ઉત્તમ મનુષ્ય જીવનનો ઉપયોગ શ્રેષ્ઠ ન થાય તો અધમતાથી તો ના જ થવો જોઈએ : આચાર્ય મહાશ્રમણ
19 જુલાઈ શુક્રવારે આચાર્ય મહાશ્રમણજીના સાનિધ્યમાં ભવ્ય દીક્ષા સમારોહ નું આયોજન
સુરતઃ ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરના સંયમ વિહાર ખાતે યુગપ્રધાન આચાર્ય શ્રીમહાશ્રમણજીના દિવ્ય પ્રવચનનો સુંદર માહોલ જામ્યો છે. હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી ઓ પ્રવચન ગંગામાં શ્રધ્ધાભેર ડૂબકી લગાવી રહ્યા છે.
બુધવારે પ્રવચન શ્રેણીમાં આચાર્યશ્રીએ મનુષ્ય જીવન અને ગુણ સ્થાન પર તાત્વિક ચર્ચા કરી હતી. પૂજ્યશ્રી એ કહ્યુ કે,
મનુષ્ય જીવન ખૂબ મહત્વપૂર્ણ છે. 84 લાખ જીવ યોનિ માં મનુષ્ય જીવન સર્વશ્રેષ્ઠ છે અને એનું કારણ એ છે કે અધ્યાત્મની ઉત્કૃષ્ટ ભૂમિકા પર કેવળ માણસ જ પહોંચી શકે છે અન્ય કોઈ પ્રાણી ત્યાં સુધી પહોંચી શકતું નથી.
સવાલ એ છે કે, ઉત્કૃષ્ટ ભૂમિકા એટલે શું ? ૧૪માં ગુણ સ્થાન પર ફક્ત ગર્ભજ મનુષ્ય જ પહોંચી શકે, અન્ય કોઈ નહીં. શાસ્ત્રો અનુસાર પંચમ ગુણસ્થાન પછીના દરેક ગુણસ્થાન પર માત્રને માત્ર મનુષ્યની જ ભૂમિકા છે.
પંચમ ગુણ સ્થાન એવું ગુણસ્થાન છે જે ગર્ભજ મનુષ્યમાં પણ હોઈ શકે છે અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય માં પણ હોઈ શકે છે. ચતુર્થ ગુણ સ્થાન ચારેય ગતિમાં ઉપલબ્ધ છે.
૧૨ ગુણ સ્થાન સુધી સંજ્ઞી અને ૧૩માં ગુણ સ્થાન પર મનુષ્ય સંજ્ઞી નથી રહેતો એવુ કહેવાય છે. એવુ જ ૧૪માં સ્થાન પર છે. આ બંને સ્થાન પર મનુષ્ય ના સંજ્ઞી-અસંજ્ઞી સ્થિતિને પ્રાપ્ત થાય છે. ત્યારે ફરી સવાલ ઉપસ્થિત થાય છે કે મૃત્યુ પહેલા માણસ ના સંજ્ઞી અસંજ્ઞી કઈ રીતે થઈ શકે? જેનો ઉત્તરમાં આ બંનેનો સંબંધ કર્મના ઉદય અને વિલય સાથે છે. મનુષ્ય જન્મ એટલે ઉત્તમ છે કેમકે અન્ય કોઈ ગતિમાં આગળના ગુણ સ્થાનમાં સાધના થઈ શકતી નથી.
માનવ જીવન સર્વશ્રેષ્ઠ છે પણ એનો ઉપયોગ ઉત્તમ માટે પણ થઈ શકે છે અને અધમ માટે પણ થઈ શકે છે. સર્વશ્રેષ્ઠ મનુષ્ય જીવનનો ઉપયોગ સર્વ શ્રેષ્ઠ રીતે થવો જોઈએ પણ કદાચ એ ના થઈ શકે તો અધમ રૂપે તો ન જ થાય એ ખુબ જરૂરી છે. જીવનનો અધમતાથી ઉપયોગ કરનાર સાતમા નર્કમાં જાય છે. પ્રયાસ હોવો જોઈએ કે મનુષ્ય જીવનના સર્વશ્રેષ્ઠ ઉપયોગથી 14માં ગુણ સ્થાન પર એટલે કે મોક્ષના દ્વાર સુધી પહોંચી શકાય પરંતુ ત્યાં સુધી ન જવાય તો પણ છઠ્ઠા સાતમા સ્થાન પર પહોંચી શકાય તો પણ ઘણું છે.
પૂજ્ય આચાર્યશ્રીએ જણાવ્યું કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા આનું ચાર તીર્થોમાં સ્થાન છે જો સાધુ સાધ્વી બની શકાય તો ઘણું સારું અને સાધુ સાધ્વી ન બની શકાય તો શ્રાવક શ્રાવિકા તો જરૂર બનવું જોઈએ. ચતુર્માસમાં જ્ઞાનારાધના દર્શનારાધના ચારિત્રારાધના અને તપારાધના કરશો તો આત્માનું કલ્યાણ થશે. આચાર્યશ્રીએ આગામી પર્વ તિથિઓ સંદર્ભે અઠ્ઠાઈ તેમજ અન્ય તપ આરાધનાની સુંદર પ્રેરણા આપી હતી. ઉપાસક ઉપાસિકા પર્યુષણ આરાધના કરાવવા જાય છે એ પણ જ્ઞાનારાધનાનો જ ક્રમ છે.
પ્રવાસ વ્યવસ્થા સમિતિના ઉપાધ્યક્ષ અનિલ ચંડાલિયા, મહામંત્રી નાનાલાલ રાઠોડ, તેરાપંથી સભાના અધ્યક્ષ મુકેશ બૈદ, યુવક પરિષદ અધ્યક્ષ અભિનંદન ગાદીયા, મહિલા મંડળ અધ્યક્ષ ચંદા ભોગર, મહિલા મંડળ કન્યા મંડળ સુરત, તેરાપંથ પ્રોફેશનલ ફોરમ સુરત જ્ઞાનશાળા ઉધના, કિશોર મંડળ ઉધના વગેરેએ પ્રેરક અને મનમોહક પ્રસ્તુતિઓ કરી હતી.
19 જુલાઈ શુક્રવારે આચાર્ય મહાશ્રમણજીના સાનિધ્યમાં ભવ્ય દીક્ષા સમારોહ નું આયોજન
કુલ આઠ ભાઈ બહેનો દીક્ષા લેશે જે પૈકી સમણી અક્ષય પ્રજ્ઞાજી અને સમણી પ્રણવ પ્રજ્ઞાજી સમણ શ્રેણીમાંથી શ્રમણ શ્રેણી (સાધુ શ્રેણી)માં આરોહણ કરશે જ્યારે મુમુક્ષુ સુરેન્દ્ર કોચર, વિકાસ બાફના, દીક્ષિતા સંઘવી, મીનલ પરીખ, નૂપુર બરડીયા અને મીનાક્ષી સામસુખા જેઓ તમામ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે તેઓ તમામ સાંસારિક સંબંધો અને ભૌતિક સંપદાઓનો ત્યાગ કરી સંયમનો માર્ગ ગ્રહણ કરશે.
સંયમ વિહાર ખાતે આચાર્યશ્રીની નિશ્રામાં દીક્ષા સમારોહ યોજાશે જેના ઉપલક્ષમાં 18 મી જુલાઈ ના રોજ દિક્ષાર્થીઓની સંયમ શોભા યાત્રા વેસુ ખાતે આવેલ સેલેસ્ટ્રીયલ ડ્રીમ ખાતેથી બપોરે 1:00 વાગે નીકળશે અને સંયમવિહાર પહોંચશે અને રાત્રે 8 વાગ્યે મંગળ ભાવના સમારોહ યોજાશે ત્યાર પછી 19મી જુલાઈ ના રોજ સવારે 9:00 વાગે ભવ્ય દીક્ષા સમારોહ યોજાશે, જેમાં બે સમણીજી તથા છ મુમુક્ષુઓ આચાર્યશ્રી મહાશ્રમણજી ની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરશે.