ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રી ગિરીરાજ સિંહની અધ્યક્ષતામાં મુંબઇ ખાતે ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપ MMFની મિટીંગ મળી, ટેક્ષ્ટાઇલ સંગઠનોએ રજૂઆતો કરી
પોલિએસ્ટર યાર્ન અને MMF યાર્નને મિનિસ્ટ્રી ઓફ ટેક્ષ્ટાઇલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરાઇ
સુરત : ભારત સરકારના ટેક્ષ્ટાઇલ મંત્રી ગિરીરાજ સિંઘની અધ્યક્ષતામાં શુક્રવાર, ૧ર જુલાઇ, ર૦ર૪ના રોજ મુંબઇ ખાતે ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપ એમએમએફની મિટીંગ મળી હતી. જેમાં ટેક્ષ્ટાઇલ સેક્રેટરી રચના શાહ, ટેક્ષ્ટાઇલ કમિશ્નર રૂપ રાશી અને ટેક્ષ્ટાઇલ ટ્રેડ એડવાઇઝર સુશ્રી સુબરા પણ હાજર રહયા હતા. આ મિટીંગમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ચેમ્બરના સભ્ય સીએ રાજીવ કપાસિયાવાલા અને ફિઆસ્વી ચેરમેન ભરતભાઇ ગાંધી તથા દેશભરના ટેક્ષ્ટાઇલ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. ટેક્ષ્ટાઇલ સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રી સમક્ષ વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી અને પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ ટેક્ષ્ટાઇલ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે, સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી રૂપિયા ૪૦ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે અને વર્ષ ર૦૦૦ની સાલમાં જ્યારે ટફ સ્કીમ આવી ત્યારે ફકત ૧૦ હજાર હાઇસ્પીડ વિવિંગ મશીન હતા, પરંતુ આજે ૧ લાખ રપ હજાર હાઇસ્પીડ વિવિંગ મશીન છે, જે ૧ર.પ૦ ટકા CAGRથી વિવિંગ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થયો છે. CAGR જો આ જ ગ્રોથ મેઇન્ટેન રહે તો આગામી ૭ વર્ષમાં બીજા રૂપિયા ૪૦ હજાર કરોડનું રોકાણ વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં થઇ શકે છે.
સુરતમાં રોજનું પ કરોડ મીટર કપડું બને છે અને સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ૧૮ લાખ લોકોને રોજગારી આપે છે. વિવિંગ ઇન્ડસ્ટ્રીએ ઘણા ઇમ્પોર્ટ સબસ્ટીટયુટ ફેબ્રિક ડેવલપ કર્યા છે. જેમાં હોમ ટેક્ષ્ટાઇલ, હાઇસ્પીડ ટાફેટા, લગેજ ફેબ્રિક અને અમ્બ્રેલા ફેબ્રિક પણ ડેવલપ કર્યા છે. ભારતમાં MEGPTAની ઇન્ડેક્ષ વેલ્યુ રૂપિયા ૧૦૦ હોય તો તેમાંથી બનેલા ગારમેન્ટની કિંમત રૂપિયા રપ૦૦ હોય છે, જ્યારે વિસ્કોસ યાર્નમાં જો યાર્નની વેલ્યુ રૂપિયા ૧૦૦ હોય તો તેમાંથી બનેલા ગારમેન્ટની કિંમત રૂપિયા ૧પ૦૦ થાય છે. આવી રીતે MEGPTAની વેલ્યુ એડીશન રપ ગણી અને વિસ્કોર્સ યાર્નની વેલ્યુ એડીશન ૧પ ગણી થાય છે.
વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનતું ટ્વીસ્ટેડ ફેબ્રિકનું પ્રોડકશન આખા દુનિયામાં સૌથી વધુ સુરતમાં થાય છે અને લગભગ ૬૦૦૦ વોટરજેટ સુરતમાં ઇન્સ્ટોલ થયા છે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની વાર્ષિક ડિમાન્ડ ૧ લાખ ટનની સામે પ્રોડકશન માત્ર પ૦ હજાર ટન છે, જેથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ના કોઇ એન્ટી ડમ્પીંગ ડયુટી લાગવી જોઇએ ના કોઇ QCO લાગવો જોઇએ. QCO લાગ્યા પહેલા ઇન્ડસ્ટ્રીને બાકી મેન્યુફેકચરીંગ કન્ટ્રીઝ કરતા ૧૦ ટકા જ મોંઘુ યાર્ન મળતું હતું, આજે રપથી ૩પ ટકા મોંઘુ યાર્ન મળે છે અને ફેબ્રિકમાં ડિમાન્ડ નહીં હોવાથી પ્રોડકશનમાં બે દિવસનો વીકલી ઓફ રાખવામાં આવે છે. આ વીકલી ઓફ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને વિવિંગ ઇન્ડસ્ટ્રી બંનેમાં રાખવામાં આવે છે.
પોલિએસ્ટર યાર્ન અને એમએમએફ યાર્ન જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરના નેજા હેઠળ આવે છે એને મિનિસ્ટ્રી ઓફ ટેક્ષ્ટાઇલમાં ટ્રાન્સફર કરવું જોઇએ. પીટીએની શોર્ટેજ અને પીટીએના ભાવ વધવાથી અત્યારે વિવિંગ ઇન્ડસ્ટ્રી, યાર્ન ઇન્ડસ્ટ્રી અને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી તકલીફમાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
ફિઆસ્વીના ચેરમેન શ્રી ભરતભાઇ ગાંધીએ ATUF, TUF, M-TUF, R-TUF અને RR-TUF સંબંધિત રજૂઆતો કરી હતી. તેમણે ATUF હેઠળ જે સબસિડીના પેન્ડીંગ ડિસ્બર્સમેન્ટને ઝડપી બનાવવા માટે રજૂઆત કરી હતી. સબસિડી માટે કલેઇમ કરવાની પ્રક્રિયામાં પણ સરળતા લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ATUF સ્કીમને ફરીથી શરૂ કરવા અને તેને ૧લી જાન્યુઆરી, ર૦ર૩થી અમલમાં લાવી તેમાં રૂપિયા પ૦૦૦ કરોડનું ફંડ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તદુપરાંત BIS સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા પણ જટિલ અને લાંબી હોવાથી તેમાં સરળતા લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત CITIના ચેરમેન રાકેશ મહેરાએ જણાવ્યું હતું કે, ડાઉન સ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીને ગ્લોબલ કોમ્પીટેટીવ ભાવે રો મટિરિયલ મળવું જોઇએ. ઇન્ડિયન ટેકનિકલ ટેક્ષ્ટાઇલ એસોસીઅશેનના પ્રમુખ અવિનાશ મિસારે રજૂઆત કરી હતી કે, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને કયુસીઓના લીધે રો મટિરિયલ મળતું નથી, આથી આ ઇન્ડસ્ટ્રી અત્યારે બંધ થવાના આરે છે. જેથી ટેકનિકલ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટું વેલ્યુ એડીશન કરે છે અને ભારતમાં તથા વિદેશમાં પણ એની દિવસે દિવસે ડિમાન્ડ વધતી જાય છે.
ટેક્ષ્ટાઇલ એસોસીએશન ઇન્ડિયાના રણબીર વિજે જણાવ્યું હતું કે, પીટીએની શોર્ટેજના કારણે ઓછામાં ઓછું ૩૦ ટકા યાર્નનું પ્રોડકશન ઓછું થઇ રહયું છે અને ઇન્ટરનેશનલ ભાવો કરતા લગભગ ૧૦ રૂપિયો કિલો મોંઘુ મળી રહયું છે. ભાવ પણ વધારે છે અને શોર્ટેજ પણ છે. દર મહિને દોઢ લાખ મેટ્રિક ટનની શોર્ટે જ છે, જેથી ઇમ્પોર્ટ કરવાની છુટ મળવી જોઇએ. મિટીંગમાં સાયમાના ચેરમેન અને સેક્રેટરી જનરલ તથા પ્રેડેકસીલના વાઇસ ચેરમેન પણ હાજર રહયા હતા. ટેક્ષ્ટાઇલ સંગઠનો આશ્ફી અને એમસીના પ્રતિનિધીઓ પણ હાજર રહયા હતા.