
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ધ સધર્ન ગુજરાત ઈનકમ ટેક્ષ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ડાયરેક્ટ એન્ડ ઈનડાયરેક્ટ ટેક્ષ વિષય પર તા. ૦૫ મે ૨૦૨૫ ના રોજથી સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે સ્ટડી સર્કલ સીરિઝની શરૂઆત થઈ છે. આ સીરિઝના ભાગરૂપે બીજા દિવસે મંગળવાર, તા. ૦૬ મે ૨૦૨૫ ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં નિષ્ણાંત વક્તા તરીકે એડવોકેટ હેમંત દેસાઈ અને સીએ મંથન ચાવટ દ્વારા ઈનડાયરેક્ટ ટેક્ષ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
એડવોકેટ હેમંત દેસાઈએ ઈનડાયરેક્ટ ટેક્ષ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ’GST સેક્શન ૨૦૧૭ ની કલમ ૧૦૭ મુજબ, આપેલા આદેશ સામે અપીલ દાખલ કરવા માટે ત્રણ મહિનાનો સમય મળે છે. તેમજ જો તેઓ યોગ્ય કારણ આપે તો એક મહિનાનો વધારો મળે છે. જીએસટી અપીલ અસ્વીકાર થવાના કારણોમાં અપીલકર્તા દ્વારા થતી કેટલીક ભૂલોનો સમાવેશ થાય છે. જેમ કે, નિર્ધારિત સમય મર્યાદામાં અરજી દાખલ ન કરવી, ખોટી અપીલની અરજી અધિકારી સમક્ષ કરવી, પૂર્વ ડિપોઝિટની ચૂકવણી ન કરવી, અપૂર્ણ દસ્તાવેજો અપીલની સાથે આપવા તેમજ નોંધપાત્ર પુરાવાઓનો અભાવ હોય છે.
તેમણે સેક્શન ૧૦૭, સેક્શન ૧૬૧ અને સેક્શન ૧૬૯ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ દર્શન સિંઘ બલવંત સિંઘ વિ. સ્ટેટ ઓફ પંજાબ, ફિલિપ્સ ઈન્ડિયા લિ. વિ. લેબર કોર્ટના કેસ વિશે સમજ આપી હતી.
સીએ મંથન ચાવટે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI)ના ઉપયોગથી ટ્રેડિશનલ અને ભવિષ્યના સીએની ભૂમિકામાં કેટલા ફેરફાર આવશે. ટ્રેડિશનલ સીએ એક્ટિવિટીમાં ઓડિટીંગ, એસેસમેન્ટ્સ, કંપની ફોર્મેશન્સ અને ROC ફિલિંગ્સ તેમજ રિટર્ન્સ એન્ડ કોમ્પ્લાયન્સનો સમાવેશ થાય છે, જ્યારે ભવિષ્યમાં સીએની એક્ટિવિટીમાં વર્ચ્યુઅલ CFO, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ડેટા ઓફિસર્સ અને AI ડ્રિવેન રિસ્ક એસેસમેન્ટ્સનો સમાવેશ થશે.
તેમણે AI ના સીએ પ્રેક્ટીસમાં રહેલ ફાયદાઓ જણાવતાં કહ્યું હતું કે, AI ના ઉપયોગથી સમયની બચત અને ભૂલોમાં ઘટાડો થાય છે, સ્કેલેબલ સર્વિસ (તેથી વધુ કેસો સરળતાથી સંભાળી શકાય છે.), બેટર ઈન્સાઈડ્સ તેમજ ક્લાઈન્ટ સાથેના સંબંધોમાં પ્રોએક્ટીવ અને પર્સનલાઈઝ્ડ કોમ્યુનિકેશન થાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એડવોકેટ AI નો ઉપયોગ ઓટો-જનરેટેડ રિપોર્ટસ બનાવવામાં, પ્રિડીક્ટેવ કેશ ફ્લો, ફ્રોડ ડિટેક્શન, NLP- બેઝ્ડ લીગલ એનાલિસીસ, ક્લાઈન્ટ સેગમેન્ટેશન અને ડ્રાફ્ટિંગ માટે કરી શકે છે.
ચેમ્બર ઓફ કોમર્સના ગ્રૃપ ચેરમેન સીએ મિતિષ મોદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. SGITBAના પ્રમુખ કુલિન પાઠક અને ટેક્ષ પ્રેક્ટીશનર્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સની ઈન્કમ ટેક્ષ કમિટીના કો-ચેરમેન દિપેશ શાકવાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે SGITBAના પૂર્વ પ્રમુખ રેખાંક કાયસ્થ અને SGITBAના મેનેજિંગ કમિટીના સભ્ય અમરેશ ઉપાધ્યાયે વક્તાનો પરિચય આપ્યો હતો. ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના જવાબ વક્તાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. SGITBAના માનદ્ ખજાનચી નિખિલ પાટકરે ઉપસ્થિત સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.