસ્વિતા આરોગ્ય પ્રત્યેની આળસ, શારીરિક ક્રિયાશીલતાનો અભાવ, પ્રોસેસ્ડ ખોરાકનું વધુ સેવન અને શહેરીકરણ જેવા પરિબળોના કારણે વધી છે. તેનું બીજુ મુખ્ય કારણ ખોરાકમાં લેવાયેલી કૅલરી શારીરિક પ્રવૃત્તિ, હલનચલન, કસરતના અભાવે ખર્ચ થતી નથી. તણાવ, માનસિક ચિંતા પણ જવાબદાર છે. મેદસ્વિતા એક રોગ માત્ર નથી, તે ડાયાબિટીસ, હ્રદયરોગ, બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, માનસિક તણાવ અને આત્મવિશ્વાસમાં ઘટાડો જેવા અનેક રોગને આમંત્રણ આપે છે.
દૈનિક આહારને સંતુલિત બનાવો, ભોજનમાં કઠોળ અને શ્રીઅન્નને અપનાવો
સંતુલિત આહાર અને પોષણની દ્રષ્ટિએ વધુ સારી ખાદ્ય ઉત્પાદનોની પસંદગીઓ સ્વસ્થ જીવન તરફ પ્રથમ પગલું છે. કાર્બોહાઈડ્રેટ્સના ખાદ્ય સ્ત્રોત તરીકે આખા અનાજ અને શ્રીઅન્નને અપનાવવું પડશે. પ્રોટીન માનવ શરીરનું પાવરહાઉસ છે. પ્રોટીનના મહત્વના સ્ત્રોત તરીકે આખા કઠોળ, દાળ અને સોયાબિન સાથે દૂધ અને દૂધના ઉત્પાદનો આહારમાં અપનાવા જોઈએ.
પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ ફૂડને કહો ના, નીરોગી શરીરને કહો હા
આપણે દરરોજ ઓછામાં ઓછા ૫૦૦ ગ્રામ ઋતુ મુજબ ઉપલબ્ધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ. વધુ ખાંડવાળા ખોરાક અને ખાદ્ય ઉત્પાદનો બને તેટલા ઓછા આરોગવા જોઈએ. પ્રતિ વ્યક્તિ ફક્ત ૫ ગ્રામ/દિવસ મીઠું અને ઓછા તેલ સાથે જમવું જોઈએ.
સમતોલ આહાર અને યોગ એ સ્વસ્થ-નિરોગી જીવનની ચાવી
દર અઠવાડિયે ૧૫૦ મિનિટ સુધી હળવી ઍરોબિક પ્રવૃત્તિ કરવાથી નવી ઉર્જા મળશે. દિવસમાં ઓછામાં ઓછું ૩૦ મિનિટ નિયમિત ચાલવું તથા દરરોજ યોગ કરવાથી પણ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે.
મેદસ્વિતાને દૂર કરવાના અભિયાનમાં રાજ્યના દરેક નાગરિક, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટેનું મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે. ચાલો, સાથે મળી મેદસ્વિતાનો મુકાબલો માત્ર દવાઓથી નહિ, પણ દ્રઢ ઈચ્છાશક્તિ, શિસ્ત અને સ્વસ્થ આદતો વડે કરીએ અને સ્વસ્થ જીવન માટે એક કદમ આગળ વધીએ.