
સુરત: અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા અને ઉમરપાડા વિસ્તારમાં ક્લાઇમેટ એક્શન ઇનિશિયેટિવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને જૈવવિવિધતા (Biodiversity) વધારવાના હેતુસર વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન ફાઉન્ડેશનની “સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એન્ડ ગ્રીન ગ્રોથ” માટેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. હજારો વૃક્ષ માત્ર રોપીને નહીં પરંતુ એના ઉછેર માટેની સંપૂર્ણ વ્યવસ્થા અને દેખરેખની જવાબદારી સાથે વન ઊભું કરવાની જવાબદારી સાથે અદાણી ફાઉન્ડેશનએ આ પહેલની શરૂઆત કરી છે.
હજીરા વિસ્તારના રાજગરી ગામ ખાતે કુલ ૫,૦૦૦ વૃક્ષારોપણ મિયાવાકી પદ્ધતિ હેઠળ કરવામાં આવ્યું છે, જે એક વૈજ્ઞાનિક અને આધુનિક તકનીક છે. આ પદ્ધતિ અંતર્ગત વૃક્ષો નાની જગ્યામાં ઘનત્વપૂર્વક રોપવામાં આવે છે જેથી માત્ર ત્રણથી ચાર વર્ષમાં નાનું જંગલ તૈયાર થઈ જાય. અહીં સુરક્ષિત ફેન્સિંગ અને ડ્રિપ સિંચાઇની અદ્યતન વ્યવસ્થા દ્વારા દરેક છોડનું સંવર્ધન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેથી જેટલા વૃક્ષો રોપ્યા છે એનું વ્યવસ્થિત ઉછેર થાય. આ પ્રયોગથી હજીરા વિસ્તારનું માઇક્રોક્લાઇમેટ સુધરશે અને સ્થાનિક પર્યાવરણને નવી ઉર્જા મળશે.
ઉમરપાડા તાલુકાના આશ્રમશાળાઓમાં પણ આ હરિત પહેલ સફળતાપૂર્વક અમલમાં આવી છે. તાલુકાની બિલવણ આશ્રમશાળા ખાતે ૩,૧૮૫ અને ઉમરદા આશ્રમશાળા ખાતે ૨,૦૩૦ વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. બંને સ્થળોએ ડ્રિપ સિંચાઇની સુવિધા સાથે છોડોની વૃદ્ધિ અને સંવર્ધન માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અભિયાન માત્ર પર્યાવરણ સુધારણા પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યેની સંવેદના અને હરિત જીવનશૈલીની ભાવના જગાડે છે. આ વૃક્ષારોપણ અભિયાન અદાણી ફાઉન્ડેશનની હરિત દ્રષ્ટિનું જીવંત ઉદાહરણ છે, જેનું ધ્યેય છે “પ્રકૃતિ સાથેનું સમન્વય, પ્રગતિ સાથેની જવાબદારી”. અદાણી ફાઉન્ડેશન સતત એવી પહેલ હાથ ધરે છે, જે સ્થાનિક સમાજને ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને સમૃદ્ધ ભવિષ્ય તરફ દોરી જાય.