સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સોમવાર, તા. ૧૩ મે ર૦ર૪ના રોજ આફ્રિકન દેશ બોટ્સ્વાનાના હાઇ કમિશનની સાથે ઇન્ટરેકટીવ બીટુબી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટ્સ્વાના હાઇ કમિશનના હાઇ કમિશ્નર હીઝ એકસલન્સી ગીલબર્ટ શિમાને મંગોલે અને બોટ્સ્વાનાના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટરના ટ્રેડ એટેચીના ડાયરેકટર દિપોપેગો જુલિયસ શેકો તથા સુરતના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ભારત અન્ય દેશોની સાથે બોટ્સ્વાના પાસેથી રફ ડાયમંડની ખરીદી કરે છે અને વિશ્વના ૧૦ ડાયમંડમાંથી ૯ ડાયમંડ સુરતથી પોલિશ થઇને વિશ્વભરમાં એક્ષ્પોર્ટ થાય છે, આથી સુરત વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. ડાયમંડ ઉપરાંત સુરતથી ટેક્ષ્ટાઇલ અને ફાર્માસ્યુટિકલની કવોલિટી પ્રોડકટ પણ વિશ્વભરમાં એક્ષ્પોર્ટ થાય છે ત્યારે બોટ્સ્વાનાએ આ દિશામાં વિચારી આ પ્રોડકટની પણ આયાત કરવી જોઇએ તેમ કહી તેઓને ભારત સાથે વેપાર વધારવા અનુરોધ કર્યો હતો.
બોટ્સ્વાના હાઇ કમિશનના હાઇ કમિશ્નર હીઝ એકસલન્સી ગીલબર્ટ શિમાને મંગોલે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકો બોટ્સ્વાનામાં ડાયમંડ અને ટેક્ષ્ટાઇલનું મેન્યુફેકચરીંગ કરીને સાઉથ આફ્રિકાના પ૪ દેશો ઉપરાંત અમેરિકામાં એક્ષ્પોર્ટ કરી શકે છે. જેના થકી થયેલી આવકને તેઓ સુરત, ગુજરાત અને ભારતમાં લાવી શકે છે. એના પર તેમની સરકારનું કોઇ પ્રતિબંધ નથી. વધુમાં તેમણે કહયું હતું કે, બોટ્સ્વાનામાં ભારતની જુદી–જુદી સંસ્કૃતિના લોકો રહે છે અને ગુજરાતી લોકો પણ તેમના ત્યાં રહીને બિઝનેસ કરે છે, આથી તેમણે બોટ્સ્વાનામાં બિઝનેસ હેતુ રોકાણ કરવા સુરતના ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપ્યું હતું.
બોટ્સ્વાનાના ટ્રેડ એટેચીના ડાયરેકટર શ્રી દિપોપેગો જુલિયસ શેકોએ જણાવ્યું હતું કે, બોટ્સ્વાના એ આખા વિશ્વમાં સુરક્ષિત દેશોમાંથી એક ગણાય છે. વર્ષ ર૦રરમાં બોટ્સ્વાનાથી ૮.૩ બિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ કરવામાં આવ્યું હતું. સાઉથ આફ્રિકા, નામિબિયા, ઝામ્બીયા અને ઝિમ્બાબ્વે જેવા દેશો બોટ્સ્વાનાના બોર્ડર પર છે. તેમના ત્યાં ખાસ કરીને રફ ડાયમંડનું પ્રોડકશન થાય છે. ડાયમંડ તેમના દેશના જીડીપીમાં ૪ર ટકા યોગદાન આપે છે, આથી સુરત તેમના દેશ માટે ઘણું અગત્યનું છે.
બોટ્સ્વાનામાં માઇનીંગ સોર્ટીંગ, એગ્રીગેશન, રફ સેલ્સ, કટીંગ એન્ડ પોલિશીંગ, જ્વેલરી મેન્યુફેકચરીંગ, રિટેઇલીંગ થાય છે, આથી તેમણે સુરતના હીરા ઉદ્યોગકારોને બોટ્સ્વાના ખાતે ડાયમંડ કટીંગ અને પોલિશીંગ માટે યુનિટ સ્થાપવા આમંત્રણ આપ્યું હતું. બોટ્સ્વાના ખાતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં યુનિટ સ્થાપવાથી તેમજ રોકાણ કરવાથી તેમની સરકાર દ્વારા વિવિધ ઇન્સેન્ટીવ આપવામાં આવે છે.