અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન સહાયકોએ વિદ્યાર્થીઓને દિવાળી મેળામાં શીખવી વિવિધ કળા
ઓલપાડ ચોર્યાસી કાંઠા વિસ્તારના અને ઉમરપાડાના આદિવાસી બાળકો સામેલ થયા
હજીરા, સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરાના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ઓલપાડ, ચોર્યાસી તાલુકાના કાંઠા વિસ્તાર અને ઉમરપાડાના આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉત્થાન સહાયક દ્વારા દિવાળી મેળાનું આયોજન કર્યું હતું. વેકેશન દરમિયાન બાળકોએ શિખેલી કળા અને એમાં બનાવેલી કળાકૃતિઓનું પ્રદર્શન આજે શાળા ઉઘાડવાના પ્રથમ દિવસે યોજાયું હતું.
બાળકો દિવાળી વેકેશનને મન ભરીને માણે, ગમ્મત સાથે જ્ઞાન મેળવે, અવલોકન અને નિર્ણય શક્તિનો વિકાસ થાય, એકતા અને સહકારની ભાવના વિકસે, સમૂહ કાર્ય કરવાની આવડત કેળવે, જુદી જુદી પ્રવૃત્તિઓથી વાકેફ થાય, હસ્તકળા-ચિત્રકળા વિકસે, કલ્પના અને સર્જન શક્તિનો વિકાસ થાય, જીજ્ઞાશા વૃતિ સંતોષાય, બાળકોની સ્વતંત્રતાને પ્રોત્સાહન મળે અને બાળકોની જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ થાય તેવા શુભ હેતુસર દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના 350થી વધુ બાળકોએ 24 ઉત્થાન સહાયકોના સહયોગથી ભાગ લીધો હતો.
આ બાળમેળામાં દિવાળીના દીવા શણગાર, ગ્રીટિંગ્સ કાર્ડ, સીડી માડલા અને પેબલ મંડલા, ફોટો ફ્રેમ, ફુલ, બાજરી ફૂડ મેકિંગ, કિચેઈન, બ્રેસલેટ બનાવવા. વન મિનિટ ગેમ્સ લેંગ્વેજ એન્ડ મેથ્સ , વોટર બલુન ડોઝ ગેમ જેવી વિવિધતા સભર અને હેતુસભર પ્રવૃત્તિઓ કરાવવામાં આવી જેમાં બાળકોએ ખૂબ હોશ અને ઉમંગથી ભાગ લીધો તો વાલીઓ પણ આ પ્રવૃત્તિથી પ્રભાવિત થયા હતા. દિવાળી મેળા દરમિયાન તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓના નમૂનાઓનુ શાળા ખૂલવાના પ્રથમ દિવસે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ નિદર્શનમાં શાળાના શિક્ષકો, વાલીઓ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ સભ્યશ્રીઓ, સી.આર.સી ,બી.આર.સી કોર્ડીનેટર બીટ નિરીક્ષક અને ટી.પી.ઈ.ઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
બાળકો વેકેશનનો પણ મહત્તમ લાભ મેળવે સાથે સાથે આવી રસપ્રદ અભિરુચિવાળી મનપસંદ પ્રવૃત્તિઓ કરે અને પરોક્ષ રીતે શિક્ષણ સાથે પણ સંકળાયેલો રહે અને બાળકોમાં અનેક પ્રકારના ગુણોનો વિકાસ થાય એ તમામ બાબતોને આવરીને દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં બાળકોએ ખુબ ઉત્સાહથી સરસ અને સુંદર સહયોગ આપ્યો.